Home National Himachal High Court Strict Order On Husband Wife Maintenance Payment Default Jail

જવાબદારીથી હાથ ખંખેરતા પતિઓ માટે કોર્ટનો કડક ચુકાદો : પત્ની-બાળકોની સંભાળ ન રાખી તો પતિને જવું પડશે જેલ!

High Court Decision Maintenance, Husband Wife Dispute
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: May 20, 2026, 03:28 AM IST

શિમલા/નવી દિલ્હી: પતિ-પત્નીના વિવાદો અને ભરણપોષણ (Maintenance) ના કેસોમાં અવારનવાર જોવા મળે છે કે પતિઓ કોર્ટના આદેશ છતાં પત્ની કે બાળકોને દર મહિને નક્કી કરેલી રકમ ચૂકવવામાં આનાકાની કરતા હોય છે. આવા જ એક કિસ્સામાં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે કાયદાનું કડક અર્થઘટન કરીને ભરણપોષણ ન આપતા ડિફોલ્ટર પતિઓ સામે આકરો કાયદાકીય કોરડો વિંઝ્યો છે. જસ્ટિસ સંદીપ શર્માની સિંગલ બેન્ચે ચુકાદો આપતા કહ્યું છે કે, ભરણપોષણ એ પતિની સતત ચાલતી માસિક જવાબદારી છે. જો પતિ તે ચૂકવવામાં નિષ્ફળ જાય તો મેજિસ્ટ્રેટ તેને દર મહિનાની ચૂક માટે એક-એક મહિનાની જેલની સજા ફટકારવા માટે સંપૂર્ણ સક્ષમ છે.

હાઈકોર્ટે આ મામલે દાખલ કરવામાં આવેલી પતિની અરજીને ફગાવી દેતા નીચલી અદાલત (ટ્રાયલ કોર્ટ) ના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે ટાંક્યું કે કાયદામાં જેલની સજાની જોગવાઈ માત્ર એટલા માટે છે જેથી ડિફોલ્ટર વ્યક્તિ પર રકમ ચૂકવવાનું દબાણ લાવી શકાય, તેનો અર્થ એ બિલકુલ નથી કે જેલના દિવસો પૂરા થતાં જ પતિ તેના દેવામાંથી મુક્ત થઈ જાય છે.

આ પણ વાંચો: ‘હું કોઈ વિદેશી જાસૂસ નથી’: PM મોદીને સવાલ પૂછનાર નોર્વેની પત્રકાર હેલ લિંગે આપી સ્પષ્ટતા

શું હતો સમગ્ર મામલો? જેના કારણે કોર્ટે આપવો પડ્યો આદેશ

આ મામલો રામ લાલ નામના વ્યક્તિ અને તેની પત્ની વચ્ચેનો હતો. નીચલી અદાલતે પતિને તેની પત્ની અને સગીર દીકરીઓના ભરણપોષણ પેટે જૂન 2018થી બાકી નીકળતી આશરે 60,000 રૂપિયાની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે વારંવાર મોકો આપવા છતાં અને ખુદ પતિએ ખાતરી આપી હોવા છતાં આ રકમ જમા કરાવી નહોતી. આથી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સખત વલણ અપનાવીને જૂન મહિનાના ડિફોલ્ટ માટે 30 દિવસ, જુલાઈ માટે 15 દિવસ અને ઓગસ્ટના ડિફોલ્ટ માટે ૨૫ દિવસની અલગ-અલગ જેલની સજા ફટકારી હતી. પતિએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને દલીલ કરી હતી કે ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ની કલમ 125(3) હેઠળ કોઈપણ વ્યક્તિને એકસાથે એક મહિનાથી વધુ સમય માટે જેલમાં ન રાખી શકાય. જો કે, હાઈકોર્ટે આ દલીલને કાયદાની ખોટી સમજ ગણાવી ફગાવી દીધી હતી.

દરેક મહિનાની બાકી રકમ માટે અલગ સજા થઈ શકે: હાઈકોર્ટ

હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના વિવિધ ચુકાદાઓ (જેમ કે કુલદીપ કૌર વિ. સુરિન્દર સિંહ અને પૂંગોડી વિ. થાંગાવેલ) નો હવાલો આપતા બે મહત્વની બાબતો સ્પષ્ટ કરી છે:

1. મહિના વાઈઝ જેલની સજા: ભરણપોષણ એ 'રિકરિંગ' (વારંવાર ઉદ્ભવતી) જવાબદારી છે. તેથી જેટલા મહિના પતિ રકમ નહીં ચૂકવે, તે દરેક મહિનાના ડિફોલ્ટને અલગ ગુનો ગણીને મેજિસ્ટ્રેટ કાયદેસર રીતે વારંવાર જેલની સજા સંભળાવી શકે છે.

2. જેલ જવાથી દેવું માફ નહીં થાય: હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, "ડિફોલ્ટર પતિ માત્ર જેલની સજા ભોગવીને પોતાની આર્થિક જવાબદારીમાંથી છટકી શકે નહીં. જેલ કાપ્યા પછી પણ બાકી નીકળતી રકમ વસૂલવા પાત્ર જ રહેશે."

આ પણ વાંચો: ભારતની નવી સ્માર્ટ મિસાઇલ ULPGM-V3નું સફળ પરીક્ષણ: ડ્રોનથી થશે ઘાતક હુમલો

પીડિતાઓએ દર મહિને અલગ અરજી કરવાની જરૂર નથી

મહિલાઓ અને પીડિત પક્ષના હિતમાં હાઈકોર્ટે બીજી એક મોટી રાહત આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પત્ની કે બાળકોએ દર મહિનાની બાકી રકમ મેળવવા માટે દર વખતે નવી અરજી કરવાની જરૂર નથી. તેઓ પાછલા કેટલાય મહિનાના સંયુક્ત (Consolidated) બાકી ભરણપોષણની વસૂલાત માટે એક જ અરજી દાખલ કરી શકે છે, અને જો એકથી વધુ મહિનાનું ભરણપોષણ બાકી હશે તો કોર્ટ એક મહિના કરતાં વધુ સમયની જેલની સજાનો આદેશ પણ એકસાથે આપી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now