Home Sports IPL 2026 Kkr Vs Delhi Fin Allen Century Ipl 2026

ફિન એલનની વિસ્ફોટક 100 રનની ઇનિંગ : KKRએ દિલ્હીને એકતરફી હરાવ્યું

KKR vs Delhi, Finn Allen Century
Published by: Vishal Dave
Last Updated: May 08, 2026, 06:02 PM IST

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2026માં પોતાની શાનદાર ફોર્મ ચાલુ રાખતાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં KKRએ સતત ચોથી જીત નોંધાવી અને પ્લેઓફની આશા વધુ મજબૂત બનાવી છે. બીજી તરફ દિલ્હીની ટીમ હવે ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થવાની કગાર પર પહોંચી ગઈ છે.

મેચમાં કોલકાતાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 142 રન બનાવી શકી હતી. ટીમ માટે પાથુમ નિસાંકાએ 29 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે આશુતોષ શર્માએ 39 અને કેએલ રાહુલે 23 રનનું યોગદાન આપ્યું હતું.

કોલકાતાની બોલિંગ તરફથી અનુકૂલ રોય અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ ઝડપી હતી. ઉપરાંત વૈભવ અરોરા, સુનિલ નારાયણ અને કેમરોન ગ્રીનને પણ એક-એક સફળતા મળી હતી.

143 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી KKRની શરૂઆત સારી રહી નહોતી. ટીમે માત્ર 31 રન સુધીમાં અજિંક્ય રહાણે અને અંગકૃષ રઘુવંશીની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારબાદ ફિન એલન અને કેમરોન ગ્રીને મેચનો સંપૂર્ણ પલટો કર્યો હતો.

ફિન એલને તોફાની બેટિંગ કરતાં માત્ર 47 બોલમાં અણનમ 100 રન ફટકાર્યા હતા. તેની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 10 લાંબા છગ્ગા સામેલ હતા. એલને છગ્ગો ફટકારીને પોતાની સેન્ચૂરી પૂર્ણ કરી અને ટીમને જીત પણ અપાવી હતી.

કેમરોન ગ્રીને પણ 33 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંને ખેલાડીઓ વચ્ચે શતકીય ભાગીદારી થઈ હતી, જેના કારણે કોલકાતાએ માત્ર 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

આ જીત સાથે KKRએ પોઈન્ટ્સ ટેબલમાં મહત્વપૂર્ણ સ્થાન મજબૂત કર્યું છે અને હવે ટીમ પ્લેઓફની રેસમાં ફરીથી મજબૂત દાવેદાર બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now