Ram Mandir Trust Donation Report: અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નાણાકીય હિસાબને લઈને મહત્વની માહિતી સામે આવી છે. 31 માર્ચ, 2026 સુધીના ઉપલબ્ધ નાણાકીય રેકોર્ડ અને પ્રાથમિક તપાસના આધારે ટ્રસ્ટને છેલ્લા છ વર્ષ દરમિયાન મળેલા દાન, મંદિર નિર્માણ પાછળ થયેલા ખર્ચ, રોકડ ભંડોળ, સોના-ચાંદીના દાન અને જમીન ખરીદી અંગે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી છે. આ માહિતી સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અનેક અટકળો પર પણ સ્પષ્ટતા થઈ છે.
રિપોર્ટ અનુસાર, વર્ષ 2020થી 31 માર્ચ, 2026 સુધીમાં નિધિ સમર્પણ અભિયાન, કોર્પસ ડોનેશન અને અન્ય દાનના માધ્યમથી ટ્રસ્ટને કુલ રૂ.3,264 કરોડની આવક થઈ છે. આમાંથી મંદિર નિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય મૂડીગત કાર્યો માટે અત્યાર સુધીમાં રૂ.2,370 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ પાસે હાલ પણ રૂ.1,876.30 કરોડથી વધુનું ભંડોળ ઉપલબ્ધ હોવાનું નાણાકીય વિગતોમાં દર્શાવવામાં આવ્યું છે.
રૂ.582 કરોડનું રોકડ દાન, ભંડોળ વિવિધ રોકાણોમાં સુરક્ષિત
રિપોર્ટ મુજબ 31 માર્ચ, 2026 સુધી ટ્રસ્ટને માત્ર રોકડ દાન તરીકે જ રૂ.582 કરોડ મળ્યા છે. આ રકમમાંથી આશરે રૂ.391 કરોડ સંચાલન, વહીવટી અને અન્ય રાજસ્વ સંબંધિત ખર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવ્યા છે. ટ્રસ્ટ પાસે હાલ ઉપલબ્ધ રૂ.1,876.30 કરોડનું ભંડોળ ભારતીય સ્ટેટ બેંક (SBI), બેંક ઓફ બરોડા (BOB) અને પંજાબ નેશનલ બેંક (PNB)માં ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ અને વિવિધ બેંક ખાતાઓમાં સુરક્ષિત રીતે રોકાયેલું હોવાનું જણાવાયું છે.
32.259 કિલો સોનું અને 1,518.925 કિલો ચાંદીનો સત્તાવાર રેકોર્ડ
દાનમાં મળેલી કિંમતી ધાતુઓ અંગે પણ ટ્રસ્ટે વિગતવાર માહિતી આપી છે. રેકોર્ડ મુજબ 31 માર્ચ, 2026 સુધી ટ્રસ્ટને કુલ 32.259 કિલોગ્રામ સોનાની વસ્તુઓ દાનમાં મળી છે. ચાંદીના દાનને લઈને પણ વિગતવાર હિસાબ જાહેર કરવામાં આવ્યો છે. ટ્રસ્ટને મળેલી ચાંદીની વસ્તુઓને 'સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા' (SPMCIL) ખાતે મોકલી તેને શુદ્ધ કરીને સિલ્વર બારમાં રૂપાંતરિત કરવામાં આવી છે. નાણાકીય રેકોર્ડ મુજબ, ટ્રસ્ટ પાસે 849.272 કિલોગ્રામ 99.99 ટકા શુદ્ધ ચાંદી તથા 669.653 કિલોગ્રામ અન્ય ચાંદી સહિત કુલ 1,518.925 કિલોગ્રામ ચાંદીનો સત્તાવાર રેકોર્ડ ઉપલબ્ધ છે.
ચાંદી ગાયબ થવાના આક્ષેપો તપાસમાં ખોટા સાબિત
સોશિયલ મીડિયા પર દાનમાં મળેલી ચાંદીની સિલ્લીઓ ગાયબ થઈ હોવાના આક્ષેપો પણ ચર્ચામાં આવ્યા હતા. જોકે તપાસ દરમિયાન આ તમામ દાવાઓને ખોટા ગણાવવામાં આવ્યા છે. તપાસમાં જણાવાયું છે કે, 'ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન' અને 'વિશ્વ સિંધી સેવા સમાજ' દ્વારા આપવામાં આવેલી ચાંદી સહિતની તમામ વસ્તુઓનો રેકોર્ડ સરકારી ટંકશાળ અને ટ્રસ્ટના દસ્તાવેજોમાં યોગ્ય રીતે નોંધાયેલો મળ્યો છે. તપાસમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી.
મંદિર વિકાસ માટે જમીન ખરીદી
નાણાકીય અહેવાલ મુજબ 1 એપ્રિલ, 2025થી 31 માર્ચ, 2026 દરમિયાન ટ્રસ્ટે વિવિધ સ્થળોએ કુલ 2.57 એકર જમીન ખરીદી છે અથવા તેના માટે કરારો કર્યા છે. આ જમીન સંપાદન પાછળ કુલ રૂ.20.16 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટનું કહેવું છે કે, આ જમીન મંદિર પરિસરના વિસ્તરણ, યાત્રાળુઓ માટેની સુવિધાઓ અને ભવિષ્યના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને ખરીદવામાં આવી છે.
નાણાકીય પારદર્શિતાનો દાવો
જાહેર કરાયેલા નાણાકીય હિસાબમાં ટ્રસ્ટની આવક, ખર્ચ, રોકડ દાન, મૂડીગત ખર્ચ, કિંમતી ધાતુઓનો જથ્થો અને જમીન ખરીદી સહિતની તમામ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ બાદ ટ્રસ્ટે દાવો કર્યો છે કે, તમામ નાણાકીય વ્યવહારો અને દાનનો હિસાબ નિયમો મુજબ જાળવવામાં આવ્યો છે અને કિંમતી ધાતુઓને લઈને સોશિયલ મીડિયા પર થયેલા આક્ષેપોને તપાસમાં કોઈ આધાર મળ્યો નથી.





