મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં વધી રહેલા સૈન્ય તણાવ અને ક્રૂડ ઓઈલ (કાચા તેલ) ની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની આશંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે એક ખૂબ જ મોટો અને દીર્ઘદ્રષ્ટીવાળો નિર્ણય લીધો છે. પેટ્રોલ-ડીઝલની આકાશે આંબતી કિંમતો અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકારે હવે પેટ્રોલમાં ૩૦ ટકા સુધી ઇથેનોલ મિશ્રણ (E30 Fuel) કરવા માટેના નવા ટેકનિકલ નોટિફિકેશન જારી કરી દીધા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા E22, E25, E27 અને E30 ફ્યુઅલ બ્લેન્ડના ટેકનિકલ માપદંડોને મંજૂરી આપી દેવામાં આવી છે.
સરકારના આ આદેશ બાદ વાહનચાલકો અને ઓટોમોબાઈલ સેક્ટરમાં ચર્ચા જાગી છે કે શું હવેથી જ પેટ્રોલ પંપો પર આ નવું ઇંધણ મળવાનું શરૂ થઈ જશે? અને તેનાથી વાહનોના એન્જિન પર શું અસર પડશે? જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નોટિફિકેશન હાલ પૂરતું માત્ર ભવિષ્યની ટેકનિકલ તૈયારીઓ અને માપદંડો નક્કી કરવા માટે છે, એટલે કે તાત્કાલિક ધોરણે પેટ્રોલ પંપો પર E30 પેટ્રોલનું ફરજિયાત વેચાણ શરૂ નહીં થાય. પરંતુ આ નીતિથી એ સ્પષ્ટ સંકેત મળે છે કે ભારત સરકાર હવે E20 (૨૦% ઇથેનોલ) થી આગળ વધીને વધુ હાઈ-ઇથેનોલ બ્લેન્ડિંગ તરફ મક્કમતાથી કદમ વધારી રહી છે.
હોર્મુઝની ખાડી (Strait of Hormuz) નું સંકટ અને ઇથેનોલ પર જોર
હાલમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલની સપ્લાયને લઈને મોટો ખતરો ઉભો થયો છે. દુનિયાનો આશરે ૨૦ ટકા તેલનો વેપાર જે દરિયાઈ માર્ગેથી થાય છે તે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની ખાડી) વિસ્તારમાં જો યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય, તો ભારત જેવા આયાત પર નિર્ભર દેશો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ જ કારણ છે કે પીએમ મોદીની સરકારે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો પર સ્પીડ વધારી દીધી છે અને બાયોફ્યુઅલ એટલે કે ઇથેનોલ બ્લેન્ડિંગને આંતરરાષ્ટ્રીય તેલ સંકટ સામે લડવાનું સૌથી મોટું હથિયાર બનાવ્યું છે.
આ પણ વાંચો: Tata ના શેરમાં જોરદાર તેજી!: નવા MD-CEOની નિમણૂક બાદ રોકાણકારોમાં ખરીદીનો માહોલ
E20 નો ટાર્ગેટ સર કરી હવે E30 તરફ પ્રયાણ
સરકારે અગાઉ પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણ (E20) કરવાનો લક્ષ્યાંક વર્ષ ૨૦૩૦ નક્કી કર્યો હતો, જેને ઘટાડીને 2025-26 કરી દેવાયો હતો અને દેશના મોટાભાગના વિસ્તારોમાં આ લક્ષ્યાંક સર કરી લેવાયો છે. હવે બાયોફ્યુઅલ કંપનીઓ અને ઇન્ડસ્ટ્રી બોડીઝની લાંબા સમયની માંગણીને સ્વીકારીને સરકારે E22 થી લઈને E30 ના માપદંડો જાહેર કર્યા છે. દેશમાં ઇથેનોલનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું હોવાથી ભારત સરકાર પોતાના અબજો રૂપિયાના વિદેશી હૂંડિયામણને બચાવવા માટે આ વ્યૂહાત્મક ફેરફાર કરી રહી છે.
વાહનચાલકોની ચિંતા: ગાડીના એન્જિન અને માઇલેજ પર શું થશે અસર?
જ્યારથી પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણની ટકાવારી વધારવાની વાતો સામે આવી છે, ત્યારથી જૂના કે હાલના વાહન માલિકોમાં એ વાતનો ડર છે કે વધુ ઇથેનોલવાળા પેટ્રોલથી ગાડીના એન્જિનના પાર્ટ્સ ખરાબ થઈ શકે છે, મેઇન્ટેનન્સ ખર્ચ વધી શકે છે અને ગાડીની એવરેજ (માઇલેજ) ઘટી શકે છે. ઇથેનોલ પ્રકૃતિમાં થોડું એસિડિક હોવાથી તે જૂના એન્જિનની રબર ટ્યુબ અને પ્લાસ્ટિકના પાર્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે, તેવી આશંકાઓ ઓટો નિષ્ણાતો વ્યક્ત કરતા આવ્યા છે.
જો કે, વાહનચાલકોની આ ચિંતા વચ્ચે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ અગાઉ દેશને ભરોસો આપ્યો હતો કે અત્યાર સુધી E20 ઇંધણના વપરાશથી દેશમાં ક્યાંય પણ એન્જિન ફેલ થવા કે કોઈ મોટું ટેકનિકલ નુકસાન થવાનો સત્તાવાર કિસ્સો સામે આવ્યો નથી. સરકાર આ નવા ફ્યુઅલ (E30) ને બજારમાં ઉતારતા પહેલાં ઓટોમોબાઈલ કંપનીઓ (SIAM) સાથે મળીને એવા એન્જિન તૈયાર કરાવી રહી છે જે મટીરિયલ કમ્પેટેબલ હોય, જેથી ભવિષ્યના વાહનોને તેનાથી કોઈ નુકસાન ન થાય.





