LPG Shortage: વાડીનાર બંદર ખાતે ‘જગ વસંત’ નામનું વિશાળ LPG ભરેલું જહાજ પહોંચ્યા બાદ આજે બીજા દિવસે ગેસ સ્થળાંતરની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી જ જહાજમાંથી ‘રોઝ’ નામના નાના જહાજમાં ગેસ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે અને સમગ્ર કામગીરી પર નિષ્ણાતોની નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
એન્કરેજ વિસ્તારમાં શિપ-ટુ-શિપ (STS) પદ્ધતિ દ્વારા ગેસનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, જેમાં સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન દરેક તબક્કે તકેદારી રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય.
વાડીનાર બંદર પર 47 હજાર મેટ્રિક ટન LPG
મળતી માહિતી મુજબ, ‘જગ વસંત’ જહાજ અંદાજે 47 હજાર મેટ્રિક ટન LPG લઈને 27 માર્ચના રોજ વાડીનાર બંદરે પહોંચ્યું હતું. આ જથ્થો દેશના ઊર્જા સંગ્રહ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાડીનાર ખાતે આવેલા આ મોટા જથ્થાથી દેશભરમાં સર્જાયેલી ગેસની અછતમાં રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે આ સપ્લાય વિશેષ મહત્વ ધરાવે છે. ઊર્જા સુરક્ષા જાળવવા માટે આવી સપ્લાય ચેઇન અત્યંત જરૂરી બની ગઈ છે. સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા ઊર્જા પુરવઠાની સતતતા જાળવવા માટે સઘન અને સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડાને નાયબ મુખ્યમંત્રીએ વધાવ્યો : ગુજરાતની જનતા વતી PM મોદીને કહી આ વાત
શું ફક્ત બે દિવસમાં દૂર થશે તંગી?
આ સમગ્ર ઓપરેશન અંદાજે બે દિવસ સુધી ચાલુ રહેશે. મળતી માહિતી મુજબ, દર 1000 મેટ્રિક ટન ગેસનું સ્થળાંતર કરવા માટે લગભગ એક કલાકનો સમય લાગે છે. ભારત પોતાની ઊર્જા લાઇફલાઇન મજબૂત રાખવા માટે સતત પ્રયત્નશીલ છે અને સપ્લાય ચેઇનને અવિરત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.





