Delhi cab strike: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (Delhi-NCR) માં મુસાફરી કરતા લાખો લોકો માટે આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સીએનજી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તેમજ ગ્રીન સેસ ટેક્સના વિરોધમાં દિલ્હી-એનસીઆરમાં ટેક્સી, ઓટો અને ટ્રક ડ્રાઇવરોએ આજથી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. 'ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ' અને 'દિલ્હી ચાલક શક્તિ યુનિયન' દ્વારા 21 મે થી 23 મે સુધી બોલાવવામાં આવેલી આ હડતાળને પગલે સવારથી જ મુસાફરોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ કેબ સર્વિસ બંધ રહેવાની અફવાઓ ઉડી હતી.
જો કે, આ હડતાળ વચ્ચે દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામમાં રોજિંદી મુસાફરી કરતા લોકો માટે એક ખૂબ જ મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. એપ આધારિત ટેક્સી અને ઓટો બુકિંગ પ્લેટફોર્મ જેવા કે ઓલા (Ola), ઉબર (Uber) અને રેપિડો (Rapido) ની સેવાઓ દિલ્હી-એનસીઆરમાં સામાન્ય દિવસોની જેમ જ ચાલુ છે. મુસાફરોને કેબ કે ઓટો બુક કરવામાં કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો નથી. ગ્રાઉન્ડ રિયાલિટી ચેક દરમિયાન તમામ અગ્રણી એપ્સ પર રાઇડ્સ સરળતાથી ઉપલબ્ધ થતી જોવા મળી છે, જે લાખો દૈનિક મુસાફરો માટે ગુરુવારની સવારે સૌથી મોટી રાહત સમાન સાબિત થઈ છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ: નોઇડાથી દિલ્હી સુધી કેબ અને બાઇક ટેક્સી સરળતાથી બુક થઈ
ડ્રાઇવરોની હડતાળના દાવાઓ વચ્ચે જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે નોઇડાથી નવી દિલ્હી રેલ્વે સ્ટેશન જવા માટે ઓલા, ઉબર અને રેપિડો જેવી એપ્સ ચેક કરવામાં આવી, ત્યારે આશ્ચર્યજનક રીતે તમામ એપ્સ સામાન્ય રીતે કામ કરી રહી હતી. ત્રણેય પ્લેટફોર્મ પરથી કેબ માત્ર થોડી જ સેકન્ડોમાં બુક થઈ ગઈ હતી. આ દરમિયાન જ્યારે રસ્તા પર દોડતા કેબ ડ્રાઇવરો સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું કે તેઓ આ હડતાળને સત્તાવાર રીતે સમર્થન આપી રહ્યા નથી અને પોતાની આજીવિકા માટે કેબ ચલાવવાનું ચાલુ રાખ્યું છે. માત્ર કેબ જ નહીં, પણ દિલ્હી-એનસીઆરની લાઈફલાઈન ગણાતા ઓટો અને રેપિડો બાઇક ટેક્સી પણ ઓનલાઇન પ્લેટફોર્મ પર સરળતાથી ઉપલબ્ધ છે અને ડ્રાઇવરો ગણતરીની મિનિટોમાં લોકેશન પર પહોંચી રહ્યા છે.
આ પણ વાંચો: અમરનાથ યાત્રા માટે 3.6 લાખથી વધુ નોંધણી: માર્ગો પર 12 ફૂટ સુધી બરફ, BRO ની કામગીરી ચાલુ
12 કલાક કામ કરવા છતાં 500 રૂપિયા પણ નથી બચતા: ડ્રાઇવરોનો આક્રોશ
બીજી તરફ, હડતાળ પર ઉતરેલા ટ્રાન્સપોર્ટર્સ અને ડ્રાઇવરોની આર્થિક સ્થિતિ અને તેમની પીડા પણ આંદોલન દ્વારા બહાર આવી છે. સમાચાર એજન્સી (IANS) સાથેની વાતચીતમાં એક કેબ ડ્રાઇવરે પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું કે, "દેશમાં તેલ અને સીએનજી (CNG) ના ભાવ એટલા વધી ગયા છે કે, ગરીબ માણસ માટે જીવવું મુશ્કેલ બન્યું છે. અમે આખી રાત અને દિવસ થઈને 12-12 કલાક સતત ગાડી ચલાવીએ છીએ, તેમ છતાં પણ દિવસના અંતે 500 થી 600 રૂપિયા બચાવવા મુશ્કેલ થઈ રહ્યા છે."
ડ્રાઇવરોના જણાવ્યા મુજબ, કમાણીનો મોટો હિસ્સો સીએનજીના ખર્ચ, કંપનીઓના કમિશન અને ગાડીઓના માસિક હપ્તાઓ (EMI) ચૂકવવામાં જ જતો રહે છે. આ મોંઘવારી અને સરકારના ગ્રીન સેસ ટેક્સના વિરોધમાં જ મોટા ટ્રક ડ્રાઇવરો અને નાના કોમર્શિયલ વાહનોના સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. જો કે, ઓનલાઇન કેબ ચાલકો સંગઠિત ન હોવાને કારણે ડિજિટલ રાઇડિંગ સેવાઓ પર આ હડતાળની કોઈ વ્યાપક અસર જોવા મળી નથી.





