Virat Kohli : ભારતે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ઇતિહાસ રચ્યો છે. સમગ્ર દેશ જ્યારે ત્રીજી વખત વિશ્વ વિજેતા બનવાની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો એક સંદેશ વાયરલ થયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે રોહિત શર્મા અને એમ.એસ. ધોની જેવા દિગ્ગજો હાજર હતા, ત્યારે વિરાટની ગેરહાજરી અને ગૌતમ ગંભીર સાથેના તેના સંબંધોને લઈને અનેક અટકળો વહેતી થઈ છે.
ઐતિહાસિક વિજય અને કોહલીનો સંદેશ
ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની છે. આ ઐતિહાસિક ક્ષણે વિરાટ કોહલીએ લંડનથી ટીમને અભિનંદન આપતી એક પોસ્ટ શેર કરી છે. તેને ભારતીય ટીમના 'વિસ્ફોટક' પ્રદર્શનની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ જીત અજોડ છે. જોકે, ચાહકોમાં ચર્ચા એ વાતની છે કે, શું હેડ કોચ ગૌતમ ગંભીર સાથેના જૂના વિવાદોને કારણે વિરાટ આ સેલિબ્રેશનમાં રૂબરૂ જોવા મળ્યો નથી?
યુવા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ આક્રમક ક્રિકેટ રમીને વિશ્વને ચોંકાવી દીધું છે. ફાઇનલમાં સંજુ સેમસને 46 બોલમાં 89 રન અને અભિષેક શર્માએ 21 બોલમાં 52 રનની તોફાની ઇનિંગ રમી હતી. પાવરપ્લેમાં જ ભારતે 98 રન બનાવીને ન્યુઝીલેન્ડને દબાણમાં લાવી દીધું હતું.
મેદાન પર દિગ્ગજોનો જમાવડો
અમદાવાદમાં રમાયેલી આ ફાઇનલ મેચ જોવા માટે ભારતીય ક્રિકેટના ત્રણ પાયા સમાન કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા એકસાથે મેદાન પર હાજર રહ્યા હતા. સ્ટેડિયમમાં આ દિગ્ગજોને જોઈને ચાહકો ઉત્સાહિત હતા, પરંતુ સૌ કોઈ 'કિંગ કોહલી' ને મિસ કરી રહ્યા હતા. વિરાટે મેદાન પર હાજર રહેવાને બદલે દૂર રહીને જ પોતાની ખુશી વ્યક્ત કરી છે.
એવોર્ડ્સનો વરસાદ
ભારતે પ્રથમ બેટિંગ કરતા 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેની સામે ન્યુઝીલેન્ડની ટીમ ટકી શકી ન હતી. જસપ્રીત બુમરાહે ફાઇનલમાં 4 વિકેટ ઝડપીને 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ જીત્યો, જ્યારે આખી ટુર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરનાર સંજુ સેમસનને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યો.
વિરાટનું નવું ઠેકાણું : લંડન
છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલીના અંગત જીવન અને તેના ક્રિકેટ ભવિષ્ય અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે, વિરાટ કોહલી લંડનમાં સ્થાયી થયો છે અને ત્યાંથી જ તે ભારતીય ક્રિકેટની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો છે. ગૌતમ ગંભીર સાથેના મતભેદોના સમાચારો વચ્ચે વિરાટનું આ અંતર ઘણું બધું કહી જાય છે, છતાં તેની દેશભક્તિ અને ટીમ પ્રત્યેનો પ્રેમ તેના 'જય હિંદ' લખેલા સંદેશમાં સ્પષ્ટ દેખાય છે.

















