Surat News: જૈન શાસનને કલંકિત કરનારી એક ગંભીર ઘટનાને પગલે સુરતમાં જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલીતાણામાં જૈન મુનિ સાગરચંદ્રની સાધ્વીજી સાથેની અશ્લીલ ચેટ વાયરલ થયા બાદ ઉઠેલો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. આજે સુરતમાં મોટી સંખ્યામાં જૈન સમાજની મહિલાઓ અને અગ્રણીઓએ રસ્તા પર ઉતરી મુનિ સાગરચંદ્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
શું છે સમગ્ર મામલો?
થોડા સમય પૂર્વે પાલીતાણામાં મુનિ સાગરચંદ્રની એક સાધ્વીજી સાથેની વાંધાજનક અને અશ્લીલ મોબાઈલ ચેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર જૈન સમુદાયમાં ખળભળાટ મચી ગયો હતો. આક્ષેપ કરવામાં આવ્યો છે કે સાગરચંદ્ર છેલ્લા ઘણા વર્ષોથી સાધ્વીજીઓ અને શ્રાવિકાઓનું શારીરિક અને માનસિક શોષણ કરી રહ્યા છે.
પોલીસ કમિશનર કચેરીએ મહિલાઓનો મોરચો
આજે સુરતના વિવિધ વિસ્તારોમાંથી જૈન સમાજની મહિલાઓ અને શ્રાવકો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કરીને મુનિ સાગરચંદ્ર સામે ફિટકાર વર્ષાવ્યો હતો. સમાજની માગણી છે કે સાગરચંદ્રને તાત્કાલિક ઉપાશ્રયમાંથી બહાર કાઢવામાં આવે. તેમની પાસેથી દીક્ષા પાછી ખેંચી તેમને ફરજિયાતપણે સંસારી કપડા પહેરાવવામાં આવે. જૈન શાસનની મર્યાદાનો ભંગ કરનાર સામે કાયદાકીય કડક પગલાં લેવાય. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી મહિલાઓએ જણાવ્યું હતું કે જૈન સંપ્રદાયની પવિત્રતા અને સાધ્વીજીઓની સુરક્ષા માટે સાગરચંદ્ર એક મોટો ખતરો છે. આવા વ્યક્તિને જૈન મુનિ તરીકે સ્વીકારી શકાય નહીં.
તપાગચ્છિય પ્રવર સમિતિનો નિર્ણય અને આક્ષેપો
નોંધનીય છે કે જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા તપાગચ્છિય પ્રવર સમિતિ દ્વારા સાગરચંદ્રને અગાઉ જ સંઘમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આમ છતાં, આક્ષેપ છે કે તેઓ હજુ પણ વિવિધ સંઘોમાં સક્રિય છે અને સંઘના કેટલાક શ્રેષ્ઠીઓ તેમની સામે પગલાં લેવામાં ઢીલ વર્તી રહ્યા છે.
કાયદાકીય ગાળિયો કસાયો
મુનિ સાગરચંદ્ર સામે અત્યાર સુધીમાં બે પોલીસ ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે. સમાજના લોકોનો આરોપ છે કે અનેક ફરિયાદો અને પુરાવાઓ હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા આજે સમાજે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. આ ઘટનાને કારણે જૈન ધર્મના અનુયાયીઓમાં ભારે દુઃખ અને આક્રોશની લાગણી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તંત્ર અને જૈન સંઘના અગ્રણીઓ આ ગંભીર આક્ષેપો પર કેવા અને કેટલા ઝડપી પગલાં લે છે.





