Harsh Sanghvi: વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિ અને ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ₹10નો ધરખમ ઘટાડો કરવાના નિર્ણયને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઐતિહાસિક ગણાવ્યો છે. હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યાં વિશ્વના અનેક દેશો તેલના વધતા ભાવનો બોજો જનતા પર નાખી રહ્યા છે, ત્યાં ભારતમાં મોદી સરકારે નાગરિકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. આ ઘટાડાથી સામાન્ય જનતાને મોંઘવારીના મારથી મોટી રાહત મળશે.
યુદ્ધના સંકટ વચ્ચે જનતાને સુરક્ષા કવચ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. દુનિયાના ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 50% થી લઈને ડબલ સુધી વધી ગયા છે, જેની સીધી અસર ત્યાંની જનતા પર પડી રહી છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ ભારત સરકારે જનતા પર વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે.
₹10નો ઘટાડો: સામાન્ય જનતા માટે મોટી જીત
કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં કરવામાં આવેલા રૂ.10ના ઘટાડા અંગે હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, પીએમ મોદી હંમેશા દેશના નાગરિકોના કલ્યાણ માટે કટિબદ્ધ રહ્યા છે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પરિવહન અને રોજીંદી જરૂરિયાતોના ખર્ચમાં ઘટાડો થશે. તેમણે આ નિર્ણયને ભારતની મજબૂત અર્થવ્યવસ્થા અને સરકારની સંવેદનશીલતાનું ઉદાહરણ ગણાવ્યું હતું.
ગુજરાતની જનતા વતી પીએમ મોદીનો આભાર
નિવેદનના અંતે હર્ષ સંઘવીએ સમગ્ર ગુજરાતની જનતા વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, "જ્યારે દુનિયા સંકટમાં છે ત્યારે ભારતના સામાન્ય માનવીને સુરક્ષિત રાખવા બદલ અમે પીએમ મોદીના ઋણી છીએ." આ નિર્ણય બાદ રાજ્યમાં ઇંધણના ભાવ સ્થિર રહેતા લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.





