BCCI's new tournament : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ભવિષ્યની ટેસ્ટ ટીમને તૈયાર કરવા માટે એક્શન મોડમાં આવી ગયું છે. હાલમાં BCCI એ બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે યોજાનારા હાઇ-પરફોર્મન્સ કેમ્પ માટે 25 ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં IPL ના કેટલાક જાણીતા ચહેરાઓ ગાયબ હોવાથી ફેન્સમાં ચિંતા જોવા મળી હતી, પરંતુ તેની પાછળ એક ખાસ ગણિત છે.
નવી ટુર્નામેન્ટનું આયોજન
IPL 2026 સિઝન પૂર્ણ થયા પછી જૂન અને જુલાઈ મહિનામાં બેંગલુરુમાં એક ખાસ ‘ઇન્ટ્રા-CoE’ ટુર્નામેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 64 પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લેશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય ટીમ માટે આગામી જનરેશનના ‘ટેસ્ટ સુપરસ્ટાર્સ’ શોધવાનો છે. આ આખા આયોજનની દેખરેખ દિગ્ગજ ક્રિકેટર VVS લક્ષ્મણ કરશે.
કોને મળી તક?
BCCI એ હાલમાં જે 25 ખેલાડીઓ શોર્ટલિસ્ટ કર્યા છે, જેમાં યશ ધૂલ, રાજ લિંભાણી અને સિદ્ધાર્થ દેસાઈ જેવા નામો સામેલ છે. આ લિસ્ટમાં મુખ્યત્વે સીકે નાયડુ ટ્રોફી અને અંડર-23 ODI માં સારું પરફોર્મન્સ કરનાર ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ કેમ્પ 12 એપ્રિલથી 7 મે 2026 દરમિયાન ચાલશે.
સ્ટાર ખેલાડીઓ કેમ બહાર?
ઘણા લોકોને પ્રશ્ન હતો કે, વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે જેવા સ્ટાર્સ આ લિસ્ટમાં કેમ નથી? તો તેનું કારણ એ છે કે, આ ખેલાડીઓ અત્યારે IPL રમી રહ્યા છે. BCCI કુલ 64 ખેલાડીઓ પસંદ કરવાનું છે, જેમાંથી 14 ખેલાડીઓ ખાસ IPL પરફોર્મન્સના આધારે લેવામાં આવશે. તેથી, વૈભવ અને આયુષ તે 14 સભ્યોની અલગ લિસ્ટમાં સામેલ હશે.
આ પણ ખાસ વાંચો : શું ખાઈને મેદાનમાં બેટિંગ કરવા ઉતર્યો હતો વૈભવ સૂર્યવંશી? : CSK સામેની ધમાકેદાર ઇનિંગ પછી પોતે જ કર્યો ખુલાસો
યુવા ખેલાડીઓનું પરફોર્મન્સ
આયુષ મ્હાત્રે અત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી શાનદાર રમી રહ્યો છે, જ્યારે માત્ર 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ કરી રહ્યો છે. આ બંને ખેલાડીઓ આગામી સમયમાં શ્રીલંકાના પ્રવાસ પર જનારી ભારતની અંડર-19 અને ઇમર્જિંગ ટીમનો પણ ભાગ બની શકે છે.





