Home Gujarat Gujarat Ats Jem 8 Arrest Uapa July 2026

જેહાદી સાહિત્ય, પુસ્તકો અને ડિજિટલ સામગ્રી... : ગુજરાતમાં ATS એ ઝડપેલ 8 આતંકીઓ પાસેથી શું મળ્યું?

આતંકવાદીઓનઆ દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jul 03, 2026, 12:37 PM IST

ગુજરાત ATS એ રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત રીતે સંકળાયેલા આઠ આરોપીઓની ધરપકડ કરી છે. ATSના જણાવ્યા મુજબ, આરોપીઓ ગુજરાતમાં JeMની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરવા, નવા સભ્યોને જોડવા અને આતંકવાદી ષડયંત્રને આગળ વધારવાના પ્રયાસોમાં સક્રિય હતા. આ મામલે ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ATS દ્વારા જાહેર કરાયેલી પ્રેસ નોટ અનુસાર, ગુપ્ત માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અનેક દિવસ સુધી તપાસ કર્યા બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મધ્યપ્રદેશમાં સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ આઠ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: રથયાત્રા પહેલાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ

પાંચ જિલ્લાઓ અને મધ્યપ્રદેશ સુધી પહોંચેલી કાર્યવાહી

ATSના જણાવ્યા મુજબ, પાંચ વિશેષ ટીમોની રચના કરીને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી તેમજ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં સ્થાનિક પોલીસની મદદથી એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કથિત રીતે JeM સાથે સંકળાયેલા નેટવર્કના સભ્યોની ઓળખ કરવામાં આવી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના રહેવાસીઓ અથવા ત્યાં અભ્યાસ કરતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ATSના દાવા મુજબ, આ તમામ લોકો એકબીજાના સંપર્કમાં રહી સંગઠનની પ્રવૃત્તિઓ આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં મિનરલ વોટર પ્લાન્ટમાં રોકાણના નામે 1.55 કરોડની છેતરપિંડી : EOWએ ઉજાસ પરીખની કરી ધરપકડ

'દારુલ ઇસ્લામ ગુજરાત-JeM' નામે સંગઠન બનાવ્યાનો આરોપ

ATS દ્વારા જાહેર કરાયેલી પ્રેસ નોટ અનુસાર, આરોપીઓએ ગુજરાતમાં "દારુલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ" નામથી એક સંગઠન રચ્યું હતું. તપાસ એજન્સીનો આરોપ છે કે આ સંગઠન મારફતે નવા સભ્યોને આમંત્રિત કરવામાં આવતા હતા અને પ્રતિબંધિત સંગઠનની વિચારધારાનો પ્રચાર કરવામાં આવતો હતો.

તપાસ દરમિયાન આરોપીઓ પાકિસ્તાની હેન્ડલરો અબ્દુલ્લાહ અને મોહમ્મદ ઉમર સાથે સંપર્કમાં હોવાનું પણ ATSએ જણાવ્યું છે. જોકે, આ તમામ આક્ષેપોની સ્વતંત્ર ન્યાયિક પુષ્ટિ હજુ થઈ નથી અને કેસની તપાસ ચાલુ છે.

જેહાદી સાહિત્ય, પુસ્તકો અને ડિજિટલ સામગ્રી જપ્ત

ATSના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી ડિજિટલ અને પ્રિન્ટ સ્વરૂપે મોટી માત્રામાં સામગ્રી મળી આવી છે. તેમાં મોબાઇલ ફોનમાં Nord Locker એપ્લિકેશન મારફતે સંગ્રહિત જેહાદી પુસ્તકો, ઓડિયો, વીડિયો, તસવીરો અને JeM સંબંધિત આશરે 254 ફાઇલોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, JeMના વડા મસૂદ અઝહર દ્વારા લખાયેલા પુસ્તકો, ઉર્દૂ ભાષામાં લખાયેલા પત્રો, જેહાદ સંબંધિત સાહિત્ય તથા મસૂદ અઝહરના સાહિત્યના ઉર્દૂમાંથી ગુજરાતી ભાષામાં કરાયેલા અનુવાદ પણ મળ્યાનો ATSએ દાવો કર્યો છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આ સામગ્રીનો ઉપયોગ વિચારધારાના પ્રચાર માટે થતો હતો.

₹3 લાખનું ફંડિંગ અને કાર ખરીદીનો દાવો

મળતી માહિતી મુજબ, તપાસ દરમિયાન એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આરોપીઓએ કથિત ષડયંત્રને આગળ વધારવા માટે અંદાજે ત્રણ લાખ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું હતું. આ નાણાંમાંથી એક જૂની કાર ખરીદવામાં આવી હોવાનું ATSએ જણાવ્યું છે. તપાસ એજન્સી મુજબ, કાર હજુ સુધી આરોપીઓના નામે ટ્રાન્સફર કરવામાં આવી નહોતી અને આ મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: ગુજરાત CID સાયબર સેલનું મોટું ઓપરેશન : અમદાવાદ-સુરતથી 4 સાયબર ઠગ ઝડપાયા, ₹3.61 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ

UAPA હેઠળ ગુનો નોંધાયો, તપાસ ચાલુ

આ કેસમાં તમામ આઠ આરોપીઓ સામે UAPAની કલમ 13, 17, 18, 38 અને 39 ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61 અને 148 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ATSનું કહેવું છે કે સમગ્ર નેટવર્કના અન્ય સંભવિત સંપર્કો, નાણાકીય વ્યવહારો અને ડિજિટલ પુરાવાઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

કેસ હાલમાં તપાસ હેઠળ હોવાથી આરોપીઓ સામે કરવામાં આવેલા તમામ આક્ષેપો ATSના દાવા પર આધારિત છે. આરોપીઓનો પક્ષ અથવા તેમની તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ હાલમાં જાહેર થયો નથી. આગામી દિવસોમાં તપાસ અને કોર્ટની કાર્યવાહી દરમિયાન વધુ વિગતો સામે આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now