Home Sports South Africa Out Of Race For T20 World Cup 2026 Final Finn Allens 33 Ball Century

T20 World Cup; Finn Allen ની 33 બોલમાં સેન્ચુરી! : સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવી કીવી ટીમે ઈડન ગાર્ડન્સમાં રચ્યો ઈતિહાસ!

T20 World Cup; Finn Allen ની 33 બોલમાં સેન્ચુરી!
Published by: OBS Bureau
Last Updated: Mar 04, 2026, 04:47 PM IST

T20 World Cup : કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2026 ની પહેલી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં શાનદાર એન્ટ્રી કરી છે. આ જીતના અસલી હીરો ફિન એલન રહ્યા હતા, જેમને માત્ર 33 બોલમાં સેન્ચુરી ફટકારીને વર્લ્ડ કપના ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. 170 રનના ટાર્ગેટને કીવી ટીમે અત્યંત સરળતાથી પાર કરી લીધો હતો.

સાઉથ આફ્રિકાની મુશ્કેલ શરૂઆત

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બીજી જ ઓવરમાં કોલ મેકોન્ચીએ બે વિકેટ ઝડપીને આફ્રિકાને બેકફૂટ પર લાવી દીધું હતું. એક સમયે ટીમે માત્ર 77 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન એડન માર્કરમ પણ માત્ર 18 રન બનાવી આઉટ થયો હતો.

માર્કો યાન્સેનનો વળતો પ્રહાર

જ્યારે આફ્રિકન ટીમ મુશ્કેલીમાં હતી, ત્યારે માર્કો યાન્સેને શાનદાર બેટિંગ કરી હતી. તેને 30 બોલમાં નોટઆઉટ 55 રન ફટકાર્યા હતા. યાન્સેને ટ્રિસ્ટન સ્ટબ્સ (29 રન) સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 73 રનની મહત્વની પાર્ટનરશીપ કરી, જેના કારણે સાઉથ આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટે 169 રન સુધી પહોંચી શક્યું હતું.

ન્યૂઝીલેન્ડની ધારદાર બોલિંગ

ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ છેલ્લી ઓવરમાં માત્ર 6 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, કોલ મેકોન્ચી અને રચિન રવીન્દ્રએ પણ 2-2 વિકેટ લઈને આફ્રિકન બેટર્સ પર લગામ કસી હતી. સાઉથ આફ્રિકાને 170 રન સુધી સીમિત રાખવામાં કીવી બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ફિન એલન અને ટિમ સેફર્ટનું તોફાન

170 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે પાવરપ્લેથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. ફિન એલને કોર્બિન બોશની ઓવરમાં 22 રન ફટકારીને મેચનો રુખ બદલી નાખ્યો હતો. ટિમ સેફર્ટે પણ 58 રનની આક્રમક ઇનિંગ રમી હતી. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 117 રનની મજબૂત ભાગીદારી કરી હતી.

ઐતિહાસિક રેકોર્ડ અને જીત

ફિન એલને આ મેચમાં રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેને માત્ર 19 બોલમાં ફિફ્ટી અને 33 બોલમાં પોતાની સેન્ચુરી પૂરી કરી હતી. આ T20 વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી ઝડપી સેન્ચુરી છે. તેની આ વિસ્ફોટક બેટિંગના કારણે ન્યૂઝીલેન્ડે માત્ર 12.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો અને 2024 ની રનર-અપ ટીમ સાઉથ આફ્રિકાને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now