ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે ધડાકો
"શું કોંગ્રેસ ભાજપની બી ટીમ છે?"
અચાનક કેમ શરૂ થઈ આવી ચર્ચા?
Gujarat Local Body Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધમધમાટ વધુ તેજ બન્યો છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. એક તરફ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને મોટા પક્ષોમાં આંતરિક કલહ સપાટી પર આવી ગયો છે. ભાજપમાં ક્યાંક યાદીમાં નામો જાહેર કર્યા બાદ છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલવાની ફરજ પડી છે. તો કોંગ્રેસમાં છેલ્લે સુધી ઉમેદવાર જાહેર કરવામાં જ ન આવ્યાં હોય અને છેલ્લી ઘડીએ મેન્ડેટ આપી દેવાનો દાવ ખેલવાનો પણ વારો આવ્યો છે. આ તમામની વચ્ચે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે એક સવાલ ચર્ચામાં આવ્યો છેકે, શું ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસનું ગઠબંધન થયું છે?
આ પણ વાંચોઃ નસીબમાં પથરાં! ભાજપે પહેલાં ટિકિટ આપી પછી પત્તું કાપ્યું : બબાલ બાદ બદલવા પડ્યાં આ બેઠકોના ઉમેદવાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન હાલ આખા ગુજરાતમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાજપ અને કોંગ્રેસનું અંદરખાને ગઠબંધન થયું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી વિડીયોના માધ્યમથી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સ્થાનિક ચૂંટણીમાં અત્યારે ગુજરાતમાં એક ચર્ચા જોર પકડી રહી છે કે ભાજપ અને કોંગ્રેસનું અંદરખાને ગઠબંધન થયું છે. તો કેવી રીતે? તેમણે જણાવ્યું કે કોંગ્રેસે પહેલી યાદી બહાર પાડી અને ત્યારબાદ કોઈ યાદી બહાર પાડી નથી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છેકે, જ્યાં જ્યાં કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા ત્યાં ભાજપ દ્વારા કોંગ્રેસને ઉમેદવારો આપવામાં આવે છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે ખોટી ફરિયાદો કરવામાં આવે છે, તેમને જેલમાં નાખવામાં આવે છે અને ખોટા કેસોમાં ફસાવવામાં આવે છે જેથી તેઓ પ્રચાર ન કરી શકે. જ્યારે કોંગ્રેસના કોઈ ઉમેદવાર સામે આવી કાર્યવાહી થતી નથી, જે બંને પાર્ટીઓ વચ્ચે અંદરખાને મિલીભગત હોવાના સંકેત આપે છે.
AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે, ધોળકા નગરપાલિકામાં તાજેતરમાં બનેલી ઘટનામાં 36 ઉમેદવારોએ કોંગ્રેસને મેન્ડેટ પરત કરીને આક્ષેપ કર્યો હતો કે “કોંગ્રેસ ભાજપની બી-ટીમ તરીકે કામ કરે છે, ભાજપ જે ઉમેદવારો આપે છે, કોંગ્રેસ તે ઉમેદવારોને ઉભા રાખે છે” તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી કે આમ આદમી પાર્ટી તમારા હક અને અધિકારો માટે સંઘર્ષ કરી રહી છે અને કોઈ પણ ડરથી પાછી હટશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંદરખાને ગઠબંધન થયું છે, તેથી આ ચૂંટણીમાં બંને પાર્ટીઓને મત ન આપતા “ઝાડૂ”ને મત આપવો જોઈએ. તેમણે જનતાને સમજદારીપૂર્વક નિર્ણય લેવા અને પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મતદાન કરવાની વિનંતી કરી છે.






