Home National Drdo Ulpgm V3 Indigenous Drone Missile Test Success

ભારતની નવી સ્માર્ટ મિસાઇલ ULPGM-V3નું સફળ પરીક્ષણ : ડ્રોનથી થશે ઘાતક હુમલો

DRDO, ULPGM-V3, Indian Missile
Published by: Vishal Dave
Last Updated: May 19, 2026, 05:58 PM IST

ભારતે રક્ષા ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ સ્વદેશી ડ્રોન લોન્ચ્ડ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ ULPGM-V3ના અંતિમ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ પરીક્ષણ આંધ્ર પ્રદેશના કુર્નૂલ સ્થિત DRDO ટેસ્ટ રેન્જમાં કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે મિસાઇલનું પરીક્ષણ હવા-થી-જમીન અને હવા-થી-હવા બંને મોડમાં સફળ રહ્યું હતું.

ULPGM-V3 એક આધુનિક સ્માર્ટ મિસાઇલ છે, જેને ખાસ Unmanned Aerial Vehicle (UAV) એટલે કે ડ્રોનમાંથી લોન્ચ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આ મિસાઇલ હવામાં ઉડતા લક્ષ્યો તેમજ જમીન પરના દુશ્મનના ઠેકાણાઓને અત્યંત ચોકસાઈથી નિશાન બનાવી શકે છે. આધુનિક યુદ્ધમાં ડ્રોન આધારિત હુમલાઓનું મહત્વ વધતા આ ટેક્નોલોજીને ભારતીય સેનાના માટે ગેમચેન્જર માનવામાં આવી રહી છે.

આ મિસાઇલના વિકાસમાં હૈદરાબાદ સ્થિત Research Centre Imarat (RCI)એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉપરાંત DRDL, TBRL અને HEMRL જેવી DRDOની અગત્યની લેબ્સે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વૈજ્ઞાનિકોએ આ મિસાઇલને સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીના આધારે વિકસાવી છે, જેના કારણે ભારતની વિદેશી રક્ષા ટેક્નોલોજી પરની નિર્ભરતા વધુ ઘટશે.

રક્ષા નિષ્ણાતોના મતે ULPGM-V3 ભારતીય સેનાની હુમલાખોર ક્ષમતામાં મોટો વધારો કરી શકે છે. આ મિસાઇલ સરહદ પારના આતંકી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલા કરવા અને હાઇ-રિસ્ક ઓપરેશન્સમાં મદદરૂપ બની શકે છે. DRDOની આ સિદ્ધિને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now