Home Sports Team India Specialist Spin Bowling Coach Sairaj Bahutule Gautam Gambhir

ટીમ ઈન્ડિયાના કોચિંગ સેટઅપમાં થશે ઐતિહાસિક ફેરફાર! : ગૌતમ ગંભીર અને BCCI નો માસ્ટરસ્ટ્રોક

Gautam Gambhir
Image Credit: Google
Published by: Aryan Shah
Last Updated: May 08, 2026, 09:38 AM IST

Indian cricket team : ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી ફાસ્ટ બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ માટે અલગ નિષ્ણાત કોચની નિમણૂક થતી રહી છે, પરંતુ સ્પિન વિભાગમાં હંમેશા એક ખાલી રહ્યો છે. જોકે, હવે આ પરંપરા તૂટવા જઈ રહી છે. રિપોર્ટ્સ મુજબ, ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતીય ટીમ પ્રથમ વખત સાઈરાજ બહુતુલેના રૂપમાં એક સ્પેશિયાલિસ્ટ સ્પિન-બોલિંગ કોચ મેળવવા જઈ રહી છે. આ નિર્ણય ભારતીય ક્રિકેટના કોચિંગ સ્ટ્રક્ચરમાં એક ઐતિહાસિક બદલાવ સાબિત થઈ શકે છે.

પરંપરા બદલશે ગૌતમ ગંભીર

ટીમ ઈન્ડિયાએ ભૂતકાળમાં જોન રાઈટથી લઈને રાહુલ દ્રવિડ સુધીના અનેક દિગ્ગજ હેડ કોચ જોયા છે, પરંતુ ક્યારેય માત્ર સ્પિનરો માટે અલગ કોચ રાખવામાં આવ્યા નથી. ગૌતમ ગંભીર માને છે કે, જો ભારતને વિશ્વભરની સ્પિન-ફ્રેન્ડલી અને વિદેશી પીચો પર દબદબો જાળવી રાખવો હોય, તો સ્પિનરો સાથે કામ કરી શકે તેવા નિષ્ણાતની જરૂર છે. આ માટે તેમણે સાઈરાજ બહુતુલેના નામની ભલામણ કરી છે, જેઓ સ્પિન બોલિંગની બારીકાઈઓથી સારી રીતે વાકેફ છે.

પંજાબ કિંગ્સ સાથે છેડો ફાડશે બહુતુલે

53 વર્ષીય સાઈરાજ બહુતુલે હાલમાં IPL ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સમાં મુખ્ય કોચ રિકી પોન્ટિંગના હાથ નીચે સેવા આપી રહ્યા છે. જોકે, ટીમ ઈન્ડિયા સાથે જોડાવા માટે તેઓ આ IPL સિઝન બાદ ફ્રેન્ચાઈઝીથી અલગ થઈ શકે છે. રિપોર્ટ્સ મુજબ, બહુતુલેએ પંજાબ કિંગ્સ અને BCCI ના વરિષ્ઠ હોદ્દેદારો સાથે આ અંગે ગંભીર મંત્રણા કરી છે. ભારતીય ટીમની આ જવાબદારી એટલી મોટી છે કે પંજાબ કિંગ્સ પણ તેમને રાજીખુશીથી મુક્ત કરવા તૈયાર હોવાનું મનાય છે.

આ પણ ખાસ વાંચો : ગૌતમ ગંભીરના કોચિંગથી બધા ખેલાડીઓ ખુશ નથી! : પૂર્વ ક્રિકેટરના ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

NCA માં ઘડાયેલો અનુભવ

બહુતુલે માત્ર પૂર્વ ખેલાડી જ નથી, પણ કોચિંગની દુનિયાનું એક મોટું નામ છે. VVS લક્ષ્મણના નેતૃત્વ હેઠળની નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) માં તેમણે લાંબો સમય કામ કર્યું છે. પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડ પણ તેમનાથી એટલા પ્રભાવિત હતા કે 2023 ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જેવી મોટી સિરીઝમાં તેમને ખાસ બોલાવવામાં આવ્યા હતા. હવે ગંભીરના કાર્યકાળમાં તેમને ફૂલ-ટાઇમ જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ ખાસ વાંચો : સૂર્યકુમારની કેપ્ટનશિપ જોખમમાં : BCCI ના ગુપ્ત પ્લાનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ, આ દિગ્ગજ ખેલાડી સંભાળશે T20 ની કમાન

યુવા સ્પિનરો માટે સુવર્ણ તક

ભારતીય ટીમમાં હાલમાં અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને રવીન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓ છે, પરંતુ ભવિષ્યની પેઢી તૈયાર કરવા માટે એક સમર્પિત કોચની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાતી હતી. રવિ બિશ્નોઈ અને વોશિંગ્ટન સુંદર જેવા યુવા સ્પિનરો માટે સાઈરાજ બહુતુલેનું માર્ગદર્શન ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. બહુતુલે પાસે ડોમેસ્ટિક ક્રિકેટ અને નેશનલ ટીમ સાથે કામ કરવાનો જે એક્સપિરિયન્સ છે, તે ટીમ માટે ખૂબ કિંમતી સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now