Vadodara News: સંસ્કારી નગરી વડોદરાના વારસીયા વિસ્તારમાં બે જૂથો વચ્ચે વર્ચસ્વની લડાઈ હવે ગેંગવોરનું સ્વરૂપ ધારણ કરી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ચાર મહિના અગાઉ કાર સળગાવવાની ઘટનાનો બદલો લેવા માટે અલ્પુ સિંધી ગેંગના સાગરીતો સાથે સંપર્ક ધરાવતા માનવ કારડાએ સોશિયલ મીડિયા પર હથિયારો અને ફાયરિંગના વીડિયો સાથે રિલ મૂકી ખુલ્લેઆમ ધમકી આપતા વારસીયા પોલીસે તેની અટકાયત કરી છે.
લોહીની હોળી ખેલવાની તૈયારી: રિલમાં હથિયારોનું પ્રદર્શન
વારસીયા ગણેશનગરમાં રહેતા મનીષ ઉર્ફે માનવ રાજકુમાર કારડાએ ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી રિલમાં ગેંગવોર જેવો માહોલ ઊભો કર્યો હતો. રિલમાં તેણે ધારદાર ચપ્પુ, એરગન અને દારૂની બોટલો પ્રદર્શિત કરી હતી. ફાયરિંગનો વીડિયો જોડીને ભયનો માહોલ ફેલાવ્યો હતો. પોતાની સળગતી કારનો વીડિયો મૂકી લલકાર્યું હતું કે, "જે હાથે કાર સળગાવી છે, તે જ હાથ કાપીને તારા પરિવારને ઈનામમાં મોકલીશ."
બુટલેગર હેરી સિંધી vs અલ્પુ સિંધી ગેંગ?
આ વિવાદના મૂળમાં જૂની અદાવત છે. ચાર મહિના પહેલા બુટલેગર હેરી લુધવાણી ઉર્ફે હેરી સિંધીએ તેના સાગરીતો વિવેક ઉર્ફે બન્ની, દીપુ અને વરૂણ શર્મા સાથે મળીને માનવની કાર ફૂંકી મારી હતી. આ અપમાનનો બદલો લેવા માનવ કારડાએ હવે મેદાને આવી હેરીનું નામ લીધા વગર તેને અને તેની ગેંગને જાહેરમાં માફી માંગવા અથવા પરિણામ ભોગવવા ધમકી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માનવ કારડા કુખ્યાત અલ્પુ સિંધી ગેંગના સંપર્કમાં હોવાથી આ વિવાદ બે ગેંગ વચ્ચેના મોટા સંઘર્ષમાં પરિણમે તેવી શક્યતા છે.
ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ આરોપી પણ રિલમાં દેખાયો
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે, આ રિલમાં તાજેતરમાં જ ગુજસીટોકના ગુનામાં પકડાયેલ અને હાલ જેલ બહાર રહેલ ધર્મેશ ઉર્ફે ગોલુ સચદેવ પણ દેખાય છે. જોકે, ગુનામાં તેની સીધી સંડોવણી અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે. માનવ કારડા રિલ મૂક્યા બાદ 5-6 માણસો સાથે સામા પક્ષના વિવેક ઉર્ફે બન્નીને ધમકાવવા પણ પહોંચ્યો હતો, જેના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેની અટકાયત કરી છે.






