Home Business Govt Clarifies On Lpg Shortage Rumors No Supply Crunch

શું ખરેખર દેશમાં LPG ગેસની સપ્લાય ઘટી? : અફવાઓ વચ્ચે સરકારનો મોટો ખુલાસો, જાણો ગેસ સપ્લાયની સાચી સ્થિતિ શું છે?

LPG Shortage Government clarification
Published by: Nirali Gohil
Last Updated: May 21, 2026, 11:36 AM IST

LPG Shortage: વૈશ્વિક સ્તરે વેસ્ટ એશિયામાં અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ અને હોर्मुઝ સ્ટ્રેટમાં સર્જાયેલી સ્થિતિને કારણે દુનિયાભરમાં ઉર્જા સંકટની ચર્ચાઓ તેજ બની છે. આ સંકટની અસર ભારત પર પડશે તેવી અટકળો વચ્ચે 'નિક્કેઈ એશિયા' નામના એક રિપોર્ટે હડકંપ મચાવ્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત દરરોજ 4 લાખ બેરલ એલપીજી (LPG) સપ્લાયની અછતનો સામનો કરી રહ્યું છે. જોકે, હવે આ મામલે મોદી સરકારે કડક વલણ અપનાવતા તમામ દાવાઓને ફગાવી દીધા છે અને દેશમાં એલપીજીની સપ્લાય સામાન્ય હોવાની ખાતરી આપી છે.

પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં એલપીજીની કોઈ પણ પ્રકારની અછત નથી. આ મુદ્દે મંત્રાલયની સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, નિક્કેઈ એશિયાના રિપોર્ટમાં કરવામાં આવેલા અછતના તમામ દાવા પાયાવિહોણા છે. ઉલટું, ભારતે તેના ઘરેલુ ઉત્પાદનમાં વધારો કરીને સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. સરકારની આ સ્પષ્ટતા બાદ સામાન્ય નાગરિકોમાં ફેલાયેલો ગભરાટ દૂર થવાની આશા છે.

સરકારની સફાઈ: 'ઉત્પાદન વધ્યું અને ડિલિવરીમાં પણ ઉછાળો'

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં એલપીજીના ઘરેલુ ઉત્પાદનને વધારીને 46,000 થી 47,000 ટન સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે. આંકડાકીય માહિતી આપતા મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં 1.32 કરોડ સિલિન્ડરની બુકિંગ સામે 1.34 કરોડ સિલિન્ડરની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ દર્શાવે છે કે સપ્લાય ચેઈન સંપૂર્ણપણે સ્થિર છે અને જરૂરિયાત મુજબ ગેસ સિલિન્ડર ગ્રાહકો સુધી પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો: શું Ola-Uberની કેબ અને ઓટો બુક થઈ રહ્યા છે કે નહીં: ડ્રાઇવરો 3 દિવસની હડતાળ પર ઉતર્યા, જાણો કારણ

રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો હતો?

નિક્કેઈ એશિયાના રિપોર્ટમાં કેપ્લરના ડેટા ટાંકીને જણાવાયું હતું કે, ફેબ્રુઆરીમાં દૈનિક 851,870 બેરલના આયાતની સામે એપ્રિલ મહિનામાં ભારતની એલપીજી આયાત ઘટીને 377,620 બેરલ થઈ ગઈ હતી. રિપોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે મધ્ય પૂર્વીય દેશો પર નિર્ભરતા ઘટાડવા માટે ભારત ઈરાન, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને ચીલી તરફ વળ્યું છે, પરંતુ આ દેશોમાંથી ગેસ પહોંચવામાં લાગતો લાંબો સમય એક મોટો પડકાર છે.

સરકારે અપનાવ્યો 'પ્લાન-બી', હોર્મોઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડી

ભારત તેની જરૂરિયાતના 60 ટકા એલપીજી આયાત કરે છે અને આ આયાતનો 90 ટકા હિસ્સો હોર્મોઝ સ્ટ્રેટ દ્વારા આવે છે. જોકે, સંભવિત જોખમોને પારખીને સરકારે અસરકારક પગલાં લીધા છે. મંત્રાલયે આયાત માટેના નવા સ્થળો શોધી કાઢ્યા છે અને વિવિધ દેશો સાથે કરાર કર્યા છે. આ ઉપરાંત, ઘરેલુ પ્રોડક્શન વધારવા અને સિલિન્ડર બુકિંગની સમયમર્યાદામાં જરૂરી ફેરફારો કરીને સરકારે સપ્લાયમાં આવતી કોઈપણ પ્રકારની અડચણને અગાઉથી જ ખતમ કરી દીધી છે.

આ પણ વાંચો: તેલ સંકટ વચ્ચે સરકારનો મહત્વનો નિર્ણય: હવે પેટ્રોલમાં ભળશે 30% ઇથેનોલ, જાણો તમારી ગાડીના એન્જિન અને માઇલેજ પર શું થશે અસર

તેલ કંપનીઓ અને ગ્રાહકો માટે અપીલ

એલપીજી ઉપરાંત પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ અંગે HPCL જેવી સરકારી તેલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે સપ્લાયમાં કોઈ પણ પ્રકારનો અવરોધ નથી. કંપનીએ ટ્વિટર (X) પર સંદેશ જારી કરીને ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે અને ગભરાટમાં ખરીદી (Panic Buying) ન કરે. પેટ્રોલ પંપ પર ઓપરેશન સામાન્ય રીતે ચાલી રહ્યા છે અને પુરવઠો સંપૂર્ણ રીતે જળવાઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now