Kutch News: ગુજરાતની કચ્છ સરહદે દેશની સુરક્ષામાં તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની છાવણીમાંથી એક ચોંકાવનારા અને સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. ગાંધીધામ ખાતે આવેલી BSFની 90 નંબરની બટાલિયનના હેડ ક્વાર્ટરમાં શુક્રવારે સવારે એક 24 વર્ષીય જવાને ભેદી સંજોગોમાં પોતાની જ સર્વિસ રાઇફલ AK-47 વડે ફાયરિંગ કરી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર સરહદી વિસ્તારમાં અને લશ્કરી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.
શુક્રવારે સવારે બની ઘટના: હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો
મળતી માહિતી મુજબ, મૃતક જવાનની ઓળખ ૨૪ વર્ષીય પંકજ મેમાકિયા તરીકે થઈ છે. શુક્રવારે સવારે નવેક વાગ્યાના અરસામાં બટાલિયનના હેડ ક્વાર્ટર ખાતે ફાયરિંગનો અવાજ સંભળાતા અન્ય જવાનો દોડી આવ્યા હતા, જ્યાં પંકજ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. લોહીથી ખરડાયેલી હાલતમાં જવાનને તાત્કાલિક ગાંધીધામની રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, જવાનના શબને વધુ તપાસ અને પીએમ અર્થે જામનગર ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી.
1 કરોડના કર્જના જાળમાંથી મુક્ત થયું લીમડીનું પરિવાર : સોનુ પરત મળતાં આંખોમાં આવી ગયા ખુશીના આંસુ!
અધિકારીઓની હેરાનગતિ કે પ્રેમ પ્રકરણ? સૂત્રોના ગંભીર દાવા
આ આત્મહત્યા પાછળ લશ્કરી છાવણીની અંદર ચાલતી ગતિવિધિઓ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. BSFના આંતરિક સૂત્રો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સનસનીખેજ ઘટના પાછળ BSFના જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કથિત હેરાનગતિ મુખ્ય કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, યુનિટમાં જ ફરજ બજાવતી એક મહિલા જવાન સાથેના સંબંધો પણ આ અઘટિત પગલાં પાછળ જવાબદાર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, આ ઘટના હત્યા છે કે આત્મહત્યા, અથવા તો કયા ચોક્કસ કારણોસર જવાને આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
ઉચ્ચ અધિકારીઓનું મૌન: વિગતો છુપાવવાનો પ્રયાસ?
આટલી મોટી ઘટના બની હોવા છતાં ગાંધીનગર સ્થિત IG ઓફિસથી લઈને ભુજના DIG અને યુનિટના કમાન્ડન્ટ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓએ આ મામલે રહસ્યમય મૌન સેવી લીધું છે. સત્તાવાર રીતે કોઈ પણ અધિકારી મીડિયા સમક્ષ વિગતો આપવા તૈયાર નથી, જેના કારણે ઘટના વધુ ભેદી બની રહી છે.
કમાન્ડન્ટે મીડિયાને આપી ધમકી
જ્યારે જવાન પંકજના મૃતદેહને રામબાગ હોસ્પિટલ લાવવામાં આવ્યો, ત્યારે BSFના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ત્યાં ખડકી દેવાયો હતો. મીડિયા અહેવાલો મુજબ, ફાયરિંગ કયા સંજોગોમાં થયું તેની વિગતો આપવાના બદલે અધિકારીઓ સમગ્ર મામલા પર પડદો પાડવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં, ગાંધીધામની 90 નંબરની બટાલિયન (જ્યાં આ ઘટના ઘટી છે) તેના કમાન્ડન્ટ વિજય કુમારે (CO Vijay Kumar, 90 Battalion BSF Kutch) મીડિયાકર્મીઓ પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ અંગે કોઈ પણ પ્રકારનું કવરેજ કે કાર્યવાહી કરવા બદલ મીડિયાને ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે.
દિલ ચીરી નાખે તેવી ઘટના! સુરતના પાંડેસરામાં માનવતા શરમાઈ : રસ્તા પાસે રડતી હાલતમાં મળી નવજાત બાળકી
સવાલ એ ઉભો થાય છે કે...
દેશની સરહદો સાચવતા જવાનો જો સરહદની અંદર જ અસુરક્ષિત અનુભવીને આવા આત્મઘાતી પગલાં ભરે, અને તેના પર ઉચ્ચ અધિકારીઓ સત્ય બહાર લાવવાના બદલે તેને છુપાવવાનો પ્રયાસ કરે, તો ન્યાયની આશા કોની પાસે રાખવી? હાલમાં આ મામલે સ્થાનિક પોલીસ અને એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ થાય તે જરૂરી બન્યું છે.






