ગુજરાત સરકારે નર્સિંગ શિક્ષણ અને આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે નર્સિંગ ક્ષેત્રે 8 નવા વિશેષ સ્પેશિયલાઈઝ્ડ ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવશે. આ પગલું આરોગ્ય ક્ષેત્રમાં કુશળ અને સુપર સ્પેશિયાલિસ્ટ નર્સોની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. આ નવા કોર્સ 1 વર્ષના પોસ્ટ બેઝિક ડિપ્લોમા સ્વરૂપે ઉપલબ્ધ રહેશે અને તેનો મુખ્ય હેતુ નર્સિંગ સ્ટાફને વિશેષ તાલીમ આપી તેમને વધુ પ્રોફેશનલ બનાવવાનો છે.
આરોગ્ય સેવાઓને મળશે મજબૂતી
રાજ્યમાં આરોગ્ય સેવાઓ સતત વિસ્તરી રહી છે, ખાસ કરીને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ અને આધુનિક સારવાર સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ટ્રેન્ડ અને સ્પેશિયાલાઇઝ્ડ નર્સિંગ સ્ટાફની માંગ વધી રહી છે. સરકારે આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નર્સિંગ શિક્ષણમાં સુધારા તરફ આગળ વધવાનું નક્કી કર્યું છે. આ કોર્સ દ્વારા ICU, ઈમરજન્સી કેર, ઓન્કોલોજી, કાર્ડિયાક કેર જેવી વિશેષ સેવાઓ માટે કુશળ નર્સ તૈયાર થશે.
ક્યાં ચાલશે કોર્સ?
આ તમામ સ્પેશિયાલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ રાજ્યની સરકારી નર્સિંગ કોલેજોમાં શરૂ કરવામાં આવશે. ખાસ કરીને મેડિકલ કોલેજો, GMERS સંચાલિત સંસ્થાઓ અને AMC સંચાલિત કોલેજોમાં આ કોર્સ અમલમાં આવશે. કુલ 6 સરકારી નર્સિંગ કોલેજોમાં આ કોર્સ શરૂ થશે અને શરૂઆતમાં કુલ 120 બેઠકો ફાળવવામાં આવી છે. આથી દર વર્ષે મોટી સંખ્યામાં ટ્રેન્ડ નર્સિંગ સ્ટાફ તૈયાર થશે.
નર્સિંગ ક્ષેત્રમાં કારકિર્દી માટે નવી તક
આ નિર્ણયથી નર્સિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે નવી તક ઊભી થશે. પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સ દ્વારા તેઓ વિશેષ ક્ષેત્રમાં નિષ્ણાત બની શકશે, જેનાથી રોજગારની સંભાવનાઓ પણ વધશે. સાથે જ, રાજ્યમાં જ ગુણવત્તાસભર તાલીમ મળવાથી વિદ્યાર્થીઓને બહારના રાજ્યમાં જવાની જરૂરિયાત પણ ઘટશે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઝડપાયું 'નકલી' નું કૌભાંડ! : ભેળસેળયુક્ત 2500 કિલો હળદર અને 1400 કિલો કાજુના ટુકડાનો જથ્થો જપ્ત
ગુજરાત હવે બનાવશે સુપર સ્પેશિયાલિસ્ટ નર્સ
આ પહેલ દ્વારા ગુજરાત સરકારનો હેતુ માત્ર નર્સોની સંખ્યા વધારવાનો નથી, પરંતુ ગુણવત્તાસભર અને વિશેષ કુશળતા ધરાવતી નર્સિંગ ફોર્સ તૈયાર કરવાનો છે. આગામી સમયમાં રાજ્યના સરકારી અને ખાનગી બંને આરોગ્ય ક્ષેત્રને તેનો સીધો લાભ મળશે, અને દર્દીઓને વધુ સારી સારવાર સેવા મળી શકશે.
આ નિર્ણયથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રમાં ગુણવત્તાનો વધારો થશે અને દર્દીઓને વધુ સુવિધાસભર સારવાર મળશે. ખાસ કરીને ગંભીર અને જટિલ સારવાર માટે ટ્રેન્ડ નર્સોની ઉપલબ્ધતા વધવાથી હોસ્પિટલ સેવાઓ વધુ કાર્યક્ષમ બનશે. ગુજરાત સરકારનું આ પગલું આરોગ્ય ક્ષેત્રમાં લાંબા ગાળે સકારાત્મક પરિવર્તન લાવનાર સાબિત થઈ શકે છે.





