Home Gujarat Godhra Tuva Chokdi St Bus Bike Accident Cctv Video

મરણપ્રસંગમાંથી પરત ફરતાં યુવકને રસ્તામાં જ ભરખી ગયો કાળ : બેફામ ST બસે બાઈકચાલકને કચડ્યો, સામે આવ્યાં ચોંકાવનારા દ્રશ્યો

ST અને યુવકની છબી
Published by: Niraj Chokshi
Last Updated: May 31, 2026, 11:46 AM IST

પંચમહાલ જિલ્લામાં ગોધરા-અમદાવાદ હાઈવે પર આવેલા ટુવા ચોકડી નજીક એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. દાહોદથી મોરબી તરફ જઈ રહેલી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી)ની બસે બાઈકને જોરદાર ટક્કર મારતાં 30 વર્ષીય યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેનું મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. અકસ્માતનો સમગ્ર બનાવ નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હવે અકસ્માતના કારણો અને પોલીસની કાર્યવાહીને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

મરણપ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા તાલુકાના વિઝોરા ગામના રહેવાસી મનહરસિંહ રતનસિંહ સોલંકી (ઉંમર 30 વર્ષ) પોતાના એક મિત્ર સાથે ટુવા ગામે મરણપ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. સામાજિક વિધિ પૂર્ણ કર્યા બાદ બંને બાઈક પર સવાર થઈ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન ટુવા ચોકડી નજીક રોડ ક્રોસ કરતી વખતે દાહોદ-મોરબી રૂટ પર દોડી રહેલી એસટી બસ સાથે તેમની બાઈકનો અકસ્માત સર્જાયો હતો. પરિવારજનો અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બસ પૂરપાટ ઝડપે આવી રહી હતી અને બસચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આવતીકાલથી વસ્તી ગણતરી શરૂ : ખોટી માહિતી આપી તો થશે કાર્યવાહી, ઘરેઘરે પહોંચી 16 ભાષામાં ડેટા લેશે 1 લાખથી વધુ ગણતરીદારો

ગંભીર ઈજાઓને કારણે રસ્તામાં જ થયું મોત

અકસ્માતની ટક્કર એટલી પ્રચંડ હતી કે મનહરસિંહ બાઈક પરથી ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. તેમને માથા અને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક મદદ કરીને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મનહરસિંહે રસ્તામાં અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માતમાં બાઈક પર સવાર અન્ય વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. યુવાન પુત્રના અચાનક અવસાનના સમાચાર મળતાં જ વિઝોરા ગામ અને સોલંકી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારજનો અને ગામલોકો માટે આ ઘટના આઘાતજનક બની છે.

પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

મનહરસિંહના અવસાન બાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતકના ભાઈ જયદીપ સોલંકીએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કાકણપુર પોલીસે અકસ્માતના મામલે એસટી બસના ડ્રાઈવરના નિવેદનના આધારે ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં બાઈકચાલકની બેદરકારીને અકસ્માતનું કારણ દર્શાવવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું. પરિવારજનોનો દાવો છે કે તેમની રજૂઆત અને ફરિયાદને યોગ્ય રીતે સાંભળવામાં આવી નથી. તેઓએ નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે અને CCTV ફૂટેજના આધારે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: નર્મદામાં આવેલા વાવાઝોડાએ લીધો માસૂમનો જીવ : મકાન ધરાશાયી થતાં 11 વર્ષની બાળકીનું મોત, લાછરસ ગામમાં શોકનો માહોલ

પોલીસે શું કહ્યું?

બીજી તરફ કાકણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ. કે. ગુર્જરે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતના કેસમાં નિયમ મુજબ એક જ ફરિયાદ નોંધવામાં આવે છે. એસટી બસના ચાલક મોહનસિંહ દેવાભાઈ ચાવડાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે પોલીસ માત્ર ફરિયાદના આધારે નહીં પરંતુ ઘટનાસ્થળ પરથી મળેલા CCTV ફૂટેજ, પુરાવા અને અન્ય તથ્યોના આધારે પણ તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જે કોઈ દોષિત હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં એક પછી એક સિંહોના મોત અંગે આવ્યા સૌથી મોટા સમાચાર : ખુદ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવી સાચી હકીકત

ન્યાયની માંગ ઉગ્ર બની

હાલમાં સમગ્ર મામલે સ્થાનિક લોકો અને મૃતકના પરિવારજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા CCTV ફૂટેજ બાદ લોકો અકસ્માત માટે જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે મનહરસિંહને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તપાસ પારદર્શક રીતે થવી જરૂરી છે. હવે સૌની નજર પોલીસ તપાસ પર છે કે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે અકસ્માતની વાસ્તવિક જવાબદારી કોના પર નક્કી થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now