Home National Nitin Gadkari E20 Petrol Challenge Ethanol Blended Fuel Statement

''જો એક પણ વાહન ખરાબ થયું હોય તો નામ આપો'' : E20 પેટ્રોલ પર વધતા વિવાદ વચ્ચે નિતિન ગડકરીની ખુલ્લી ચેલેન્જ

E20 Petrol Nitin Gadkari Statement
Image Credit: pinterest
Published by: Nirali Gohil
Last Updated: Jul 08, 2026, 12:06 PM IST

E20 Petrol Nitin Gadkari Statement: છેલ્લા કેટલાક સમયથી E20 પેટ્રોલ અંગે સોશિયલ મીડિયા, ઓટોમોબાઈલ ક્ષેત્ર અને વાહનચાલકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકોનો દાવો છે કે, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી વાહનોનું માઇલેજ ઘટે છે અને એન્જિનના વિવિધ પાર્ટ્સ પર પણ તેની અસર પડે છે. જોકે કેન્દ્ર સરકાર સતત E20 પેટ્રોલને સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી ઇંધણ તરીકે પ્રોત્સાહન આપી રહી છે. હવે આ સમગ્ર વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનું નિવેદન ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

ગડકરીનું ખુલ્લું ચેલેન્જ

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દેશભરમાં અત્યાર સુધી E20 પેટ્રોલના કારણે કોઈ પણ કાર, બાઈક અથવા સ્કૂટરમાં ખામી સર્જાઈ હોય તેવું એકપણ પ્રમાણિત ઉદાહરણ સામે આવ્યું નથી. તેમણે વિવાદ ઊભો કરનારાઓને ખુલ્લો પડકાર આપતા કહ્યું કે, જો કોઈ પાસે આવો એક પણ કિસ્સો હોય તો તેનું નામ અને વિગતો જાહેર કરે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, E20 પેટ્રોલ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે અને તેના વિરોધમાં પેઇડ કેમ્પેઇન પણ ચલાવવામાં આવી રહ્યા છે.

E20 પેટ્રોલ શા માટે મહત્વપૂર્ણ?

ગડકરીએ જણાવ્યું કે, ભારત દર વર્ષે આશરે 22 લાખ કરોડ રૂપિયાનું ફોસિલ ફ્યુઅલ આયાત કરે છે. જેના કારણે દેશની અર્થવ્યવસ્થા પર મોટો બોજ પડે છે અને પ્રદૂષણમાં પણ વધારો થાય છે. તેમણે કહ્યું કે, ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ જેવા ગ્રીન ફ્યુઅલનો વધુ ઉપયોગ થવાથી કાચા તેલની આયાત પર નિર્ભરતા ઘટશે, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પર્યાવરણને પણ ફાયદો થશે.

આ પણ વાંચો: મમતા બેનર્જીને EDનો મોટો ઝટકો! : TMC સાથે જોડાયેલા 3 બેંક ખાતા ફ્રીઝ કર્યા, રૂ.440 કરોડના ફંડ પર લાગી રોક

ખેડૂતોને પણ થઈ રહ્યો છે સીધો લાભ

નિતિન ગડકરીએ દાવો કર્યો કે, ઇથેનોલ ઉત્પાદન વધવાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે, જ્યારે સરકારે મકાઈમાંથી ઇથેનોલ બનાવવાની નીતિ અપનાવી હતી ત્યારે મકાઈનો બજારભાવ લગભગ રૂ.1,200 પ્રતિ ક્વિન્ટલ હતો, જ્યારે તેનો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) લગભગ રૂ.1800 પ્રતિ ક્વિન્ટલ હતો. ઇથેનોલની માંગ વધ્યા બાદ મકાઈનો ભાવ વધીને લગભગ રૂ.2800 પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયો હોવાનું તેમણે જણાવ્યું. તેમના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોની આવકમાં આશરે રૂ.45,000 કરોડનો વધારો નોંધાયો છે.

પરિવારની કંપનીઓ અંગેના આરોપો પર પણ આપ્યો જવાબ

ઇથેનોલ ઉત્પાદન સાથે તેમના પરિવારની કંપનીઓ જોડાયેલી હોવાના આરોપો અંગે ગડકરીએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે તેમના પરિવાર પાસે ખાંડની મિલો છે, પરંતુ તેમની કંપનીઓનો વ્યવસાય ઇથેનોલ પર આધારિત નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે E20 પેટ્રોલને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં, પરંતુ દેશના હિત, ખેડૂતોના વિકાસ અને ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઈન્ડોનેશિયાના 1000 વર્ષ જૂના પ્રમ્બાનન મંદિરે પહોંચ્યા PM મોદી : કહ્યું- 'ભગવાન શિવ સાથે જોડાવાનું સૌભાગ્ય મને હંમેશા મળ્યું', શેર કર્યો પ્લેનની અંદરથી મંદિરનો નજારો

હવે E20 પછી E85 અને E100 તરફ સરકારનું ધ્યાન

કેન્દ્ર સરકાર હવે E20 બાદ વધુ ઇથેનોલ મિશ્રિત ઇંધણને પણ પ્રોત્સાહન આપવા તૈયારીઓ કરી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989માં સુધારા કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ પ્રસ્તાવ હેઠળ E85, E100, B100 બાયોડીઝલ અને હાઇડ્રોજન-CNG જેવા વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકારનું માનવું છે કે આગામી સમયમાં ફ્લેક્સ-ફ્યુઅલ અને બાયોફ્યુઅલ આધારિત વાહનોનો ઉપયોગ વધશે, જે ભારતને ઊર્જા ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે.

E20ને લઈને ચર્ચા હજુ યથાવત

એક તરફ સરકાર E20 પેટ્રોલને પર્યાવરણ અને અર્થતંત્ર માટે લાભદાયી ગણાવી રહી છે, તો બીજી તરફ કેટલાક વાહનચાલકો અને નિષ્ણાતો હજુ પણ તેના લાંબા ગાળાના પ્રભાવ અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ગડકરીનું ખુલ્લું ચેલેન્જ અને સરકારની આગામી બાયોફ્યુઅલ નીતિ આગામી દિવસોમાં આ ચર્ચાને વધુ વેગ આપે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now