દેશના કરોડો EPF ખાતાધારકો માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ મહત્વપૂર્ણ રાહત આપી છે. નવા નિયમો મુજબ હવે લગ્નના ખર્ચ માટે પ્રોવિડન્ટ ફંડ (PF)માંથી એડવાન્સ મેળવવું વધુ સરળ બન્યું છે. અગાઉ આ સુવિધાનો લાભ લેવા માટે લાંબા સમય સુધી નોકરી કરવી જરૂરી હતી, જ્યારે હવે માત્ર 12 મહિનાની EPF સભ્યતા પૂર્ણ થયા બાદ પણ સભ્યો પોતાના અથવા પરિવારના સભ્યના લગ્ન માટે PFમાંથી એડવાન્સ મેળવી શકશે.
EPFOના નવા નિયમોનો હેતુ સભ્યોને જીવનના મહત્વના પ્રસંગો દરમિયાન ઝડપથી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાનો છે. નવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ક્લેમ પ્રક્રિયાને પણ વધુ સરળ બનાવવામાં આવી રહી છે, જેથી ઓછા દસ્તાવેજો અને ઓછા સમયમાં ક્લેમનું નિરાકરણ આવી શકે.
આ પણ વાંચો: 'એક નહીં, 6 વાહન માલિકો રજૂ કરીશું' : E20 ફ્યુઅલ મુદ્દે નીતિન ગડકરીની વાતને પડકારતા પ્રદર્શનકારીઓનું મોટું નિવેદન
લગ્ન માટે PF એડવાન્સના નિયમોમાં શું બદલાયું?
નવી જોગવાઈ મુજબ હવે EPF સભ્ય માત્ર 12 મહિનાની સભ્યતા બાદ લગ્ન માટે એડવાન્સ લઈ શકે છે. અગાઉ આ માટે ઓછામાં ઓછા સાત વર્ષની સેવા જરૂરી હતી. ઉપરાંત હવે કુલ PF બેલેન્સના 75 ટકા સુધીની રકમ ઉપાડી શકાશે. જોકે કુલ બેલેન્સમાંથી ઓછામાં ઓછા 25 ટકા રકમ ખાતામાં જાળવવી ફરજિયાત રહેશે જેથી નિવૃત્તિ માટેની બચત સુરક્ષિત રહે.
આ સુવિધાનો ઉપયોગ માત્ર પોતાના લગ્ન માટે જ નહીં પરંતુ પુત્ર, પુત્રી, ભાઈ અથવા બહેનના લગ્ન માટે પણ કરી શકાય છે. જીવનકાળ દરમિયાન લગ્ન સંબંધિત ખર્ચ માટે અગાઉ ત્રણ વખત એડવાન્સ લઈ શકાતો હતો, જ્યારે હવે મહત્તમ પાંચ વખત સુધી આ સુવિધાનો લાભ લઈ શકાશે.
આ પણ વાંચો: 'E20થી માઈલેજ પર થશે થોડી અસર, પણ કાર ખરાબ થવાનો એકેય કેસ નથી' : વિરોધીઓને નીતિન ગડકરીએ આપ્યો સ્પષ્ટ જવાબ
ઓનલાઈન કેવી રીતે કરશો અરજી?
EPFOના સભ્યો UAN દ્વારા Member e-Sewa પોર્ટલમાં લોગિન કરીને સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી શકે છે. અરજી કરતા પહેલાં આધાર, PAN અને બેંક ખાતાની KYC વિગતો અપડેટ અને ચકાસેલી હોવી જરૂરી છે.
ત્યારબાદ "Online Services"માં જઈ "Claim (Form 31)" પસંદ કરવો, કારણ તરીકે "Marriage" પસંદ કરવું, જરૂરી રકમ દાખલ કરવી અને આધાર OTP દ્વારા અરજી સબમિટ કરવી રહેશે. નવા નિયમો હેઠળ નોકરીદાતાની મંજૂરી માટે અલગથી રાહ જોવાની જરૂર રહેશે નહીં.
કેટલા સમયમાં મળશે રકમ?
EPFOના જણાવ્યા મુજબ તમામ વિગતો યોગ્ય હોય તો ઓનલાઈન ક્લેમની પ્રક્રિયા વધુ ઝડપી કરવામાં આવી છે. સામાન્ય રીતે અરજી મંજૂર થયા બાદ લગભગ ત્રણ કાર્યકારી દિવસમાં રકમ સીધી સભ્યના બેંક ખાતામાં જમા થવાનો દાવો કરવામાં આવ્યો છે. નવા કેન્દ્રીય ડેટાબેઝ અને ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ના હોય!, સરકાર આપી રહી છે 1600000 રૂપિયા : ફક્ત આટલું કરો તમને પણ મળશે આ મોટી રકમ
ખાતાધારકોએ શું ધ્યાનમાં રાખવું?
અરજી કરતાં પહેલાં UAN સક્રિય હોવું, KYC સંપૂર્ણ હોવી અને બેંક ખાતું EPF સાથે જોડાયેલું હોવું જરૂરી છે. ઉપરાંત ઉપાડવામાં આવતી રકમ નિયમો હેઠળ મંજૂર મર્યાદામાં હોવી જોઈએ. નિષ્ણાતોનું માનવું છે કે PF મુખ્યત્વે નિવૃત્તિ માટેની બચત હોવાથી જરૂરિયાત મુજબ જ તેનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે.





