Home Sports Gautam Gambhir Team India Controversy Atul Wasan Statement

ગૌતમ ગંભીરના કોચિંગથી બધા ખેલાડીઓ ખુશ નથી! : પૂર્વ ક્રિકેટરના ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

Gautam Gambhir, Rohit Sharma and Virat Kohli
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: May 08, 2026, 09:11 AM IST

Gautam Gambhir : ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરનો અત્યાર સુધીનો કાર્યકાળ સફળ રહ્યો છે, પરંતુ આ સફળતાની પાછળ વિવાદોનું વંટોળ પણ સતત ફૂંકાતું રહ્યું છે. જુલાઈ 2024 માં પદ સંભાળ્યા બાદ ગંભીરના માર્ગદર્શન હેઠળ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026 T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. જોકે, મેદાન પરની આ સફળતા વચ્ચે ડ્રેસિંગ રૂમની અંદર બધું જ બરાબર નથી તેવા અહેવાલોએ ક્રિકેટ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે. પૂર્વ ક્રિકેટર અતુલ વાસને કરેલા હાલના ખુલાસાએ આ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

ગંભીરની સખત કોચિંગ સ્ટાઇલ અને વિરોધ

પૂર્વ ફાસ્ટ બોલર અતુલ વાસને એક ટીવી શો દરમિયાન ગંભીરની મેનેજમેન્ટ સ્ટાઇલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, ભારતીય ટીમના સેટઅપમાં એવા અનેક ખેલાડીઓ છે જેઓ ગૌતમ ગંભીરના 'કડક' અને 'જિદ્દી' વ્યક્તિત્વથી પરેશાન છે. વાસને જણાવ્યું કે ગંભીરની કામ કરવાની રીત લોખંડી શાસન જેવી છે, જ્યાં ખેલાડીઓએ તેમની ઈચ્છા મુજબ જ ચાલવું પડે છે. તેમના મતે, આવી મજબૂત પર્સનાલિટી ધરાવતા કોચ સાથે કામ કરવું દરેક ખેલાડી માટે સરળ હોતું નથી અને ઘણા ખેલાડીઓ અંદરખાને ગૂંગળામણ અનુભવી રહ્યા છે.

સિનિયર ખેલાડીઓની નિવૃત્તિ પર સવાલો

ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી. જોકે સત્તાવાર રીતે આને ખેલાડીઓનો અંગત નિર્ણય ગણાવવામાં આવ્યો હતો, પરંતુ અતુલ વાસનના નિવેદન બાદ હવે નવી ચર્ચા શરૂ થઈ છે. શું આ વરિષ્ઠ ખેલાડીઓ ગંભીરની મેનેજમેન્ટ સ્ટાઇલ સાથે તાલમેલ બેસાડી શક્યા ન હતા? વાસને ઇશારો કર્યો છે કે, જ્યારે કોઈ મજબૂત વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ 'લાકડીથી દોરીને' ટીમ ચલાવવાની કોશિશ કરે છે, ત્યારે સિનિયર ખેલાડીઓ માટે માન-સન્માન જાળવી રાખવું મુશ્કેલ બને છે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

ખેલાડીઓને સાઇડલાઇન કરવાનો ગંભીર આરોપ

અતુલ વાસને નામ લીધા વગર આરોપ લગાવ્યો છે કે, ટીમના કેટલાક એવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે જેમને જાણીજોઈને બાજુ પર (Side-lined) કરી દેવામાં આવ્યા છે. વાસને કહ્યું, "હું અંગત રીતે એવા 2-4 ખેલાડીઓને જાણું છું જેઓ આ વ્યવહારથી નાખુશ છે, પરંતુ તેઓ જાહેરમાં બોલવાની હિંમત કરી શકતા નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે, આ એક ટીમ ગેમ છે, પરંતુ કમનસીબે જ્યારે ટીમ જીતે છે ત્યારે કોચની ભૂલોને નજરઅંદાજ કરવામાં આવે છે. જો જીત મળતી રહે તો કોચને જ સાચો માનવામાં આવે છે અને જે ખેલાડીઓ અન્યાયનો સામનો કરી રહ્યા છે તેમનો અવાજ દબાવી દેવામાં આવે છે.

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

ગંભીર અને વાસન વચ્ચેની જૂની અદાવત

આ સમગ્ર વિવાદને સમજવા માટે ગૌતમ ગંભીર અને અતુલ વાસનનો ભૂતકાળ જાણવો પણ જરૂરી છે. વર્ષો પહેલા જ્યારે અતુલ વાસન દિલ્હી ક્રિકેટના મુખ્ય સિલેક્ટર હતા, ત્યારે તેમણે ગંભીરને દિલ્હીની ટીમની કેપ્ટન્સી પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો. તે સમયે ગંભીરે આક્ષેપ કર્યો હતો કે, તેમને વિશ્વાસમાં લીધા વગર આટલો મોટો નિર્ણય લેવાયો હતો. ત્યારથી બંને વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. આથી, વાસનના આ નવા આરોપોને કેટલાક લોકો જૂની અદાવતનો ભાગ પણ ગણાવી રહ્યા છે. જોકે, ગંભીરના કોચિંગમાં ટીમ ઈન્ડિયાનો આ આંતરિક કલહ ભવિષ્યમાં ટીમના પ્રદર્શન પર શું અસર કરે છે તે જોવું રહ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now