Home Sports Yashasvi Jaiswal Shefali Verma Nada Notice Whereabouts Failure

યશસ્વી અને શેફાલીની એક ભૂલ પડી ભારે! : ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય ગણાતા ખેલાડીઓ પર લાગી શકે છે પ્રતિબંધ

Yashasvi Jaiswal and Shafali Verma
Image Credit: pinterest
Published by: Aryan Shah
Last Updated: May 09, 2026, 08:39 AM IST

Indian cricket team : ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના બે પ્રભાવશાળી અને યુવા ખેલાડીઓ, યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા હાલમાં નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) ના રડારમાં આવ્યા છે. રમતગમતના કડક નિયમોનું પાલન ન કરવા બદલ આ બંને ખેલાડીઓને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. આ ઘટનાએ રમત પ્રેમીઓમાં ચર્ચા જગાવી છે કારણ કે, આ ભૂલ માત્ર સામાન્ય બેદરકારી નથી પરંતુ ખેલાડીની કારકિર્દી પર પણ અસર કરી શકે છે.

સ્ટાર ખેલાડીઓ મુશ્કેલીમાં

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને મહિલા ક્રિકેટ ટીમની વિસ્ફોટક બેટ્સમેન શેફાલી વર્માને ડોપિંગ ટેસ્ટ માટે ઉપલબ્ધ ન રહેવા બદલ નોટિસ મળી છે. યશસ્વી હાલમાં IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ માટે પોતાની શાનદાર રમત રમી રહ્યો છે, જ્યારે શેફાલી વર્મા સાઉથ આફ્રિકાના મહત્વના પ્રવાસે છે. નાડાએ આ બંને ખેલાડીઓ વિરુદ્ધ 'વેર અબાઉટ ફેલ્યોર' (Whereabouts Failure) અંતર્ગત મિસ્ડ ટેસ્ટ રેકોર્ડ કર્યો છે, જેનો સીધો અર્થ એ છે કે નક્કી કરેલા સમયે ખેલાડીઓ ટેસ્ટ આપવા માટે હાજર ન હતા.

વેર અબાઉટ ફેલ્યોર એટલે શું?

નાડા (NADA) અને વાડા (WADA) ના નિયમો અત્યંત કડક હોય છે. જે ખેલાડીઓ રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP) માં સામેલ હોય છે, તેમણે એન્ટી ડોપિંગ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (ADAMS) પર દરરોજ એક કલાક માટે પોતે ક્યાં હશે તેની ચોક્કસ લોકેશનની માહિતી આપવી પડે છે. આ માહિતી એટલા માટે લેવામાં આવે છે જેથી એજન્સી કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે ખેલાડીનો અચાનક (Surprise) ડોપિંગ ટેસ્ટ કરી શકે. જો ખેલાડી આપેલા લોકેશન પર ન મળે તો તેને નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

નક્કી કરેલા સ્થળે ગેરહાજર

હાલના રિપોર્ટ્સ મુજબ, યશસ્વી જયસ્વાલ ગત વર્ષે 17 ડિસેમ્બરના રોજ નક્કી કરેલા સ્થળે મળ્યા ન હતા. તેવી જ રીતે, શેફાલી વર્મા પણ 7 નવેમ્બરના રોજ પોતાના જણાવેલા લોકેશન પર હાજર ન હતી. આ બાબતે નાડા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જ બંને ખેલાડીઓ પાસે લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો હતો. જોકે, ખેલાડીઓ તરફથી કોઈ સંતોષકારક ખુલાસો કે જવાબ ન મળતા એજન્સીએ તેને સત્તાવાર રીતે તેમનો 'પ્રથમ મિસ્ડ ટેસ્ટ' જાહેર કર્યો છે અને નોટિસ ફટકારી છે.

આ પણ ખાસ વાંચો : BCCI એ અર્શદીપ સિંહ પર કેમ અચાનક લગાવ્યો પ્રતિબંધ? : IPL 2026 વચ્ચે કડક કાર્યવાહીથી ક્રિકેટ જગત ચોંક્યું!

બે વર્ષના પ્રતિબંધનો ખતરો

રમતગમતના નિયમો મુજબ, જો કોઈ ખેલાડી એકવાર ટેસ્ટ મિસ કરે તો તેના પર તાત્કાલિક કોઈ પ્રતિબંધ લાગતો નથી. પરંતુ, આ એક મોટી ચેતવણી છે. જો કોઈ ખેલાડી 12 મહિનાના સમયગાળામાં સતત ત્રણ વખત પોતાના લોકેશન પર હાજર ન મળી આવે અથવા ટેસ્ટ આપવાનું ટાળે, તો તેને ગંભીર ઉલ્લંઘન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ખેલાડી પર બે વર્ષ સુધીનો તમામ પ્રકારની ક્રિકેટ અથવા રમત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાગી શકે છે. આ નિયમ રમતને સ્વચ્છ રાખવા માટે બનાવવામાં આવ્યો છે.

આ પણ ખાસ વાંચો : "21 વર્ષનો થશે ત્યારે કંટાળીને ક્રિકેટ છોડી દેશે વૈભવ" : જાણો દિગ્ગજ ક્રિકેટરે કેમ કરી આવી વિચિત્ર ભવિષ્યવાણી

પૃથ્વી શોના કિસ્સાની યાદ

આ ઘટનાએ ક્રિકેટ જગતમાં વર્ષ 2019 ના પૃથ્વી શોના ડોપિંગ કેસની યાદ તાજી કરાવી દીધી છે. તે સમયે પૃથ્વી શોએ અજાણતામાં ખાંસીની દવા લીધી હતી જેમાં પ્રતિબંધિત પદાર્થ ટેરબ્યુટાલિન મળી આવ્યું હતું, જેના કારણે તેને 8 મહિનાનું સસ્પેન્શન ભોગવવું પડ્યું હતું. જોકે, યશસ્વી અને શેફાલીનો આ કેસ હાલમાં કોઈ નશીલા પદાર્થના સેવનનો નથી, પરંતુ વહીવટી અને શિસ્તભંગની બેદરકારીનો છે. છતાં પણ નાડા આ મામલે અત્યંત ગંભીર છે અને ખેલાડીઓને સતર્ક રહેવા સૂચના આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now