Nitin Gadkari on E20 Fuel: દેશમાં E20 એટલે કે 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે E20 પેટ્રોલના કારણે વાહનોનું માઈલેજ ઘટી રહ્યું છે અને એન્જિન તેમજ અન્ય પાર્ટ્સને નુકસાન થઈ રહ્યું છે. આ વિવાદ વચ્ચે હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરતાં આવા દાવાઓને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. ગડકરીએ કહ્યું કે, ઇથેનોલનું કેલોરિફિક વેલ્યૂ પેટ્રોલ કરતાં થોડું ઓછું હોવાથી માઈલેજમાં નજીવો તફાવત આવી શકે છે, પરંતુ સામાન્ય વપરાશમાં તેની અસર ખૂબ ઓછી હોય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આજદિન સુધી E20 ઇંધણના કારણે કોઈ વાહન રસ્તા પર બંધ પડી ગયું હોય અથવા એન્જિનને નુકસાન થયું હોય એવો એક પણ પુરાવો સામે આવ્યો નથી.
'એક પણ કાર બતાવો જે E20થી ખરાબ થઈ હોય'
નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓને ફગાવતા કહ્યું કે, E20 પેટ્રોલના કારણે ગાડીઓ ખરાબ થવાના દાવા સંપૂર્ણપણે ભ્રામક છે. તેમણે પડકાર આપતા કહ્યું કે, કોઈ એક પણ એવી કાર બતાવે જે માત્ર E20 ફ્યુઅલના કારણે ખરાબ થઈ હોય. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા E20 પેટ્રોલને બજારમાં લાવતા પહેલાં પુણે સ્થિત ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) તેમજ દેશની અગ્રણી ઓટોમોબાઇલ કંપનીઓ દ્વારા વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યા હતા. તમામ ટેસ્ટમાં સફળતા મળ્યા બાદ જ દેશભરમાં E20 ઇંધણ લાગુ કરવામાં આવ્યું છે.
જૂના વાહનો માટે પણ સરકારે લીધાં સાવચેતીના પગલાં
જૂના મોડલની કારોને લઈને પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગડકરીએ જણાવ્યું કે, કેટલીક જૂની ગાડીઓમાં ઉપયોગમાં લેવાયેલા નાના મેટલ પાર્ટ્સને ધ્યાનમાં રાખીને વાહન ઉત્પાદક કંપનીઓને પહેલેથી જ સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, જ્યારે જૂની કાર સર્વિસિંગ માટે આવશે ત્યારે જરૂરી હોય ત્યાં મેટલ વૉશરની જગ્યાએ રબરના વૉશર મફતમાં બદલવામાં આવશે. ગ્રાહકો પાસેથી તેના માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં.
માઈલેજમાં કેમ પડે છે થોડો તફાવત?
ગડકરીના જણાવ્યા અનુસાર ઇથેનોલનું ઊર્જા મૂલ્ય પેટ્રોલ કરતાં ઓછું હોવાથી સિદ્ધાંત મુજબ માઈલેજમાં થોડો ઘટાડો થઈ શકે છે. જોકે ગાડી કેટલી માઈલેજ આપે છે તે માત્ર ઇંધણ પર નહીં પરંતુ ટ્રાફિક, ડ્રાઈવિંગ સ્ટાઇલ અને રોડની સ્થિતિ પર પણ આધાર રાખે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, દિલ્હી કે મુંબઈ જેવા શહેરોમાં સતત બ્રેક અને લો ગિયરમાં વાહન ચલાવવાને કારણે માઈલેજ પર વધુ અસર જોવા મળી શકે છે, જ્યારે હાઈવે પર સતત ગતિએ વાહન ચલાવવામાં આવે ત્યારે આ તફાવત ખૂબ જ ઓછો રહે છે. ARAIના અભ્યાસનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ધરાવતા વાહનોમાં E20ના કારણે માઈલેજ સંબંધિત કોઈ ખાસ સમસ્યા જોવા મળી નથી.
એન્જિન માટે ઇથેનોલ વધુ ફાયદાકારક હોવાનો દાવો
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ઇથેનોલનો ઓક્ટેન નંબર વધુ હોવાથી તે એન્જિનમાં 'એન્ટી-નોકિંગ' ગુણધર્મ વધારવામાં મદદરૂપ થાય છે. તેમના જણાવ્યા અનુસાર ઇથેનોલના ઉપયોગથી એન્જિનની કામગીરી વધુ સારી બની શકે છે. તેમણે કહ્યું કે,બ્રાઝિલ જેવા દેશોમાં 1970ના દાયકાથી 27 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. ત્યાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો વર્ષોથી કોઈ મોટી સમસ્યા વિના ચાલી રહ્યા છે.
આ પણ વાંચો: ''જો એક પણ વાહન ખરાબ થયું હોય તો નામ આપો'' : E20 પેટ્રોલ પર વધતા વિવાદ વચ્ચે નિતિન ગડકરીની ખુલ્લી ચેલેન્જ
ટૂંક સમયમાં આવશે ફ્લેક્સ-ફ્યુઅલ કાર્સ
ગડકરીએ જણાવ્યું કે ભારતમાં પણ ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજી ઝડપથી આગળ વધી રહી છે. ટાટા મોટર્સ, મહિન્દ્રા, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને ટોયોટા જેવી અનેક ઓટોમોબાઇલ કંપનીઓ ટૂંક સમયમાં ફ્લેક્સ-ફ્યુઅલ મોડલ્સ રજૂ કરવાની તૈયારીમાં છે. આ વાહનો વિવિધ પ્રકારના ઇંધણ પર સરળતાથી ચાલી શકશે, જે ગ્રાહકોને વધુ વિકલ્પ અને ઓછા ખર્ચે મુસાફરી કરવાની સુવિધા આપશે.
વિદેશી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો સરકારનો પ્રયાસ
ગડકરીએ જણાવ્યું કે ભારત દર વર્ષે લાખો કરોડ રૂપિયાનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે. ઇથેનોલ, મેથેનોલ અને આઇસો-બ્યુટેનોલ જેવા સ્વદેશી બાયોફ્યુઅલના ઉપયોગથી આયાતમાં ઘટાડો થશે, ખેડૂતોને વધારાની આવક મળશે અને પ્રદૂષણ પણ ઓછું થશે. તેમણે જણાવ્યું કે, સરકારનો મુખ્ય હેતુ લોકોને એક જ પ્રકારના ઇંધણ પર નિર્ભર રાખવાનો નથી, પરંતુ પેટ્રોલ, ઇથેનોલ, મેથેનોલ, CNG અને ફ્લેક્સ-ફ્યુઅલ જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી ગ્રાહકો પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ ઇંધણ પસંદ કરી શકે.





