IPL 2026 : IPL 2026 ની સિઝન તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે, પરંતુ મેદાન પરના રોમાંચ વચ્ચે એક એવા સમાચાર આવ્યા છે જેણે ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. સામાન્ય રીતે IPL વિવાદો માટે જાણીતી છે, પરંતુ આ વખતે મામલો સુરક્ષા અને ટીમની ગોપનીયતા સાથે જોડાયેલો છે. એક રિપોર્ટમાં સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે કે એક જાણીતા IPL સ્ટારની ગર્લફ્રેન્ડ ટીમની રણનીતિ અને આંતરિક વિગતો બહારના લોકો સુધી પહોંચાડતી હતી. આ ઘટના સામે આવ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મોડું કર્યા વગર તાત્કાલિક એક્શન લીધા છે.
નવી ગાઇડલાઇન : 8 પેજના આદેશમાં શું છે ખાસ?
BCCI એ આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવતા તમામ 10 ફ્રેન્ચાઈઝી ટીમોને 8 પાનાની એક લાંબી અને કડક ગાઇડલાઇન મોકલી આપી છે. આ ગાઇડલાઇનમાં સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે હવેથી કોઈ પણ ખેલાડી, સપોર્ટ સ્ટાફ કે ટીમ માલિકના સગા-સંબંધી કે મિત્રો મેનેજમેન્ટની લેખિત મંજૂરી વગર હોટલના રૂમમાં પ્રવેશી શકશે નહીં. આ પહેલા નિયમોમાં થોડી છૂટછાટ હતી, પરંતુ સુરક્ષામાં ગાબડું પડતા હવે દરેક વ્યક્તિએ કડક પ્રોટોકોલમાંથી પસાર થવું પડશે. આ ગાઇડલાઇનનો હેતુ ખેલાડીઓને ડિસ્ટ્રેક્શનથી બચાવવા અને ટીમની ગુપ્ત માહિતીને સુરક્ષિત રાખવાનો છે.
ગર્લફ્રેન્ડ પર આરોપ : કેવી રીતે ફૂટ્યો ભાંડો?
આ વિવાદનું મુખ્ય કારણ એક ક્રિકેટરની ગર્લફ્રેન્ડની શંકાસ્પદ હિલચાલ હોવાનું મનાય છે. રિપોર્ટ્સ અનુસાર, તપાસમાં જાણવા મળ્યું કે, એક ખેલાડીની ગર્લફ્રેન્ડ ટીમની મીટિંગ્સ અને પ્લેઇંગ ઇલેવન જેવી અત્યંત ગુપ્ત માહિતી બહારના લોકોને શેર કરી રહી હતી. આ કૃત્ય એકવાર નહીં પણ બે વખત પકડાયું હતું. ફ્રેન્ચાઈઝીએ આ અંગેની જાણકારી તાત્કાલિક BCCI ને આપી હતી, ત્યારબાદ બોર્ડની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACU) સક્રિય થઈ હતી. જોકે, હજુ સુધી તે ખેલાડી કે તેની ગર્લફ્રેન્ડનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
યશસ્વી અને શેફાલીની એક ભૂલ પડી ભારે!: ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય ગણાતા ખેલાડીઓ પર લાગી શકે છે પ્રતિબંધ
હની ટ્રેપનું જોખમ : ખેલાડીઓને કરવામાં આવ્યા સતર્ક
બોર્ડે માત્ર નિયમો જ નથી બનાવ્યા, પરંતુ ખેલાડીઓને એક મોટા જોખમ વિશે પણ સાવચેત કર્યા છે અને તે છે 'હની ટ્રેપ'. આજકાલ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ખેલાડીઓને ફસાવીને તેમની પાસેથી માહિતી કઢાવવાના પ્રયાસો વધી રહ્યા છે. BCCI એ ફ્રેન્ચાઈઝી માલિકોને કહ્યું છે કે, તેઓ ખેલાડીઓ સાથે પર્સનલ કાઉન્સેલિંગ કરે અને તેમને સમજાવે કે અજાણ્યા લોકો કે સોશિયલ મીડિયા પર મળતી ઓફરોથી દૂર રહે. ACU ના રિપોર્ટ મુજબ, પ્રોટોકોલ તોડવાની અનેક નાની-મોટી ઘટનાઓ બની છે જે ભવિષ્યમાં મોટી મુસીબત બની શકે છે.
BCCI એ અર્શદીપ સિંહ પર કેમ અચાનક લગાવ્યો પ્રતિબંધ?: IPL 2026 વચ્ચે કડક કાર્યવાહીથી ક્રિકેટ જગત ચોંક્યું!
રમતની ગરિમા જાળવવાનો પ્રયાસ
IPL એ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે અને તેમાં પ્રતિષ્ઠા દાવ પર લાગેલી હોય છે. આવા સમયે જો ટીમની અંદરની માહિતી બહાર જાય તો તે રમતની નિષ્પક્ષતા પર સવાલ ઉભા થાય. BCCI દ્વારા લેવામાં આવેલા આ કડક પગલાં દર્શાવે છે કે, બોર્ડ રમતની ગરિમા અને ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવા માંગતું નથી. હવે આગામી મેચોમાં જોવાનું એ રહેશે કે ટીમો આ નવા સુરક્ષા પ્રોટોકોલનું કેટલું ચુસ્તપણે પાલન કરે છે.





