Home Sports Finn Allen Breaks Universe Boss Chris Gayle Age Old Record Creates History By Scoring Fastest Century In T20 World Cup History

Finn Allenએ તોડ્યો 'યુનિવર્સ બોસ'નો વર્ષો જૂનો રેકોર્ડ : T20 વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી રચ્યો ઈતિહાસ

Finn Allenએ તોડ્યો 'યુનિવર્સ બોસ'નો વર્ષો જૂનો રેકોર્ડ
Published by: OBS Bureau
Last Updated: Mar 05, 2026, 04:41 AM IST

કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલી T20 વર્લ્ડકપની પહેલી સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડના ઓપનર ફિન એલને બેટિંગમાં એવો આતશબાજી કરી કે ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું છે. સાઉથ આફ્રિકા સામેના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં એલને માત્ર 33 બોલમાં સદી ફટકારીને વર્લ્ડકપ ઈતિહાસની સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની આ સેમિફાઈનલ મેચ યાદગાર બની ગઈ છે. સાઉથ આફ્રિકાએ આપેલા 169 રનના પડકારને ફિન એલને રમતવાત બનાવી દીધો હતો. તેની વિસ્ફોટક બેટિંગના કારણે કિવી ટીમે માત્ર 12.5 ઓવરમાં જ જીત હાંસલ કરી ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. એલનની આ ઇનિંગે વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડ બેટ્સમેન ક્રિસ ગેઈલનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે 47 બોલમાં સદી ફટકારી હતી. આ જીત સાથે ન્યુઝીલેન્ડ હવે ટાઈટલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે.

પાવરપ્લેમાં જ આફ્રિકાના બોલરોને બેકફૂટ પર ધકેલ્યા

170 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમની શરૂઆત તોફાની રહી હતી. ફિન એલન અને ટિમ સાઈફર્ટે પહેલી જ ઓવરથી આક્રમક વલણ અપનાવ્યું હતું. આ જોડીએ માત્ર 5 ઓવરમાં સ્કોરબોર્ડ પર 62 રન ટાંગી દીધા હતા. સાઈફર્ટે 8મી ઓવરમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જ્યારે બીજી તરફ ફિન એલને માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારીને આ વર્લ્ડકપમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર કિવી બેટ્સમેનનો ખિતાબ મેળવ્યો હતો. 8 ઓવરના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર 103 રન હતો, જે આફ્રિકા માટે જોખમી સંકેત હતો.

ક્રિસ ગેઈલનો 'વર્લ્ડ રેકોર્ડ' ધ્વસ્ત

મેચમાં અસલી રોમાંચ 10મી ઓવર પછી જોવા મળ્યો. ટિમ સાઈફર્ટ આઉટ થયો હોવા છતાં ફિન એલન અટક્યો નહીં. તેણે માત્ર 14 વધારાના બોલમાં બીજા 50 રન ઉમેરીને પોતાની સદી પૂર્ણ કરી હતી. એલને માત્ર 33 બોલમાં સદી ફટકારીને ક્રિસ ગેઈલના 47 બોલના રેકોર્ડને ભૂતકાળ બનાવી દીધો છે. આ સદી કોઈ પૂર્ણ-સભ્ય (Full-Member) ટીમ સામે T20 ઈન્ટરનેશનલમાં ફટકારેલી સૌથી ઝડપી સદી પણ બની ગઈ છે.

12.5 ઓવરમાં મેચ ખતમ, ન્યુઝીલેન્ડ ફાઈનલમાં

એલનની આ આક્રમક રમત સામે સાઉથ આફ્રિકાના તમામ બોલરો લાચાર દેખાયા હતા. મેદાનના દરેક ખૂણે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવતા એલને આફ્રિકાને સંભળવાની કોઈ તક આપી નહીં. પરિણામે, ન્યુઝીલેન્ડે 9 વિકેટથી વિજય મેળવી 170 રનનો ટાર્ગેટ માત્ર 12.5 ઓવરમાં જ પૂરો કરી લીધો હતો.

T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનોની યાદી

બોલ

બેટ્સમેન

વર્ષ

27

સાહિલ ચૌહાણ

2024

29

મુહમ્મદ ફહદ

2025

33

ફિન એલન

2026

33

જાન નિકોલ લોફ્ટી-ઈટન

2024

33

સિકંદર રઝા

2024

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now