Home Gujarat Gujarat Governments Decision Distribution Of 5 Kg Cylinders To Workers And Kerosene Rural Areas

ગુજરાતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકોને મોટી રાહત : 54,000 થી વધુ 5-kg સિલિન્ડરનું અને ગ્રામીણ વિસ્તારોમાં કેરોસીનનું વિતરણ શરૂ

Gujarat LPG 5kg Cylinder Distribution
Published by: Nirali Gohil
Last Updated: Apr 06, 2026, 11:21 AM IST

LPG Crisis: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તણાવપૂર્ણ સ્થિતિને કારણે ભારત સહિત ગુજરાતમાં પણ એલપીજી (LPG) ગેસના પુરવઠા પર માઠી અસર પડી છે. ગેસની આ અછતને પહોંચી વળવા અને ખાસ કરીને શ્રમિક વર્ગને રાહત આપવા માટે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. રવિવારે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, શ્રમ અને રોજગાર વિભાગ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત કેન્ટીનોમાં ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, જે શ્રમિકો ગેસની અછતને કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છે, તેમના માટે ખાસ 5 કિલોના નાના સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે.

સરકારી આંકડાઓ મુજબ, અત્યાર સુધીમાં રાજ્યમાં શ્રમિકોને 54,000 થી વધુ 5 કિલોના સિલિન્ડરનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ એ છે કે ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોને રાંધણ ગેસના અભાવે સ્થળાંતર ન કરવું પડે. સરકારનો દાવો છે કે વલસાડ અને નવસારી સહિતના સુરત ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં શ્રમિકોનું સ્થળાંતર ખૂબ જ ઓછું જોવા મળ્યું છે, જે સરકારી વ્યવસ્થાઓની સફળતા દર્શાવે છે.

ગ્રામીણ વિસ્તારો માટે કેરોસીન વિતરણની નવી વ્યવસ્થા

ગેસની તંગી વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ બળતણની સમસ્યા ન સર્જાય તે માટે સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને કેરોસીન ડીલર્સ એસોસિએશન સાથે સંકલન સાધીને કેરોસીન વિતરણની સિસ્ટમ ઉભી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 1,452 કિલોલિટર (KL) કેરોસીન ફાળવવામાં આવ્યું છે, જેમાંથી રાજ્ય સરકારે તમામ જિલ્લાઓને 36 KL કેરોસીનનો જથ્થો ફાળવી દીધો છે. આ નવી વ્યવસ્થા હેઠળ દરેક પરિવારને 5 લિટર અને સંસ્થાઓને 25 લિટર કેરોસીન મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો: વડોદરામાં ગેસ કનેક્શનનું મોટું સંકટ : કોમર્શિયલ ગેસના ભાવ રૂ.5000 ને પાર! હોટલ સંચાલકો અને લારીધારકોની હાલત કફોડી

તાલુકા દીઠ એક પેટ્રોલ પંપ પરથી મળશે કેરોસીન

સરકારે કેરોસીનના સંગ્રહ માટે વડોદરા (Baroda) અને પાલનપુરમાં બે મોટા સ્ટોરેજ ડેપો નિયુક્ત કર્યા છે. વિતરણ વ્યવસ્થાને સરળ બનાવવા માટે દરેક તાલુકામાં એક પસંદ કરેલા પેટ્રોલ પંપ પરથી કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન અને અન્ય ખર્ચને ધ્યાનમાં રાખીને કેરોસીનનો ભાવ પ્રતિ લિટર 61.4 થી 66.1 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવ્યો છે. આ પગલાથી અંતરિયાળ ગામડાઓમાં રહેતા પરિવારોને મોટી રાહત મળશે.

હર્ષ સંઘવીએ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક

ગેસની ઉપલબ્ધતાની સમીક્ષા કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને સુરત, વલસાડ અને નવસારીના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોને પડતી મુશ્કેલીઓ અને ગેસ સિલિન્ડરના પુરવઠા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકારે ખાતરી આપી છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસની અછતને કારણે ઉત્પાદન કે શ્રમિકોના જીવન પર અસર પડવા દેવામાં આવશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now