Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલા નોલી ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. રાજકોટ રેન્જ IG સ્ક્વોડે બાતમીના આધારે કાર્યવાહી કરીને સરકારી જમીનમાંથી ચાલી રહેલી ગેરકાયદે ખનીજ ચોરી ઝડપી પાડી હતી. દરોડા દરમિયાન અંદાજે ₹63.05 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
માહિતી મુજબ રાજકોટ રેન્જ IG સ્ક્વોડને બાતમી મળી હતી કે નોલી ગામમાં સ્મશાન નજીક સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડતાં આરોપી પ્રતાપભાઈ વાસ્તુભાઈ ખાચર સહિતના લોકો ગેરકાયદે ખનીજ કાઢવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું.
ડમ્પર, લોડર સહિતના વાહનો જપ્ત
દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી એક ડમ્પર, એક લોડર, એક ચારચક્રી વાહન સહિત ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ અંદાજે ₹63.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ સ્થળ પરથી ખનીજ ચોરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે ગેરકાયદેસર ખનનના સમગ્ર નેટવર્ક, તેમાં સંડોવાયેલા અન્ય લોકો અને ખનીજના ગેરકાયદે પરિવહન અંગે પણ વધુ તપાસ કરી રહી છે.
સ્થાનિક તંત્રની કામગીરી પર ઊઠ્યા પ્રશ્નો
આ સમગ્ર કાર્યવાહીનું સૌથી મહત્વનું પાસું એ રહ્યું કે રાજકોટ રેન્જ IG સ્ક્વોડે સ્થાનિક પોલીસ અને ખાણ-ખનીજ વિભાગને જાણ કર્યા વગર સીધી કાર્યવાહી કરી હતી. જેના કારણે ધજાળા પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની કામગીરીને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.
સ્થાનિક સ્તરે લાંબા સમયથી ગેરકાયદે ખનન ચાલતું હોવાની ચર્ચાઓ વચ્ચે ઉચ્ચ અધિકારીઓની ટીમે સીધો દરોડો પાડતાં સવાલ ઊભો થયો છે કે જો ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી તો સ્થાનિક જવાબદાર વિભાગોની નજર કેમ પડી નહીં? આ મુદ્દે હવે વિભાગીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ છે.
ગેરકાયદે ખનન રાજ્ય સરકાર માટે લાંબા સમયથી પડકારરૂપ મુદ્દો રહ્યો છે. આવા ગુનાઓ સામે સમયાંતરે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે છે, છતાં અનેક વિસ્તારોમાં ખનીજ ચોરીના બનાવો સામે આવતા રહે છે. રાજકોટ રેન્જ IG સ્ક્વોડની આ કાર્યવાહી ગેરકાયદે ખનન સામેની મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.






