BCCI : IPL 2026 ની સિઝન અત્યારે તેના ફૂલ ફોર્મમાં છે, પરંતુ મેદાનની બહારના એક સમાચાર અત્યારે સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ ફેલાઈ રહ્યા છે. પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પર BCCI દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા અને પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા ચાહકોને પડદા પાછળની વાતો બતાવતા અર્શદીપને હવે બોર્ડે શિસ્તના પાઠ ભણાવ્યા છે. આ વિવાદના તાર યુઝવેન્દ્ર ચહલ અને અન્ય ખેલાડીઓ સાથે પણ જોડાયેલા છે, જેને કારણે રમતની ગરિમા પર સવાલો ઉભા થયા હતા.
વ્લોગિંગ અને વિવાદની શરૂઆત
ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પોતાની રમતની સાથે સાથે સોશિયલ મીડિયા પર તેના વ્લોગ્સ માટે પણ જાણીતો છે. તે અવારનવાર ટીમની મુસાફરી, હોટલના રૂમ અને ખેલાડીઓ સાથેની મસ્તીના વીડિયો શેર કરતો હોય છે. જોકે, આ વખતે આ વ્લોગિંગ તેને ભારે પડી ગયું છે. રિપોર્ટ્સ અનુસાર, અર્શદીપે તેના લેટેસ્ટ વીડિયોમાં કેટલીક એવી ક્ષણો કેદ કરી લીધી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ વિવાદમાં પરિણમી હતી. ખાસ કરીને ખેલાડીઓના અંગત વર્તન અને ડ્રેસિંગ રૂમની શિસ્તને લઈને પ્રશ્નો ઉઠ્યા હતા.
ચહલ અને ઈ-સિગારેટનો મામલો
આ સમગ્ર વિવાદમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે અર્શદીપના વ્લોગમાં યુઝવેન્દ્ર ચહલ સાથે જોડાયેલું એક દ્રશ્ય દેખાયું હોવાનો દાવો કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન ચહલ ઈ-સિગારેટ એટલે કે 'વેપિંગ' કરતો હોવાનું વીડિયોમાં દેખાતું હતું. આ બાબત ધ્યાન પર આવતા જ અર્શદીપે તરત જ તે ભાગ એડિટ કરીને હટાવી દીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેના સ્ક્રીનશોટ વાયરલ થઈ ચૂક્યા હતા. આ ઉપરાંત, અર્શદીપ અન્ય ખેલાડી શશાંક સિંહના ડ્રોપ કેચની મજાક ઉડાવતો પણ જોવા મળ્યો હતો, જે રમત ભાવનાની વિરુદ્ધ માનવામાં આવે છે.
"21 વર્ષનો થશે ત્યારે કંટાળીને ક્રિકેટ છોડી દેશે વૈભવ": જાણો દિગ્ગજ ક્રિકેટરે કેમ કરી આવી વિચિત્ર ભવિષ્યવાણી
BCCI અને ACU ની કડક એડવાઈઝરી
આ ઘટનાઓને પગલે BCCI અને એન્ટી કરપ્શન યુનિટ (ACU) એ તાત્કાલિક અસરથી નવી ગાઇડલાઇન જાહેર કરી છે. બોર્ડે આદેશ આપ્યો છે કે, IPL 2026 સિઝન દરમિયાન કોઈ પણ ખેલાડી પર્સનલ વ્લોગિંગ કરી શકશે નહીં. ખાસ કરીને ટીમ બસ, ડ્રેસિંગ રૂમ, ટીમ હોટલ અને ફ્લાઇટની અંદર વીડિયો શૂટ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિયાન પરાગ દ્વારા ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરવાના અગાઉના વિવાદ અને રાજસ્થાન રોયલ્સના મેનેજર દ્વારા ડગઆઉટમાં મોબાઈલ ફોનના ઉપયોગની ઘટના બાદ BCCI આ વખતે કોઈ પણ પ્રકારની ઢીલાશ મૂકવા માંગતું નથી.
IPL ના અંતિમ તબક્કામાં BCCI નું મોટું એક્શન!: ખેલાડીઓ માટે ‘હની-ટ્રેપ એલર્ટ’, હોટલ રૂમમાં થશે સરપ્રાઈઝ ચેકિંગ
સુરક્ષા અને પ્રોટોકોલનું ઉલ્લંઘન
BCCI એ માત્ર વ્લોગિંગ પર જ નહીં, પરંતુ ખેલાડીઓની અંગત સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. એવું જાણવા મળ્યું છે કે, કેટલાક ખેલાડીઓ તેમની ગર્લફ્રેન્ડ અને મિત્રોને પરવાનગી વગર ટીમ હોટલ અને ટીમ બસમાં પ્રવેશ આપી રહ્યા હતા. ખેલાડીઓના પરિવારના સભ્યોને પણ કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ મુસાફરી કે ટીમ લોકેશન સંબંધિત કોઈ પણ સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયા પર જાહેર ન કરે. આ પ્રકારની બેદરકારીથી ખેલાડીઓની સુરક્ષા અને મેચ ફિક્સિંગ જેવી પ્રવૃત્તિઓનું જોખમ વધી જાય છે, તેથી ACU એ આ બાબતે લાલ આંખ કરી છે.





