Home Gujarat Gujarat Fuel Gas Supply Cm Bhupendra Patel Meeting

ગુજરાતમાં આવશ્યક ચીજ-વસ્તુઓનો પૂરતો જથ્થો : CM ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય બેઠક, સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીના આદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચ સ્તરીય બેઠક
Published by: Chintan Chavda
Last Updated: Mar 28, 2026, 01:06 PM IST

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

એટલું જ નહિં ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઇ સોલંકીએ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહીને વિવિધ સૂચનો કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલની વૈશ્વિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં દેશના રાજ્યોમાં પેટ્રોલ, ડિઝલ, ગેસ, ખાતર અને અન્ન પુરવઠાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરઓ સાથે ગઇકાલે યોજેલી વીડિયો કોન્ફરન્સમાં તેમણે આપેલા દિશા-નિર્દેશોના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે રાજ્યના વરિષ્ઠ સચિવોની બેઠક યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, હાલના સમયે બધા જ વિભાગોએ સતર્ક રહીને સંકલન સાથે ટીમ વર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં પી.એન.જી. કનેક્શનને અગ્રતા આપવાની જે માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકારે આપેલી છે તેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા પી.એન.જી. કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે. ખાસ કરીને રહેઠાણ સાથો સાથ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ્સને આવા કનેક્શનમાં અગ્રતા આપવા મુખ્યમંત્રીએ સૂચવ્યું હતું.

LPG અને નાગરિક પુરવઠા વ્યવસ્થા

ગુજરાત દેશમાં સૌથી વધુ 23 ટકા PNG ગેસ કનેક્શન ધરાવતું રાજ્ય છે. આ ઉપરાંત દેશના 12 ટકા CNG ફિલીંગ સ્ટેશન પણ રાજ્યમાં કાર્યરત છે.

વડાપ્રધાનએ રાજ્યોને વધું નવા PNG કનેક્શન્સ માટે કરેલી હિમાયતના પગલે રાજ્યમાં નવા કનેક્શન આપવા માટેનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. પાછલા 10 દિવસમાં 12 હજારથી વધુ નવા પી.એન.જી. કનેક્શન્સ અને 300 થી વધુ નવા કોમર્શીયલ કનેક્શન્સ અપાયાં છે.

આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રજૂ થયેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 1.28 કરોડ ડોમેસ્ટીક એલ.પી.જી. કનેક્શન છે. એટલું જ નહિં આ ડોમેસ્ટીક કનેક્શન ધારકોને ગેસનો પુરવઠો નિયમિત મેળવવામાં કોઇ તકલીફ ન રહે તે માટે ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ સાથે રાજ્ય સરકાર સતત સંકલનમાં છે.

રાજ્ય સરકારે LPG કનેક્શન ધારકોની કોઇપણ સમસ્યાના ત્વરિત નિવારણ માટે કાર્યરત કરેલી હેલ્પલાઇન દ્વારા અત્યાર સુધીમાં 10,000 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે.

સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ સામે લાલ આંખ

મુખ્યમંત્રીએ પેટ્રોલ, ડિઝલ. ગેસ જેવી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ પર નિગરાની રાખવા તથા કડકાઈથી પેશ આવીને દાખલારૂપ સજા થાય તે માટે તાકીદ કરી હતી. તેમણે કહ્યું કે આના પરિણામે લોકોના મનમાંથી અછત કે તંગીનો જે ખોટો ભય છે તે દૂર કરી શકાશે.

કૃષિ અને ખાતર પુરવઠા પર વિશેષ ધ્યાન

રાજ્યમાં ફર્ટીલાઇઝરનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ખેડૂતોને ખરીફ સીઝન માટે ખાતરની કોઈ સમસ્યા રહે નહીં તેવું આયોજન કૃષિ વિભાગે કર્યું છે તેની પણ માહિતી આ બેઠકમાં આપવામાં આવી હતી.

પોર્ટ અને સપ્લાય ચેઇન મોનીટરીંગ

મુખ્યમંત્રીએ રાજ્યના પોર્ટ્સ પર કાર્ગોનું સરળ સંચાલન અને મોનિટરીંગ થાય તેમજ કન્જેશન થવાને કારણ સપ્લાય ચેનમાં રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવા અંગે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યમાં શ્રમિકોને પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિને કારણે આર્થિક મુશ્કેલી સહન કરવી ન પડે તે માટે તેમને મહેનતાણાની ચૂકવણી સમયસર થાય તે જોવાની સૂચના સબંધિત વિભાગોને મુખ્યમંત્રીએ આપી હતી.
વધુ વાંચો: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસને લઈને ખરેખર શું મોટું સંકટ છે? : જાણો રાજ્યના ડેપ્યૂટી CM અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું

કેન્દ્ર સરકાર સાથેના સંકલન માટે અને જિલ્લાઓમાં સપ્લાય ચેઇન જળવાઈ રહે તેના માર્ગદર્શન માટે મુખ્યસચિવના અધ્યક્ષ સ્થાને એક સ્ટેટ લેવલ કોર્ડીનેશન કમિટીની રચના કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. જિલ્લા સ્તરની આવી કોર્ડીનેશન કમિટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કાર્યરત થશે.

બિનનિવાસી ગુજરાતીઓને આ વૈશ્વિક સંકટના સમયમાં જરૂરીયાત જણાયે મદદરૂપ થવા એક હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે અને એન.આર.આઇ. પ્રભાગને બિનનિવાસી ગુજરાતીઓના સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની
SSGની ઘોર બેદરકારી
વડોદરામાં ગેંગવોરના એંધાણ: ‘હાથ કાપીને ઘરે મોકલીશું’