વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે એશિયાઈ સિંહોમાં જોવા મળેલા સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીઓ તથા પશુચિકિત્સક ટીમો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એકપણ સિંહનું મૃત્યુ નોંધાયું નથી. વન વિભાગ દ્વારા સમયસર લેવામાં આવેલા અસરકારક પગલાંઓના પરિણામે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તેમ છતાં, સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની ટીમો ચોવીસે કલાક કાર્યરત રહી સિંહોના આરોગ્ય પર સતત નજર રાખી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર અને વન વિભાગ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહ્યા છે.

વન મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એશિયાઈ સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટે પણ સતત પ્રયાસ કરી રહી છે. ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વ્યવસ્થાઓ, રેસ્ક્યુ સેન્ટરો અને એનિમલ કેર સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુંકે, આપણી પાસે નિષ્ણાત તબીબોની ટીમ છે. સાથે જ વનતારાના તબીબો પણ આપણને હાલ મદદ કરી રહ્યાં છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, કોઇપણ પ્રકારની ચિંતા કરવાની કોઇ જરૂર નથી.

તાજેતરમાં કેટલાક સિંહોમાં વાયરસ સંક્રમણના લક્ષણો જોવા મળ્યા બાદ વન વિભાગે તાત્કાલિક પગલાં ભર્યા હતા. અસરગ્રસ્ત સિંહોની સારવાર, આરોગ્ય તપાસ અને મોનિટરિંગ માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ કામગીરીના કારણે સંક્રમણને વધુ ફેલાતું અટકાવવામાં સફળતા મળી હોવાનું અધિકારીઓ માની રહ્યા છે. સાથે જ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગીરના જંગલોમાં ગુંજતી સિંહોની ગર્જના આવનારી પેઢીઓ સુધી અવિરત રહે તે માટે દરેક સ્તરે પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહેલ વન વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, પશુચિકિત્સકો અને મેદાનમાં કાર્યરત ટીમોના સમર્પણ અને અવિરત મહેનતને અભિનંદન પાઠવ્યા હતા.





