TMC Bank Accounts: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. કથિત મની લોન્ડરિંગ અને નાણાંના ગેરવહીવટના કેસમાં EDએ TMCના ત્રણ બેંક ખાતાઓમાં જમા રહેલા રૂ.440.42 કરોડના વ્યવહારો પર રોક લગાવી છે. આ કાર્યવાહી બાદ રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ધનશોધન નિવારણ કાયદા (PMLA) હેઠળ તપાસ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીનો દાવો છે કે પાર્ટીના ખાતાઓમાંથી મોટી રકમ કેટલીક ખાનગી કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેના આધારે સમગ્ર નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, આ મામલે તૃણમૂલ કોંગ્રેસ તરફથી સમાચાર લખાય ત્યાં સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
PMLA હેઠળ ત્રણ બેંક ખાતાઓના વ્યવહારો પર રોક
EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, PMLAની કલમ 17(1-A) હેઠળ આદેશ જારી કરીને TMCના ત્રણ ખાનગી બેંક ખાતાઓમાં રહેલા કુલ રૂ.440.42 કરોડના વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ અને કથિત નાણાકીય ગેરરીતિની તપાસના ભાગરૂપે કરવામાં આવી હોવાનું જણાવાયું છે. એજન્સી હાલમાં આ નાણાંના સ્ત્રોત, તેના ઉપયોગ અને વિવિધ કંપનીઓ સાથે થયેલા વ્યવહારોની વિગતવાર તપાસ કરી રહી છે.
કોલકાતામાં પાંચ સ્થળોએ EDની દરોડા કાર્યવાહી
મંગળવારે EDએ કોલકાતાના પાંચ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડાઓમાં કેરવેલ ગ્રુપ ઓફ કંપનીઝના પરિસરો પણ સામેલ હતા. આ ગ્રુપ કેરવેલ એવિએશન નામની ખાનગી વિમાન ભાડે આપતી કંપનીનું સંચાલન કરે છે. તપાસ દરમિયાન મળેલા દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડના આધારે EDએ અનેક મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
કંપનીઓને કરોડો રૂપિયાનું ટ્રાન્સફર થયાનો દાવો
પ્રાથમિક તપાસમાં EDને જાણવા મળ્યું છે કે એપ્રિલ 2023થી જૂન 2026 વચ્ચે TMCના બેંક ખાતાઓમાંથી આશરે રૂ.160 કરોડ કેરવેલ એવિએશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને તેની સાથે જોડાયેલી અન્ય એક કંપનીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ કંપનીએ 2023થી 2026 દરમિયાન લગભગ રૂ.82.96 કરોડ નવી રચાયેલી એક કંપનીને મોકલ્યા હતા. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ નાણાંનો અંતિમ ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો હતો.
બિઝનેસ જેટ અને હેલિકોપ્ટર ખરીદીની પણ તપાસ
EDના જણાવ્યા મુજબ, ટ્રાન્સફર કરાયેલી રકમમાંથી આશરે રૂ.112 કરોડનો ઉપયોગ એક Embraer Legacy 600 બિઝનેસ જેટ અને AgustaWestland 109SP હેલિકોપ્ટર ખરીદવા માટે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીનો દાવો છે કે, બાદમાં આ બંને એરક્રાફ્ટ TMCને ભાડે આપવામાં આવ્યા હતા. આ દાવાઓની પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંંચો: અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય : દાનપેટીથી બેંક ખાતા સુધી બદલાઈ આખી વ્યવસ્થા
TMCના 18 બેંક ખાતાઓ તપાસ હેઠળ
એજન્સીના સૂત્રો મુજબ, હાલમાં તપાસ અધિકારીઓ TMCના ઓછામાં ઓછા 18 બેંક ખાતાઓની તપાસ કરી રહ્યા છે. ઉપરાંત કેરવેલ ટ્રાવેલ્સ, વિન્ડબોર્ન એવિએશન અને અનિતા ટૂર્સ જેવી કંપનીઓ સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારોની પણ તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન વિવિધ કંપનીઓ વચ્ચે થયેલા ટ્રાન્ઝેક્શન, બેંકિંગ રેકોર્ડ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર તપાસની શરૂઆત જૂન મહિનામાં નોંધાયેલી એક ફરિયાદ બાદ થઈ હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મોટા સાયબર ફ્રોડથી મળેલી રકમનો એક ભાગ TMCના કેટલાક બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે પ્રથમ પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી હતી. ત્યારબાદ EDએ PMLA હેઠળ કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. તપાસ શરૂ થતાં પહેલાં જ સંબંધિત ત્રણ બેંક ખાતાઓમાંથી ડેબિટ ટ્રાન્ઝેક્શન પર રોક લગાવવામાં આવી હતી.
હજુ તપાસ ચાલુ, TMCની પ્રતિક્રિયાની રાહ
હાલ ED સમગ્ર નાણાકીય વ્યવહારોની વિગતવાર તપાસ કરી રહી છે અને સંબંધિત તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. બીજી તરફ, આ કાર્યવાહી અંગે તૃણમૂલ કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. આગામી દિવસોમાં તપાસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પર રાજકીય અને કાનૂની બંને સ્તરે સૌની નજર રહેશે.






