Home Gujarat Ahmedabad Dholka Sargwala Gspl Gas Pipeline Farmers Protest Day 7

માટીની મહેક માટે મક્કમ લડત : અમદાવાદ જિલ્લાનાં સરગવાળામાં ખેડૂતોનો વિરોધ વધુ તેજ

ખેડૂત આંદોલનની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 03, 2026, 12:59 PM IST

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPL)ની ગેસ પાઇપલાઇન કામગીરીને લઈને ખેડૂતોનો વિરોધ સતત સાતમા દિવસે પણ યથાવત રહ્યો છે. ભોળાદથી ભાયલા સુધી પ્રસ્તાવિત ગેસ લાઇનને લઈને ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી ખેડૂતો અને મહિલાઓ ગામમાં ધરણાં પર બેસીને ગેસ લાઇનની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર તરફથી લેખિતમાં ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન પાછું ખેંચવામાં આવશે નહીં. ગામમાં ચાલી રહેલા આંદોલનને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. એક તરફ GSPL દ્વારા ગેસ પાઇપલાઇનનું કામ આગળ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતો પોતાની જમીન અને અધિકારોના પ્રશ્ને અડગ રહી વિરોધ નોંધાવી રહ્યા છે. સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેના કારણે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ખેડૂતોનો આક્ષેપ: પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર કામગીરી

આંદોલન કરી રહેલા ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનમાં પૂરતી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર અને યોગ્ય મંજૂરીની પ્રક્રિયા અંગે સંતોષકારક માહિતી આપ્યા વિના ગેસ પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતીની જમીન તેમની આજીવિકાનો મુખ્ય આધાર છે અને તેમની સંમતિ તેમજ હકોને અવગણીને કોઈપણ કામગીરી કરવામાં આવે તે સ્વીકાર્ય નથી. ખેડૂતોનું કહેવું છે કે જો જાહેર હિતમાં કોઈ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે તો પણ સંબંધિત જમીનધારકો સાથે પારદર્શક પ્રક્રિયા, યોગ્ય સંવાદ અને કાયદાકીય જોગવાઈઓનું પાલન જરૂરી છે. આ પ્રક્રિયાનો અભાવ હોવાના આક્ષેપ સાથે ખેડૂતો સતત વિરોધ નોંધાવી રહ્યા છે.

હાઈવે નજીકથી ગેસ લાઇન પસાર કરવાની માંગ

વિરોધ કરી રહેલા ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે ગેસ પાઇપલાઇન ખેતીની જમીનની વચ્ચેમાંથી પસાર કરવાને બદલે હાઇવે રોડની બાજુમાંથી પસાર કરવામાં આવે. ખેડૂતોનું માનવું છે કે આ વિકલ્પ અપનાવવામાં આવે તો ખેતીની જમીનને ઓછું નુકસાન થશે અને ભવિષ્યમાં ખેતીની કામગીરીમાં પણ કોઈ અડચણ નહીં આવે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ગેસ લાઇન ખેતરોમાંથી પસાર થવાથી ભવિષ્યમાં જમીનના ઉપયોગ, સિંચાઈ, બોરવેલ, વૃક્ષારોપણ અને અન્ય કૃષિ પ્રવૃત્તિઓ પર અસર પડી શકે છે. તેથી વિકલ્પરૂપે હાઇવે નજીકનો માર્ગ અપનાવવાની માંગ પર તેઓ અડગ છે.

આ પણ વાંચો: જેહાદી સાહિત્ય, પુસ્તકો અને ડિજિટલ સામગ્રી... : ગુજરાતમાં ATS એ ઝડપેલ 8 આતંકીઓ પાસેથી શું મળ્યું?

ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીનો સમર્થન

આંદોલનને વધુ બળ ત્યારે મળ્યું જ્યારે ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકી સરગવાળા ગામ પહોંચ્યા અને ખેડૂતોને પોતાનું સમર્થન જાહેર કર્યું. તેમણે જણાવ્યું કે ખેડૂતોની માંગણીઓ ન્યાયસંગત છે અને જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પણ આંદોલનમાં ખેડૂતોની સાથે રહેશે. તેમના આ નિવેદન બાદ આંદોલનકારી ખેડૂતોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે વિવિધ ખેડૂત સંગઠનો અને સામાજિક આગેવાનોનો તેમને સતત ટેકો મળી રહ્યો છે, જેના કારણે તેમની લડત વધુ મજબૂત બની છે.

આ પણ વાંચો: સામાન્ય ઘર, અસામાન્ય બિલ : ગાંધીનગરમાં ₹4.97 લાખના વીજ બિલથી ઉઠ્યા અનેક સવાલો

વળતર અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ

ખેડૂતોનું કહેવું છે કે જો તેમની જમીનનો ઉપયોગ જાહેર પ્રોજેક્ટ માટે થવાનો હોય તો સરકારના નિયમો મુજબ યોગ્ય વળતર ચૂકવવું જોઈએ. સાથે જ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવી જોઈએ. આંદોલનકારીઓનું કહેવું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસના નામે ખેડૂતોના હકો અને આજીવિકાને નુકસાન પહોંચે તે સ્વીકારી શકાય નહીં. યોગ્ય વળતર, પારદર્શક પ્રક્રિયા અને લેખિત ખાતરી વિના ગેસ લાઇનની કામગીરીનો વિરોધ ચાલુ રહેશે.

આ પણ વાંચો: ડંકાની ચોટ પર લખી રાખજો! : ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં નહીં છોડે મેઘો; ISROની સેટેલાઇટ ઇમેજમાં સૌથી મોટો ખુલાસો

મહિલાઓ પણ આંદોલનમાં સક્રિય

સરગવાળા ગામમાં ચાલી રહેલા આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખેડૂતોની સાથે ખભેખભા મિલાવીને ધરણાં પર બેઠી છે. ગ્રામજનોનું કહેવું છે કે ખેતી માત્ર પુરુષોનો વ્યવસાય નથી, પરંતુ સમગ્ર પરિવારની આજીવિકાનો આધાર છે. તેથી મહિલાઓ પણ આ લડતમાં સક્રિય રીતે જોડાઈ છે. સાત દિવસથી સતત ચાલી રહેલા ધરણાંને કારણે ગામમાં એકતા અને સામૂહિક વિરોધનું દૃશ્ય જોવા મળી રહ્યું છે. ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર અથવા GSPL તરફથી લેખિતમાં સંતોષકારક ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન સમાપ્ત કરવામાં આવશે નહીં.

હવે તંત્રના નિર્ણય પર સૌની નજર

સરગવાળા ગામમાં હાલ સ્થિતિ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રણ હેઠળ હોવાનું માનવામાં આવે છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ ખેડૂતો પોતાના નિર્ણય પર અડગ છે અને સરકાર સાથે લેખિત સમાધાન સિવાય કોઈ સમજૂતી સ્વીકારવા તૈયાર નથી. હવે સમગ્ર મામલે જિલ્લા વહીવટીતંત્ર અને GSPL શું નિર્ણય લે છે, ખેડૂતોની માંગણીઓ અંગે શું વલણ અપનાવે છે અને કોઈ મધ્યમ માર્ગ શોધવામાં સફળતા મળે છે કે નહીં, તેના પર સૌની નજર છે. જો આગામી દિવસોમાં કોઈ ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now