Vadodara News: એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા માટે પ્રથમવાર અમલમાં મૂકાયેલી એન્ટ્રન્સ એક્ઝામ (પ્રવેશ પરીક્ષા)નો વિવાદ હવે વકર્યો છે. આજે NSUI ના કાર્યકરો આ પરીક્ષા રદ કરવાની માગ સાથે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને પગલે કેમ્પસમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી.
NSUI ના આક્ષેપો: "ડીન ખાનગી ક્લાસીસના દલાલ બન્યા"
રજૂઆત બાદ મીડિયા સાથેની વાતચીતમાં NSUI ના અગ્રણી સુઝાન લાડમેને ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય કોમર્સ ફેકલ્ટી માટે પ્રવેશ પરીક્ષા લેવાઈ નથી. ડીન પ્રજ્ઞેશ શાહ પ્રાઇવેટ કોચિંગ ક્લાસ અને ખાનગી યુનિવર્સિટીઓના દલાલ તરીકે કામ કરી રહ્યા હોય તેવું જણાય છે. જો ગુજરાત સરકાર દ્વારા લેવાતી ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાનું પરિણામ માન્ય હોય, તો પછી અલગથી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની શું જરૂર છે?"
NSUI એ ડીન સામે 'હિટલરશાહી' વર્તનનો આક્ષેપ કરતા ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે કે આ પરીક્ષા તાત્કાલિક રદ કરવામાં આવે. વધુમાં, સોમવારે વાઇસ ચાન્સેલર (VC) ને રજૂઆત કરી પ્રજ્ઞેશ શાહને ડીન પદેથી હટાવવાની માગ સાથે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
ડીનનો વળતો જવાબ: "પોલીસ ફરિયાદ કરીશ"
બીજી તરફ, ફેકલ્ટી ડીન પ્રજ્ઞેશ શાહે NSUI ના કાર્યકરો પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, "મેં કાર્યકરો સાથે શાંતિથી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ મારી ઓફિસમાં આવીને નારેબાજી શરૂ કરી દીધી હતી. એન્ટ્રન્સ ટેસ્ટના મુદ્દે કોઈ તાર્કિક ચર્ચા કરવાને બદલે તેઓએ હોબાળો મચાવ્યો હતો." ડીને વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારના દુર્વ્યવહાર સામે તેઓ પોલીસ ફરિયાદ નોંધાવશે.
મુખ્ય મુદ્દાઓ:
વિવાદનું કારણ: કોમર્સ ફેકલ્ટીમાં નવી દાખલ કરાયેલી પ્રવેશ પરીક્ષા.
NSUI ની માગ: બોર્ડના રિઝલ્ટને આધારે જ પ્રવેશ આપવો અને એન્ટ્રન્સ ટેસ્ટ રદ કરવી.
તંગદિલી: રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચક્યો.
આ વિવાદને કારણે આગામી સમયમાં પ્રવેશ પ્રક્રિયા પર શું અસર પડશે અને યુનિવર્સિટી સત્તાધીશો આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.





