Vadodara Gas Price Hike: વડોદરામાં હાલમાં ગેસ કનેક્શન મેળવવા માટે અરજદારોની લાંબી કતારો અને 'વેઇટિંગ'નો દોર જોવા મળી રહ્યો છે. એકતરફ ખાનગી કંપનીઓએ કોમર્શિયલ ગેસના ભાવમાં રાતોરાત તોતિંગ વધારો ઝીંકી દીધો છે, તો બીજી તરફ નવા કનેક્શન મેળવવા માટે વેપારીઓ અને ગૃહિણીઓએ મહિનાઓ સુધી રાહ જોવી પડી રહી છે. ગેસના ભાવ બમણા થઈ જતાં શહેરના નાના-મોટા રેસ્ટોરન્ટ માલિકો, નાસ્તાની લારી ચલાવતા શ્રમિકો અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે.
ખાનગી ગેસ કંપનીઓની મનસ્વી નીતિને કારણે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જે ઉછાળો આવ્યો છે, તેની સીધી અસર શહેરના ખાદ્ય બજાર પર પડી રહી છે. અનેક વેપારીઓનું કહેવું છે કે, જો ગેસના ભાવ આટલા ઊંચા રહેશે તો અમારે ખાણી-પીણીની ચીજવસ્તુઓના ભાવ વધારવા પડશે, જે ગ્રાહકો માટે અસહ્ય બનશે. બીજી બાજુ, કનેક્શન માટેની ધીમી ગતિને કારણે અનેક નવા ધંધા-રોજગાર શરૂ થતા પહેલા જ અટકી પડ્યા છે.
કોમર્શિયલ ગેસના ભાવમાં ₹2500નો સીધો વધારો
વડોદરાના વેપારીઓ માટે અત્યારે સૌથી મોટો ફટકો કોમર્શિયલ ગેસના ભાવમાં થયેલો વધારો છે. અગાઉ જે કોમર્શિયલ બોટલ ₹2500 માં મળતી હતી, તેનો ભાવ હવે સીધો ₹5000 એ પહોંચી ગયો છે. ભાવમાં 100% નો વધારો થતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. મોંઘા ભાવનો ગેસ વાપરીને ધંધો ચલાવવો હવે વેપારીઓ માટે નુકસાનનો સોદો સાબિત થઈ રહ્યો છે.
નવા કોમર્શિયલ કનેક્શન માટે લાંબુ વેઇટિંગ અને વેપારીઓમાં રોષ
માત્ર મોંઘવારી જ નહીં, પણ ગેસ મેળવવો પણ અત્યારે મુશ્કેલ બન્યો છે. ગંભીર બાબત એ છે કે, વડોદરામાં અંદાજે 100થી વધુ લોકોએ જરૂરી ડિપોઝિટની રકમ ભરી દીધી હોવા છતાં, તેઓ હજુ પણ વેઇટિંગ લિસ્ટમાં છે. વહીવટી મર્યાદાઓ અને સંસાધનોની અછતને કારણે તંત્ર દ્વારા દરરોજ માંડ 2 થી ૩3 નવા કોમર્શિયલ કનેક્શન જ આપવામાં આવી રહ્યા છે. આ અત્યંત ધીમી કામગીરીને કારણે પોતાનો નવો ધંધો શરૂ કરવા માંગતા નાના વેપારીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે.
ઘરેલું ગેસ કનેક્શન માટે અરજીઓનો ‘રાફડો’ ફાટ્યો
શહેરમાં માત્ર વ્યવસાયિક જ નહીં, પરંતુ ઘરેલું (Domestic) ગેસ કનેક્શન મેળવવા માટે પણ ભારે ધસારો અને અરજીઓનો ધોધ જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડાકીય વિશ્લેષણ મુજબ, માર્ચ મહિનામાં કુલ 3800 નવી અરજીઓ ઘરેલું ગેસ કનેક્શન માટે આવી હતી. આ આંકડો એપ્રિલ મહિનામાં વધુ તેજીથી વધી રહ્યો છે, જેમાં એપ્રિલના પ્રથમ 6 દિવસમાં જ 1800 નવી અરજીઓ નોંધાઈ ચૂકી છે. આટલી મોટી સંખ્યામાં આવતી અરજીઓ સામે પુરવઠાની સ્થિતિ અત્યંત મર્યાદિત જણાઈ રહી છે.
વધતી માંગ સામે મર્યાદિત પુરવઠો: સામાન્ય પરિવારોની હાલત કફોડી
વધતી જતી માંગને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા હાલમાં રોજના આશરે 150 જેટલા નવા ઘરેલું કનેક્શન આપવામાં આવી રહ્યા છે. જોકે, અરજીઓની વિક્રમી સંખ્યાની સરખામણીએ કનેક્શન આપવાની આ ગતિ ઘણી ઓછી છે. આ અસંતુલનને કારણે સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારોને પણ રાંધણ ગેસ જેવી પાયાની સુવિધા માટે લાંબી પ્રતીક્ષા કરવી પડી રહી છે. ઉનાળાની આકરી ગરમીમાં ગેસની આ ખેંચને લીધે અનેક ઘરોમાં રસોડાનું બજેટ અને વ્યવસ્થાપન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
વેપારીઓની આંદોલનની ચીમકી
ઉનાળાની શરૂઆતમાં જ ગેસની આ તંગી અને અસહ્ય ભાવવધારાએ વડોદરાવાસીઓના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. જો આગામી દિવસોમાં ગેસનો પુરવઠો વધારવામાં નહીં આવે અને ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે, તો શહેરના હોટલ-રેસ્ટોરન્ટ એસોસિએશન અને નાના વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.





