OPS benefits: દેશના લાખો સરકારી કર્મચારીઓ જ્યારે એક તરફ 8મા પગાર પંચ (8th Pay Commission) ની રચના અને વિવિધ ભથ્થાં વધવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે કર્મચારીઓના હિતમાં એક બહુ જ મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના આ આદેશથી લાંબા સમયથી ન્યાયની આશા લગાવીને બેઠેલા સેંકડો પરિવારોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) ની ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્ષ 2004માં કરુણાના ધોરણે (Compassionate Appointment) સરકારી નોકરી મેળવનારા ચોક્કસ કર્મચારીઓને જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) નો લાભ આપવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.
સરકારના આ માનવીય અભિગમ વાળા નિર્ણયથી એવા આશ્રિત પરિવારોને મોટી આર્થિક સુરક્ષા મળશે જેઓ વહીવટી વિલંબના કારણે અત્યાર સુધી આ લાભથી વંચિત હતા. સામાન્ય રીતે 1 જાન્યુઆરી 2004થી દેશમાં નવી પેન્શન યોજના (NPS) ફરજિયાત બનાવવામાં આવી હતી, પરંતુ સરકારની ઢીલી નીતિ કે મોડી પ્રક્રિયાનો ભોગ બનેલા કર્મચારીઓને ન્યાય આપવા માટે આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.
આ ચોક્કસ કેટેગરીના કર્મચારીઓને જ મળશે લાભ, જાણી લો ગણિત
સરકારે આ યોજનાનો લાભ આપવા માટે ચોક્કસ નિયમો અને લાયકાતો નક્કી કરી છે, જે મુજબ દરેક કર્મચારીને આનો લાભ નહીં મળે.
કોને લાભ મળશે?: જે મૂળ સરકારી કર્મચારીનું અવસાન વર્ષ ૨૦૦૩ દરમિયાન થયું હતું અને તેમના આશ્રિત પરિવારે નોકરી મેળવવા માટે તે જ વર્ષમાં (૨૦૦૩માં) કરુણાના ધોરણે અરજી પણ કરી દીધી હતી.
નિયમમાં કેમ ફેરફાર કરાયો?: અરજી ૨૦૦૩માં થઈ હોવા છતાં સરકારી વિભાગોના વહીવટી વિલંબ અને કાગળિયાની ઢીલી કામગીરીને કારણે જે આશ્રિતોને ૧ જાન્યુઆરી ૨૦૦૪ પછી નિમણૂક પત્ર (Appointment Letter) મળ્યો હતો, તેઓ અત્યાર સુધી નિયમ મુજબ NPS (નવી પેન્શન યોજના) હેઠળ આવતા હતા. હવે સરકારે સ્વીકાર્યું છે કે આમાં કર્મચારીનો કોઈ વાંક ન હોવાથી તેમને OPS માટે લાયક ગણવામાં આવશે.
એક અઠવાડિયામાં બહાર પડશે સત્તાવાર ઓર્ડર
આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર ઉમેદવારે જે તે સમયે નક્કી કરાયેલી વય મર્યાદા, જરૂરી શૈક્ષણિક લાયકાત અને અન્ય વહીવટી નિયમો પૂર્ણ કરેલા હોવા ફરજિયાત છે. આ હાઈ-લેવલ બેઠક દરમિયાન પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના સચિવે આ પ્રસ્તાવને પૂરતું સમર્થન આપ્યું હતું. વિભાગે ખાતરી આપી છે કે તમામ ટેકનિકલ મુશ્કેલીઓ અને વિસંગતતાઓને તાત્કાલિક દૂર કરીને આગામી એક અઠવાડિયામાં આ અંગેનો સત્તાવાર સરકારી આદેશ (Official Notification) જાહેર કરી દેવામાં આવશે.
કર્મચારી સંગઠનોની મોટી જીત
કર્મચારી યુનિયનો લાંબા સમયથી દલીલ કરી રહ્યા હતા કે જો કર્મચારીનું અવસાન અને આશ્રિતની નોકરીની અરજી બંને વર્ષ ૨૦૦૩માં થઈ ગઈ હોય, તો સરકારની લેટલતિફીની સજા ભોગવવાનો વારો આશ્રિત પરિવારોનો ન હોવો જોઈએ. સરકારના આ નિર્ણયથી કર્મચારી સંગઠનોમાં ભારે ઉત્સાહ છે.
આ પણ વાંચો: જવાબદારીથી હાથ ખંખેરતા પતિઓ માટે કોર્ટનો કડક ચુકાદો: પત્ની-બાળકોની સંભાળ ન રાખી તો પતિને જવું પડશે જેલ!
વિધવા પુત્રવધૂઓને પણ પેન્શન આપવા માટે કાયદામાં ફેરફારની તૈયારી!
આ જ બેઠક દરમિયાન કર્મચારીઓના હિતમાં અન્ય એક અત્યંત સંવેદનશીલ મુદ્દા પર પણ ગંભીર ચર્ચા થઈ હતી. કર્મચારી સંગઠનોએ લાંબા સમયથી પડતર એવી માંગણી દોહરાવી હતી કે, આશ્રિત વિધવા પુત્રવધૂઓને પણ કુટુંબ પેન્શન (Family Pension) નો લાભ મળવો જોઈએ. આ માટે પરિવારની કાનૂની વ્યાખ્યા (Legal Definition of Family) માં જરૂરી ફેરફારો કરવાની માંગ કરવામાં આવી છે. કેબિનેટ સચિવે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગને કાયદા મંત્રાલય સાથે મળીને આ મુદ્દાની તાત્કાલિક સમીક્ષા કરવા અને યોગ્ય નિર્ણય લેવા માટે કડક સૂચના આપી દીધી છે.





