Delhi Capitals : ભારતીય ક્રિકેટ જગતમાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમનારા પશ્ચિમ બંગાળના યુવા ક્રિકેટર અભિષેક પોરેલ મુશ્કેલીમાં મુકાયા છે. અભિષેક પોરેલ વિરુદ્ધ એક યુવતીએ લગ્નની ખોટી લાલચ આપીને શારીરિક શોષણ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાતા ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર મામલો?
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું છે કે, કર્ણાટકની એક મેડિકલ વિદ્યાર્થિનીએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના મોગરા પોલીસ સ્ટેશનમાં અભિષેક પોરેલ વિરુદ્ધ સત્તાવાર લેખિત ફરિયાદ નોંધાવી છે. 23 વર્ષીય અભિષેક પોરેલ આ જ જિલ્લાના ચંદનનગરના વતની છે. પીડિત યુવતીએ ક્રિકેટર પર શારીરિક સંબંધો બાંધવા ઉપરાંત મારપીટ અને ગુનાહિત ધમકી આપવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
આ પણ ખાસ વાંચો : T20Iમાં શુભમન ગિલનો થશે ઉદય, શ્રેયસ ઐયરની ખુરશી જોખમમાં! : ઓલિમ્પિક્સ અને આગામી વર્લ્ડ કપમાં કોણ સંભાળશે ઈન્ડિયાની કમાન?
3 વર્ષ લાંબો પ્રેમ સંબંધ
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદ કરનાર યુવતી છેલ્લા 3 વર્ષથી અભિષેક પોરેલ સાથે પ્રેમ સંબંધમાં (રિલેશનશિપમાં) હતી. બંનેએ પરસ્પર સહમતીથી લગ્ન કરવાનો નિર્ણય પણ લીધો હતો. જો કે, આશરે 1.5 વર્ષ પહેલાં તેમની વચ્ચે કેટલીક અંગત સમસ્યાઓ ઊભી થઈ હતી અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પણ ત્યારે કોઈ ફરિયાદ થઈ નહોતી. આ વખતે યુવતી તેની માતા સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી અને કાયદેસરનો ગુનો નોંધાવ્યો છે.
આ પણ ખાસ વાંચો : ફાઇનલ મેચનો ઉત્સાહ પડ્યો ભારે : રાંચી સ્ટેડિયમ બહાર સર્જાઈ ભાગદોડ, અનેક દર્શકો ઘાયલ
ખેલાડીએ આરોપો નકાર્યા
બીજી તરફ આ વિવાદ સામે આવ્યા બાદ ક્રિકેટર અભિષેક પોરેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આઇપીએલના આ સ્ટાર ખેલાડીએ પોતાની સામે લાગેલા તમામ આરોપોને સદંતર ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. અભિષેકે કહ્યું છે કે આ આરોપો ફેક છે અને તે શરૂઆતી તપાસ થયા બાદ આ મામલે વિસ્તૃત જાણકારી આપશે. હાલ પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે.
આ પણ ખાસ વાંચો : 6,6,6,6,6,6,6,6,6,6,6,6,6... : સૂર્યવંશીના સાથી ખેલાડીને IPL 2026માં મોકો ન મળ્યો પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ
યશ દયાલ જેવો જ વિવાદ
અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા જ આઈપીએલ ટુર્નામેન્ટ પૂરી થઈ છે, જેમાં ઘણો રોમાંચ જોવા મળ્યો હતો. પરંતુ આ સમાચારથી ક્રિકેટ જગત ચોંકી ગયું છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના ખેલાડી યશ દયાલ પર પણ આવા જ ગંભીર આરોપો લાગ્યા હતા, જેના કારણે તેની કરિયર પર ખૂબ માઠી અસર જોવા મળી હતી. હવે અભિષેક પોરેલ પણ આવા જ કેસમાં ફસાતા તેની કરિયર પર સંકટના વાદળો ઘેરાયા છે.





