World record : T20 ક્રિકેટના ઈતિહાસમાં અત્યારે એક એવા ખેલાડીની ચર્ચા છે જે મેદાન પર ઉતરે એટલે બોલરો માટે મુસીબત બની જાય છે. ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક ઓપનર ફિન એલને પોતાની આક્રમક બેટિંગથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. IPL 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમતા તેને એવી બેટિંગ કરી છે કે, સોશિયલ મીડિયા પર ફેન્સ તેને 'નવો સિક્સર કિંગ' કહી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ સામેની તેની હાલની ઇનિંગે સાબિત કરી દીધું છે કે એલન જ્યારે ફોર્મમાં હોય ત્યારે દુનિયાનો કોઈ પણ બોલર તેને રોકી શકતો નથી.
IPL 2026 માં મચાવ્યો તરખાટ
8 મેની રાત્રે રમાયેલા IPL ના 51 માં મુકાબલામાં ફિન એલને દિલ્હી કેપિટલ્સના બોલરોને પરસેવે રેબઝેબ કરી દીધા હતા. તેને માત્ર 47 બોલનો સામનો કરતાં નોટઆઉટ 100 રન ફટકાર્યા હતા. આ ઇનિંગમાં તેને 10 સિક્સર અને 5 ચોગ્ગા ફટકારીને KKR ને એકતરફી જીત અપાવી હતી. એલનની બેટિંગની સૌથી મોટી તાકાત તેનો સ્ટ્રાઇક રેટ છે. દિલ્હી સામે 212.77 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવીને તેને 143 રનનો ટાર્ગેટ માત્ર 14.2 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. આ ઇનિંગે બતાવ્યું કે, તેને સેટ થવા માટે કોઈ સમયની જરૂર પડતી નથી, તે પહેલી જ ઓવરથી આક્રમક બેટિંગ કરી શકે છે.
ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ
જોકે, IPL ની સેન્ચુરી તો માત્ર એક નાનકડું ટ્રેલર હતું. ફિન એલનના નામે T20 ફોર્મેટમાં એક એવો અનોખો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે, જે તોડવો કોઈ પણ બેટ્સમેન માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. 12 જૂન 2025 ના રોજ મેજર લીગ ક્રિકેટ (MLC) માં 'સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ' તરફથી રમતા ફિન એલને વોશિંગ્ટન ફ્રીડમ સામે એક જ ઇનિંગમાં 19 સિક્સર ફટકારી હતી. તેને માત્ર 51 બોલમાં 151 રનની અદભૂત ઇનિંગ રમી હતી, જેમાં ચોગ્ગા તો માત્ર 5 જ હતા, બાકીનું કામ તેને સિક્સરથી જ પૂરું કર્યું હતું.
ગેલ અને ચૌહાણની બાદશાહત ખતમ
T20 ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ લાંબા સમય સુધી 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલ અને સાહિલ ચૌહાણના નામે હતો. આ બંને ખેલાડીઓએ એક ઇનિંગમાં 18-18 સિક્સર ફટકારી હતી. પરંતુ ફિન એલને 19 સિક્સર ફટકારીને આ બંને દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. 20 ઓવરની રમતમાં કોઈ એક બેટ્સમેન આટલી બધી સિક્સર મારે એ કોઈ ચમત્કારથી ઓછું નથી. આ પરાક્રમ બાદ ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, આ રેકોર્ડ કદાચ આવનારા ઘણા વર્ષો સુધી અકબંધ રહેશે.
આ સ્ટાર ખેલાડીની ગર્લફ્રેન્ડે બે વખત ‘ગેમ પ્લાન’ કર્યા લીક!: IPL માં ગર્લફ્રેન્ડની આવી હરકતથી મચ્યો હંગામો
ન્યૂઝીલેન્ડનું 'સિક્સર મશીન'
ફિન એલન હવે માત્ર એક ખેલાડી નથી પણ રન બનાવવાનું અને સિક્સર ફટકારવાનું મશીન બની ગયો છે. રસપ્રદ વાત એ છે કે, તે એક કેલેન્ડર વર્ષમાં ત્રણ T20 સેન્ચુરી ફટકારનાર ન્યુઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેને BBL 2026 માં પર્થ સ્કોર્ચર્સ માટે 53 બોલમાં સેન્ચુરી કરી હતી, ત્યારબાદ T20 વર્લ્ડ કપ 2026 માં કિવિ ટીમ માટે 33 બોલમાં સેન્ચુરી ફટકારી હતી અને હવે KKR માટે આ પરાક્રમ કર્યું છે. એલન જ્યારે પણ મોટી ઇનિંગ રમે છે, ત્યારે સિક્સરની સંખ્યા હંમેશા ચોગ્ગા કરતાં વધુ હોય છે, જે તેને આજના યુગનો સૌથી ખતરનાક પાવર-હિટર બનાવે છે.





