Home Gujarat Gujarat Monsoon Rain Forecast Ambalal Patel Imd El Nino

ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? : ખેડૂતો માટે કયો સમય છે મહત્વનો?, જાણો અંબાલાલ પટેલ, હવામાન વિભાગ અને નિષ્ણાતોએ શું કરી આગાહી

વરસાદ અને અંબાલાલ પટેલની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 15, 2026, 05:17 AM IST

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે એક જ સવાલ સૌના મનમાં છે કે આખરે ચોમાસું ક્યારે બેસશે? સામાન્ય રીતે જૂનના મધ્ય સુધી રાજ્યના મોટા ભાગમાં ચોમાસું સક્રિય થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. હવામાન વૈજ્ઞાનિકો, ખાનગી હવામાન નિષ્ણાતો અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના અંદાજ મુજબ અલ નીનોની અસરને કારણે આ વર્ષે ચોમાસું મોડું શરૂ થવાની સાથે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખાસ કરીને ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની રહી છે, કારણ કે ખેતીની તૈયારી મોટા ભાગે વરસાદના સમય અને પ્રમાણ પર આધારિત હોય છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તો લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અંબાલાલ પટેલે શું કરી આગાહી?

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં અરબ સાગરની સિસ્ટમ પૂરતી સક્રિય ન હોવાથી ગુજરાતમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું છે કે મુંબઈ વિસ્તારમાં પણ ચોમાસું અટકી ગયું છે, જ્યારે પૂર્વ ભારતના વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે.

અંબાલાલ પટેલના મતે, જ્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આવતી બંને ચોમાસાની શાખાઓ એકસાથે મજબૂત બનશે ત્યારે રાજ્યમાં વ્યાપક વરસાદની સ્થિતિ સર્જાશે. હાલ હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી વરસાદી સિસ્ટમો પૂરતી મજબૂત બની શકી નથી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે જો વેપારી પવનો (ટ્રેડ વિન્ડ્સ) અનુકૂળ બનશે તો ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. ઉપરાંત આફ્રિકા તરફથી સર્જાતા વાદળોના સમૂહો જુલાઈ દરમિયાન ભારત તરફ આગળ વધે તેવી શક્યતા હોવાથી જુલાઈમાં ચોમાસું વધુ મજબૂત બની શકે છે.

અંબાલાલ પટેલના અંદાજ મુજબ 16 જૂન બાદ બંગાળની ખાડીમાં સર્જાનારી લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ ભેજ ખેંચી શકે છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની સંભાવના છે. તેમણે 23 જૂન બાદ ગુજરાતમાં સારા વરસાદની આશા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: વીજળીના બિલમાં વધારો કોણ નક્કી કરે છે? : જાણો વીજ દર વધવા પાછળના મુખ્ય કારણો

હવામાન વિભાગ શું કહે છે?

ભારતીય હવામાન વિભાગ (IMD) પણ રાજ્યમાં ચોમાસાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. વિભાગના તાજેતરના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) અને સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જોકે સમગ્ર ગુજરાતમાં વ્યાપક અને સતત વરસાદ શરૂ થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિ શરૂ થવાની શક્યતા છે. જોકે રાજ્યમાં ચોમાસું સત્તાવાર રીતે સામાન્ય સમય કરતાં થોડું મોડું બેસી શકે છે.

આ પણ વાંચો: “સમય આવશે ત્યારે ખુલ્લા પાડીશ” : ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિફર્યા! પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો પર કર્યા આકરા પ્રહાર

અલ નીનો કેમ બની રહ્યો છે ચિંતાનો વિષય?

હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે અલ નીનોની અસર ચોમાસા પર સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે. અલ નીનો એ પ્રશાંત મહાસાગરના સપાટી તાપમાનમાં થતા અસામાન્ય વધારાની સ્થિતિ છે, જે વિશ્વભરના હવામાન ચક્રને અસર કરે છે.

ભારતમાં અલ નીનો સામાન્ય રીતે ઓછા વરસાદ સાથે જોડાયેલો માનવામાં આવે છે. નિષ્ણાતોના અંદાજ મુજબ આ વર્ષે ગુજરાતમાં સરેરાશ વરસાદના આશરે 85 ટકા જેટલો વરસાદ નોંધાઈ શકે છે. જો આ અનુમાન સાચું સાબિત થાય તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ પણ વાંચો: આદિત્યના નામે કરીમે 20 મહિલાઓને ફસાવી : વિધવા અને ત્યક્તાને બનાવતો હતો શિકાર, હવસખોર પાસેથી મળ્યા મહિલાઓના 8000થી વધુ Video

ગ્લોબલ વોર્મિંગની અસર પણ સ્પષ્ટ

ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાના પાણીનું તાપમાન સતત વધી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં દરિયાનું તાપમાન સામાન્ય કરતાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. આ વધેલા તાપમાનને કારણે લા નીના અને અલ નીનોની પરંપરાગત પેટર્નમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉ ચારથી પાંચ વર્ષના અંતરે જોવા મળતી આ પરિસ્થિતિઓ હવે વધુ ઝડપથી બદલાઈ રહી છે, જેના કારણે ચોમાસાની આગાહી વધુ પડકારજનક બની રહી છે.

ખેડૂતો માટે શું મહત્વનું?

ગુજરાતના ખેડૂતો માટે આગામી બે સપ્તાહ અત્યંત મહત્વના બની શકે છે. જો 20થી 25 જૂન વચ્ચે રાજ્યમાં સારો વરસાદ શરૂ થાય તો વાવણીની કામગીરીને ગતિ મળી શકે છે. પરંતુ જો વરસાદ વધુ વિલંબિત થાય તો ખેતી ખર્ચ વધવાની સાથે ઉત્પાદન પર પણ અસર પડી શકે છે.

ખાનગી નિષ્ણાતો અને અંબાલાલ પટેલની આગાહીઓમાં એક બાબત સામાન્ય જોવા મળે છે કે આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ શકે છે, પરંતુ વ્યાપક અને સારા વરસાદ માટે જૂનના અંત સુધી રાહ જોવી પડી શકે છે. ગુજરાતમાં હવે સૌની નજર આકાશ પર છે. આગામી દિવસોમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાતી હવામાન પ્રણાલીઓ રાજ્યના ચોમાસાની દિશા નક્કી કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now