Home National Pm Modi Visits Prambanan Hindu Temple Indonesia Restoration Project

ઈન્ડોનેશિયાના 1000 વર્ષ જૂના પ્રમ્બાનન મંદિરે પહોંચ્યા PM મોદી : કહ્યું- 'ભગવાન શિવ સાથે જોડાવાનું સૌભાગ્ય મને હંમેશા મળ્યું', શેર કર્યો પ્લેનની અંદરથી મંદિરનો નજારો

PM Modi Prambanan Temple
Published by: Nirali Gohil
Last Updated: Jul 08, 2026, 07:20 AM IST

PM Modi Prambanan Temple: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ ઈન્ડોનેશિયાના સૌથી મોટા અને લગભગ એક હજાર વર્ષ જૂના હિન્દુ મંદિર 'પ્રમ્બાનન'ની મુલાકાત લઈને મંદિરના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં પૂજા-અર્ચના અને આરતી કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં ભગવાન શિવ સાથેના પોતાના આધ્યાત્મિક જોડાણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જીવનના વિવિધ તબક્કામાં તેમને શિવના અનેક પવિત્ર ધામો સાથે જોડાઈને સેવા કરવાનો અવસર મળ્યો છે અને હવે પ્રમ્બાનન જેવા ઐતિહાસિક મંદિરના જીર્ણોદ્ધાર કાર્ય સાથે જોડાવું તેમના માટે ગૌરવની વાત છે.

પ્રમ્બાનન મંદિરના જીર્ણોદ્ધારનું કર્યું ઉદ્ઘાટન

ઈન્ડોનેશિયાના જાવા ટાપુ પર આવેલું પ્રમ્બાનન મંદિર વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર સમૂહોમાંનું એક માનવામાં આવે છે. લગભગ 1000 વર્ષ પહેલાં નિર્માણ પામેલું આ મંદિર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સમર્પિત છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ ઓળખાય છે. પ્રધાનમંત્રી મોદીએ મંદિરના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ મંદિર પરિસરમાં આરતી કરી અને આશીર્વાદ લીધા. આ પ્રસંગે ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો.

'મને હંમેશા ભગવાન શિવ સાથે જોડાવાનો અવસર મળ્યો'

પ્રસંગને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમના જીવનમાં ભગવાન શિવ સાથેનું જોડાણ સતત રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેમનો જન્મ ગુજરાતના વડનગરમાં થયો હતો, જ્યાં પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સોમનાથ જ્યોતિર્લિંગના વિકાસમાં યોગદાન આપવાની તક મળી હતી, જ્યારે સંસદ સભ્ય તરીકે કાશી વિશ્વનાથના આશીર્વાદ મળ્યા. આ ઉપરાંત કેદારનાથ ધામના પુનઃનિર્માણ અને ઉજ્જૈનના મહાકાલ મહાલોક પ્રોજેક્ટ સાથે જોડાવાનો અવસર પણ મળ્યો હતો. હવે પ્રમ્બાનન મંદિરના જીર્ણોદ્ધાર કાર્યમાં ભાગીદાર બનવું પોતાના માટે વિશેષ સૌભાગ્ય હોવાનું તેમણે જણાવ્યું.

સોશિયલ મીડિયા પર શેર કર્યો મંદિરનો અદ્ભુત નજારો

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પ્રમ્બાનન મંદિરની મુલાકાતના ફોટોગ્રાફ્સ અને વિડિયો શેર કર્યા હતા. એક વીડિયોમાં વિમાનમાંથી દેખાતો પ્રમ્બાનન મંદિરનો મનમોહક નજારો પણ જોવા મળ્યો હતો, જેને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથેની તસવીરો શેર કરતાં મોદીએ ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: રામ મંદિર દાન કૌભાંડમાં નવો ખુલાસો! : SITએ નંબર-1 આરોપીનું નામ કર્યું જાહેર, 3 આરોપીઓ 40 કલાકના રિમાન્ડ પર

ઈન્ડોનેશિયા સાથે રક્ષા સહયોગને નવી દિશા

ઈન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો પણ થયા છે. બંને દેશો વચ્ચે પ્રથમ વખત અંદાજે રૂ.5,500 કરોડના રક્ષા કરારની જાહેરાત કરવામાં આવી છે. આ કરાર હેઠળ ઈન્ડોનેશિયા ભારત પાસેથી બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઈલ ખરીદશે. આ ઉપરાંત ભારતને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સાબાંગ પોર્ટના વિકાસમાં પણ ભાગીદારી મળશે. મલાક્કા સ્ટ્રેટ નજીક આવેલા આ બંદરનું વ્યૂહાત્મક મહત્વ ખૂબ જ મોટું માનવામાં આવે છે, કારણ કે વિશ્વના લગભગ 25 ટકા દરિયાઈ વેપારનો માર્ગ અહીંથી પસાર થાય છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસે થશે મહત્વપૂર્ણ બેઠકો

ઈન્ડોનેશિયાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના મેલબર્ન માટે રવાના થશે. 8થી 10 જુલાઈ દરમિયાન તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ઉપરાંત તેઓ ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ સેમ મોસ્ટિન સાથે મુલાકાત કરશે, ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમને સંબોધિત કરશે તેમજ ભારતીય સમુદાયના વિશાળ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ થશે વધુ મજબૂત

સાબાંગ પોર્ટના વિકાસમાં ભારતની ભાગીદારીને માત્ર આર્થિક નહીં પરંતુ વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી દરિયાઈ અને સૈન્ય હાજરીને ધ્યાનમાં રાખીને ભારત પોતાના સમુદ્રી હિતોને વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. મલાક્કા સ્ટ્રેટ નજીક ભારતની હાજરી વધવાથી બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ વધુ મજબૂત બનશે. સાથે જ વેપાર માર્ગોની સુરક્ષા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગી દેશો સાથેના સંબંધો પણ વધુ મજબૂત બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now