મુંબઈ: મહારાષ્ટ્રના લોકપ્રિય હિલ સ્ટેશન લોનાવલાની ઓળખ બની ગયેલી પ્રસિદ્ધ ચિક્કીને હવે સત્તાવાર રીતે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ મળ્યો છે. કેન્દ્ર સરકારના જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રીએ લોનાવલાની ચિક્કીને આ વિશિષ્ટ માન્યતા આપતાં તેની ઐતિહાસિક પરંપરા, વિશિષ્ટ સ્વાદ અને સ્થાનિક વારસાને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી છે. ચિક્કીની સાથે મહારાષ્ટ્રના માહૂરગઢ સ્થિત રેણુકા માતા મંદિરમાં પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા પરંપરાગત 'રેણુકા માતા તાંબૂલ'ને પણ GI ટેગ એનાયત કરવામાં આવ્યો છે. આ માન્યતા મળતા માત્ર લોનાવલાના ચિક્કી ઉદ્યોગને જ નહીં, પરંતુ સ્થાનિક કારીગરો, ઉત્પાદકો અને વેપારીઓને પણ મોટો લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. GI ટેગ કોઈપણ ઉત્પાદનને તેની ભૌગોલિક ઓળખ, પરંપરાગત ઉત્પાદન પદ્ધતિ અને વિશિષ્ટ ગુણવત્તા માટે આપવામાં આવે છે, જેથી તે ઉત્પાદનની અસલિયત જળવાઈ રહે અને તેની નકલ પર નિયંત્રણ રાખી શકાય.
લોનાવલાની ઓળખ બની ગઈ છે ચિક્કી
મુંબઈ અને પુણે વચ્ચે આવેલું લોનાવલા દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. અહીં ફરવા આવતા લગભગ દરેક પ્રવાસી ચિક્કી ખરીદવાનું પસંદ કરે છે. આજે લોનાવલાના રસ્તાઓ પર ચિક્કીના અસંખ્ય સ્ટોર જોવા મળે છે, જ્યાં શિંગદાણા, તલ, કાજુ, બદામ, પિસ્તા અને અન્ય ડ્રાયફ્રૂટમાંથી બનતી વિવિધ પ્રકારની ચિક્કી વેચાય છે.
લોનાવલાની ચિક્કી માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ લોકપ્રિય બની ચૂકી છે. દર વર્ષે કરોડો રૂપિયાનો વેપાર કરતી આ પરંપરાગત મીઠાઈ હવે GI ટેગ મળ્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વધુ મજબૂત ઓળખ મેળવી શકે છે.
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરને સસ્તું રાખવા સરકાર ખર્ચશે ₹1 લાખ કરોડ? : LPG સબસિડી અંગે લગાવાયો અંદાજ
બ્રિટિશ યુગથી જોડાયેલો છે રસપ્રદ ઈતિહાસ
લોનાવલાની ચિક્કીનો ઇતિહાસ એક સદીથી પણ વધુ જૂનો છે. મળતી માહિતી અનુસાર વર્ષ 1882માં ભિવરાજ અગ્રવાલ અને તેમના પુત્ર મગનલાલ અગ્રવાલ આગ્રાથી મુંબઈ આવ્યા હતા અને નવો વ્યવસાય શરૂ કરવાની તૈયારીમાં હતા.
ત્યારબાદ વર્ષ 1900ની આસપાસ કર્જત-ખંડાલા વચ્ચે રેલવે ટનલ અને રેલવે લાઇન બિછાવવાનું કામ શરૂ થયું, જેમાં હજારો મજૂરો કામ કરતા હતા. ભારે શારીરિક મહેનત કરતા મજૂરો માટે સસ્તું, પૌષ્ટિક અને ઊર્જા આપતું ખાદ્યપદાર્થ તૈયાર કરવાની જરૂરિયાત હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભિવરાજ અગ્રવાલે ગોળ, શિંગદાણા અને મમરાથી બનેલી ‘ગૂળદાણી’ તૈયાર કરી. આ પૌષ્ટિક મીઠાઈ મજૂરોમાં ખૂબ જ લોકપ્રિય બની અને તેની માંગ ઝડપથી વધવા લાગી. ત્યારબાદ લોનાવલામાં તેનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું, જ્યાંથી આ મીઠાઈ સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધ થઈ.
ગૂળદાણીમાંથી કેવી રીતે બન્યું 'ચિક્કી' નામ?
ચિક્કી નામ પાછળ પણ રસપ્રદ લોકપ્રચલિત માન્યતા છે. ગોળમાંથી તૈયાર થતી આ મીઠાઈ ખાવા દરમિયાન દાંતમાં ચોંટી જતી હોવાથી લોકો તેને ધીમે-ધીમે ‘ચિક્કી’ તરીકે ઓળખવા લાગ્યા. સમય જતાં આ નામ એટલું લોકપ્રિય બન્યું કે આજે સમગ્ર દેશમાં આ મીઠાઈ ‘લોનાવલા ચિક્કી’ તરીકે જાણીતી છે. ચિક્કીની સરળ બનાવટ, લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા અને પૌષ્ટિક ગુણધર્મોને કારણે તે મુસાફરો અને પ્રવાસીઓ માટે પણ પસંદગીનો નાસ્તો બની ગઈ હતી.
બ્રિટિશ અધિકારીઓને પણ પસંદ આવી હતી ચિક્કી
રેલવે માર્ગના નિર્માણ દરમિયાન બ્રિટિશ ઇજનેરો અને અધિકારીઓ નિયમિત રીતે આ વિસ્તારની મુલાકાત લેતા હતા. તેઓએ પણ ગૂળદાણીનો સ્વાદ માણ્યો અને તેને ખૂબ પસંદ કરી. કહેવાય છે કે બ્રિટિશ અધિકારીઓના સૂચન બાદ રેલવે સ્ટેશનો પર પેકિંગ કરીને ચિક્કી વેચવાની શરૂઆત કરવામાં આવી. આ નિર્ણય બાદ ચિક્કીને વધુ વ્યાપક બજાર મળ્યું અને લોનાવલાની બહાર પણ તેની ઓળખ ઝડપથી વધી. આ રીતે રેલવે અને ચિક્કી વચ્ચેનો સંબંધ માત્ર ઇતિહાસ પૂરતો જ નહીં, પરંતુ લોનાવલાના વિકાસ સાથે પણ ગાઢ રીતે જોડાયેલો છે.
GI ટેગથી શું મળશે લાભ?
જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ કોઈપણ ઉત્પાદનને તેની ભૌગોલિક ઓળખ અને વિશિષ્ટતા માટે આપવામાં આવે છે. આ ટેગ મળ્યા બાદ માત્ર નિર્ધારિત વિસ્તારના ઉત્પાદકો જ તે નામનો સત્તાવાર ઉપયોગ કરી શકે છે.
GI ટેગ મળવાથી લોનાવલાની ચિક્કીની બ્રાન્ડ વેલ્યુ વધશે, નકલી ઉત્પાદનો પર નિયંત્રણ આવશે અને સ્થાનિક ઉત્પાદકોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સારી કિંમત મળવાની સંભાવના રહેશે. સાથે જ સ્થાનિક રોજગારી અને
પરંપરાગત ખાદ્ય ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે.





