VMC Election 2026: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ શહેરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, તો બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે લાગેલા રહસ્યમય પોસ્ટરોએ રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે. ખાસ કરીને લાલબાગ અને લાલ ગુરુ સર્કલ આસપાસના વિસ્તારોમાં લાગેલા આ પોસ્ટરોમાં ભાજપની આંતરિક જૂથબંધી અને જ્ઞાતિવાદના સમીકરણો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે.
આ પોસ્ટરોમાં સીધો જ ભાજપના સ્થાનિક નેતૃત્વ પર પ્રહાર કરવામાં આવ્યો છે. વડોદરાના મતદારોમાં ચર્ચા જગાવતા આ પોસ્ટરોમાં "Pro-Modi, Anti-BJP" ના સૂર સાંભળવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર જ્યારે ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે આ પ્રકારે જાહેર માર્ગો પર લાગેલા પોસ્ટરોએ રાજકીય પક્ષોની ઊંઘ ઉડાવી દીધી છે. પોસ્ટર વોરની આ ઘટનાને પગલે સોશિયલ મીડિયામાં પણ અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
"ક્યાં સુધી મોદીજીના નામે વોટ આપશો?" - સ્થાનિક ઉમેદવારની માંગ
લાલ ગુરુ સર્કલ પાસે લાગેલા પોસ્ટરોમાં ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, "સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિકોને સ્થાન આપો, ક્યાં સુધી મોદીજીના નામ પર વોટ આપશો?" આ સૂત્ર દ્વારા અજ્ઞાત લોકોએ એવી રજૂઆત કરી છે કે સ્થાનિક પ્રશ્નો ઉકેલવા માટે સ્થાનિક અને સક્ષમ ઉમેદવાર હોવો જરૂરી છે, માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર વોટ માંગવાની પ્રથા હવે બંધ થવી જોઈએ. આ પોસ્ટરો સીધો જ ભાજપના મોવડીમંડળ તરફ ઈશારો કરે છે.
આ પણ વાંચો: વડોદરામાં ચૂંટણીનો જંગ જામ્યો! : આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, જાણો કયા વોર્ડ માટે ક્યાં જવું પડશે
પાટીદાર કાર્ડ: "જય સરદાર, જય પાટીદાર" ના નારા સાથે પટેલ ઉમેદવારની માંગ
આ પોસ્ટર વોરમાં જ્ઞાતિવાદનું સમીકરણ પણ ઉમેરાયું છે. પશ્ચિમ વિસ્તારમાં પાટીદાર સમાજની મોટી વસ્તીને ધ્યાનમાં રાખીને કેટલાક પોસ્ટરોમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે, "સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પટેલ ઉમેદવારને સ્થાન આપો." આ પોસ્ટરોમાં 'જય સરદાર, જય પાટીદાર' ના નારા સાથે પાટીદાર સમાજના પ્રતિનિધિત્વની માંગણી તેજ કરવામાં આવી છે. ચૂંટણી પહેલા જ પાટીદાર ફેક્ટર સક્રિય થતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની રણનીતિ પર ફરીથી વિચાર કરવાની ફરજ પડી શકે તેમ છે.

કોણે લગાવ્યા પોસ્ટર? રાજકીય તર્ક-વિતર્ક શરૂ
પશ્ચિમ વિસ્તારમાં રાતોરાત લાગેલા આ પોસ્ટરો કોણે લગાવ્યા છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ભાજપની અંદરની જ કોઈ નારાજગીનું પરિણામ હોઈ શકે છે અથવા વિરોધ પક્ષો દ્વારા મતદારોને પ્રભાવિત કરવાનો આ એક પ્રયાસ હોઈ શકે છે. હાલમાં તો આ પોસ્ટરોને કારણે રાજકીય માહોલ પૂરેપૂરો ગરમાયો છે અને વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં પોલીસ તેમજ કોર્પોરેશનની ટુકડીઓ દ્વારા આ પોસ્ટરો હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.





