Ram Mandir Trust New Rules: અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાન વ્યવસ્થાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અનેક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં મૂક્યા છે. તાજેતરમાં દાન વ્યવસ્થાને લઈને ચાલી રહેલી તપાસ વચ્ચે ટ્રસ્ટે બેંકિંગ સિસ્ટમ, દાનની ગણતરી અને સુરક્ષા વ્યવસ્થામાં વ્યાપક સુધારા કર્યા છે. નવા નિયમો મુજબ હવે મંદિરના બેંક ખાતામાં કોઈપણ નાણાકીય વ્યવહાર એક વ્યક્તિના બદલે ત્રણ અધિકૃત સહી વિના થઈ શકશે નહીં. આ સાથે દાનપેટીમાંથી મળતી રોકડની ગણતરીની સમગ્ર પ્રક્રિયા પર પણ કડક નજર રાખવામાં આવશે. વધારાના CCTV કેમેરા, સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ બંદોબસ્ત દ્વારા દાન વ્યવસ્થાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટનું માનવું છે કે નવી વ્યવસ્થા ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
હવે ત્રણ અધિકૃત સહી બાદ જ થશે બેંક ટ્રાન્ઝેક્શન
ટ્રસ્ટે મંદિરના બેંક ખાતાના સંચાલનની પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. અગાઉ કેટલાક નાણાકીય વ્યવહારો માટે મર્યાદિત અધિકૃત સહીની જ જરૂર પડતી હતી, પરંતુ હવે કાર્યકારી મહાસચિવ કૃષ્ણ મોહન સાથે જગદીશ અને ચંદન રાયને પણ અધિકૃત સહીકર્તા બનાવવામાં આવ્યા છે. નવી વ્યવસ્થા મુજબ, મંદિરના બેંક ખાતા સંબંધિત કોઈપણ નાણાકીય વ્યવહાર માટે આ ત્રણેય અધિકૃત પ્રતિનિધિઓની સંયુક્ત મંજૂરી અને સહી જરૂરી રહેશે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ આ નિર્ણય નાણાકીય પારદર્શિતા અને જવાબદારી વધારવાના હેતુથી લેવામાં આવ્યો છે.
દાનની ગણતરી પ્રક્રિયામાં વધારાઈ સુરક્ષા
ટ્રસ્ટે દાનપેટીમાંથી મળતી રોકડની ગણતરી માટે પણ સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કર્યો છે. હવે દાનની ગણતરી દરમિયાન કુલ 43 અધિકૃત વ્યક્તિઓ હાજર રહેશે જેથી સમગ્ર પ્રક્રિયા અનેક સ્તરે દેખરેખ હેઠળ રહી શકે. આ ઉપરાંત જ્યાં અગાઉ કેમેરાની વ્યવસ્થા નહોતી ત્યાં પણ નવા CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. કુલ 13 નવા CCTV કેમેરા ઉમેરાયા છે જેથી દાનપેટીથી લઈને રોકડની ગણતરી સુધીની દરેક પ્રક્રિયાનું સતત રેકોર્ડિંગ થઈ શકે.
આ પણ વાંચો: 32 કિલો સોનું, 1,518 કિલો ચાંદી અને રૂ.582 કરોડનું રોકડ દાન : અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટનો નાણાકીય હિસાબ જાહેર
દાનપેટીથી ગણતરી સ્થળ સુધી રહેશે કડક દેખરેખ
નવી સુરક્ષા વ્યવસ્થા મુજબ દાનપેટીમાંથી રોકડને ગણતરી કેન્દ્ર સુધી પહોંચાડવા માટે 27 SIS સુરક્ષા કર્મચારીઓની ખાસ ફરજ મુકવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર માર્ગ પર પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, ખાસ કરીને પિલર નંબર 34 નજીક વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે, કારણ કે ત્યાં વિશેષ દાનપેટી રાખવામાં આવી છે. સમગ્ર માર્ગ પર પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ સતત દેખરેખ રાખશે.
ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે ચર્ચા
મીડિયા અહેવાલો અનુસાર, દાન વ્યવસ્થા સંબંધિત તપાસ વચ્ચે ટ્રસ્ટના વરિષ્ઠ સભ્યો ચંપત રાય અને અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. કેટલાક અહેવાલોમાં ટ્રસ્ટના આંતરિક નિયમો અને તપાસની સંભાવના વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરીએ અગાઉ જાહેરમાં જણાવ્યું હતું કે, બંનેએ નૈતિક જવાબદારીના આધારે પોતાના પદ છોડ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થઈ શકશે.
નકલી રસીદોનો મુદ્દો પણ તપાસના કેન્દ્રમાં
તપાસ દરમિયાન ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓની પૂછપરછમાં દાન માટે કથિત નકલી રસીદોનો ઉપયોગ થતો હોવાની માહિતી પણ સામે આવી છે. મીડિયા અહેવાલો અનુસાર તપાસ એજન્સીઓને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના નામ અને લોગોવાળી જૂની કથિત નકલી રસીદ બુક પણ મળી હોવાનું કહેવાય છે. તપાસ એજન્સીઓ આ દાવાઓની પણ તપાસ કરી રહી છે. ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે જણાવાયું છે કે, હવે દાનની ઓનલાઈન અને અધિકૃત રસીદ વ્યવસ્થા અમલમાં હોવાથી આવી ગેરરીતિની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે.
તપાસ હજુ યથાવત, પારદર્શિતા વધારવા ટ્રસ્ટના પ્રયાસ
રામ મંદિર દાન વ્યવસ્થા સંબંધિત સમગ્ર મામલે તપાસ હજુ ચાલુ છે. તપાસ એજન્સીઓ તમામ પાસાઓની તપાસ કરી રહી છે, જ્યારે ટ્રસ્ટે પણ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા અટકાવવા માટે બેંકિંગ સિસ્ટમ, સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખની પદ્ધતિમાં મહત્વપૂર્ણ સુધારા અમલમાં મૂક્યા છે. હવે તપાસના અંતિમ અહેવાલ અને નવી વ્યવસ્થાના અમલ બાદ દાન વ્યવસ્થામાં કેટલી પારદર્શિતા અને જવાબદારી વધે છે તેના પર સૌની નજર રહેશે. સાથે જ દાન આપતા શ્રદ્ધાળુઓનો વિશ્વાસ વધુ મજબૂત રહે તે માટે ટ્રસ્ટે ટેક્નોલોજી આધારિત સુરક્ષા અને નાણાકીય નિયંત્રણોને વધુ સશક્ત બનાવવાનો પ્રયાસ કર્યો છે.





