Home Business E20 Fuel Row Nitin Gadkari Challenge Tehseen Poonawalla Six Victims

'એક નહીં, 6 વાહન માલિકો રજૂ કરીશું' : E20 ફ્યુઅલ મુદ્દે નીતિન ગડકરીની વાતને પડકારતા પ્રદર્શનકારીઓનું મોટું નિવેદન

E20 Fuel News
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: Jul 10, 2026, 09:04 AM IST

E20 Fuel News: દેશમાં E20 એટલે કે 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધુ તેજ બન્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં પડકાર ફેંક્યો હતો કે જો E20 ઇંધણના ઉપયોગથી કોઈ વાહનને નુકસાન થયું હોય અથવા કોઈ વ્યક્તિ અસરગ્રસ્ત હોય તો તેનું એક પણ ઉદાહરણ સામે લાવવામાં આવે. હવે આ પડકારનો જવાબ આપતાં સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ તહસીન પૂનાવાલાએ દાવો કર્યો છે કે તેઓ એક નહીં પરંતુ આવા છ લોકોને જાહેરમાં રજૂ કરવા તૈયાર છે. જોકે, પૂનાવાલાએ તેની સાથે એક શરત પણ મૂકી છે. તેમનું કહેવું છે કે, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અસરગ્રસ્ત લોકો સાથે મીડિયા સમક્ષ રૂબરૂ મુલાકાત કરે અને સમગ્ર ચર્ચાનું લાઇવ પ્રસારણ કરવામાં આવે. આ નિવેદન બાદ E20 પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચા ફરી એકવાર રાજકીય અને જાહેર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.

ગડકરીનો પડકાર સ્વીકાર્યો, પરંતુ મૂકી શરત

તહસીન પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને નિતિન ગડકરીની ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમની પાસે એવા છ લોકો છે, જેઓના જણાવ્યા મુજબ, E20 ઇંધણના ઉપયોગ બાદ તેમની ગાડીઓમાં ટેક્નિકલ સમસ્યાઓ ઊભી થઈ છે.

પૂનાવાલાના જણાવ્યા અનુસાર, તેઓ શરૂઆતમાં આ તમામ લોકોને લઈને ગડકરીના નિવાસસ્થાને જવાના હતા, પરંતુ દિલ્હી પોલીસે તેમને ત્યાં ન જવાની સલાહ આપી હતી. તેમનું કહેવું છે કે જો તેઓ મંત્રીના ઘરે જશે તો તેમને અટકાયત કરવામાં આવી શકે છે.

મીડિયા સમક્ષ બેઠકની કરી માંગ

પૂનાવાલાએ કહ્યું કે તેઓ કેન્દ્રીય મંત્રી સાથે ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છે. તેમણે દિલ્હી પોલીસ અથવા સંબંધિત તંત્રને બેઠકની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે. સાથે જ ગડકરીને સમય ફાળવવા અને સમગ્ર બેઠકનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાની માંગ પણ કરી છે. તેમના મતે, જો E20 ઇંધણને લઈને લોકોની ફરિયાદો છે તો તે અંગે ખુલ્લી ચર્ચા થવી જોઈએ અને અસરગ્રસ્ત લોકોનું પણ પક્ષ સાંભળવું જોઈએ.

આ પણ વાંચો: ''જો એક પણ વાહન ખરાબ થયું હોય તો નામ આપો'' : E20 પેટ્રોલ પર વધતા વિવાદ વચ્ચે નિતિન ગડકરીની ખુલ્લી ચેલેન્જ

શું છે E20 પેટ્રોલ?

ભારત સરકારે રાષ્ટ્રીય જૈવ ઇંધણ નીતિ-2018 હેઠળ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. શરૂઆતમાં આ લક્ષ્ય વર્ષ 2030 સુધી હાંસલ કરવાનો હતો, પરંતુ સરકારના જણાવ્યા મુજબ તે ડિસેમ્બર 2025માં જ પૂર્ણ થઈ ગયો હતો. ત્યારબાદ વર્ષ 2026થી દેશભરના તમામ પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલનો અમલ કરવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે, ઇથેનોલ મિશ્રિત ઇંધણના ઉપયોગથી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટશે, પ્રદૂષણમાં ઘટાડો થશે અને ખેડૂતોને પણ લાભ મળશે.

વિરોધ શા માટે થઈ રહ્યો છે?

E20 પેટ્રોલનો વિરોધ કરતા લોકોનો દાવો છે કે, દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં એવી ગાડીઓ છે, જે E10 એટલે કે 10 ટકા ઇથેનોલ મિશ્રિત ઇંધણ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, E20 પેટ્રોલના ઉપયોગથી વાહનોનું માઇલેજ ઘટે છે અને એન્જિન તેમજ અન્ય મશીનરી પર તેની અસર પડી શકે છે. જોકે, આ દાવાઓને કેન્દ્ર સરકાર અને ઓટોમોબાઇલ ક્ષેત્રના અનેક નિષ્ણાતોએ સ્વીકાર્યા નથી. સરકારનું કહેવું છે કે ઉપલબ્ધ વૈજ્ઞાનિક અભ્યાસ અને પરીક્ષણોમાં E20 ઇંધણથી વાહનોને નુકસાન થતું હોવાનું સાબિત થયું નથી.

ગડકરીએ શું કહ્યું હતું?

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન નિતિન ગડકરીએ સ્પષ્ટ કહ્યું હતું કે, E20 પેટ્રોલથી કોઈ વાહનને નુકસાન થયું હોવાના દાવાની પુષ્ટિ થઈ નથી. તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ ગ્રાહકને ખરેખર આવી સમસ્યા અનુભવાય તો તે સંબંધિત વાહન ડીલર અથવા કેન્દ્ર સરકારના મંત્રાલયમાં ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ મળ્યા બાદ તેની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હવે તહસીન પૂનાવાલાના દાવા બાદ E20 પેટ્રોલને લઈને શરૂ થયેલી ચર્ચા વધુ વેગ પકડી શકે છે. જો બંને પક્ષો વચ્ચે બેઠક યોજાશે તો આ સમગ્ર મુદ્દે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now