Home Automobile E20 Petrol Premium Petrol Demand Xp95 Xp100 India

E20થી બચવા લોકોએ પસંદ કર્યો મોંઘો વિકલ્ય : સામાન્ય પેટ્રોલ છોડીને પસંદ કરી રહ્યા છે પ્રીમિયમ ફ્યુઅલ

E20 Petrol Demand
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: Jul 10, 2026, 10:05 AM IST

E20 Petrol Demand: દેશભરમાં E20 (20 ટકા ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલનો અમલ વધતા વાહનચાલકોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. સરકાર અને ઓટોમોબાઇલ કંપનીઓ સતત દાવો કરી રહી છે કે E20 ઈંધણ ભવિષ્ય માટે વધુ પર્યાવરણમૈત્રી અને સુરક્ષિત વિકલ્પ છે, પરંતુ બીજી તરફ ઘણા કાર માલિકોમાં હજુ પણ એન્જિનની કામગીરી અને લાંબા ગાળાના પ્રભાવને લઈને શંકા યથાવત છે. પરિણામે ઘણા લોકો હવે સામાન્ય પેટ્રોલને બદલે મોંઘું પ્રીમિયમ પેટ્રોલ પસંદ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાસ કરીને દિલ્હીના અનેક વિસ્તારોમાં પ્રીમિયમ પેટ્રોલની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં હાઈ-ઓક્ટેન પ્રીમિયમ પેટ્રોલની માંગ પાંચ ગણી સુધી વધી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ E20ને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ અને પ્રશ્નો ઉઠી રહ્યા છે, જેના કારણે ગ્રાહકોમાં ગૂંચવણ વધુ વધી છે.

E20 બાદ પ્રીમિયમ પેટ્રોલ તરફ વળ્યા વાહનચાલકો

E20 પેટ્રોલ અમલમાં આવ્યા બાદ ઘણા વાહનચાલકોને લાગ્યું છે કે તેમની કાર માટે પ્રીમિયમ અથવા વધુ ઓક્ટેનવાળું પેટ્રોલ વધુ સુરક્ષિત રહેશે. જોકે સરકાર અને વાહન ઉત્પાદક કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે E20 માટે અનુરૂપ વાહનોમાં આ ઈંધણ સુરક્ષિત છે, તેમ છતાં ઘણા લોકો સાવચેતીના ભાગરૂપે પ્રીમિયમ ફ્યુઅલનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. આ વધતી માંગને કારણે દિલ્હીના અનેક પેટ્રોલ પંપ પર પ્રીમિયમ પેટ્રોલનું વેચાણ અગાઉની સરખામણીએ ઝડપથી વધી રહ્યું છે.

કેટલાક વિસ્તારોમાં 5 ગણી વધી માંગ

મળતી માહિતી મુજબ, દિલ્હીના પ્રીમિયમ વિસ્તારોમાં હાઈ-ઓક્ટેન ફ્યુઅલની માંગમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. ગ્રાહકો ખાસ કરીને XP95, XP100, Speed 97 અને અન્ય પ્રીમિયમ પેટ્રોલની માંગ કરી રહ્યા છે.

અહેવાલો અનુસાર, અગાઉ જ્યાં XP95 પેટ્રોલનું રોજનું વેચાણ આશરે 1,000 લિટર હતું, ત્યાં હવે તે વધીને લગભગ 1,500થી 1,700 લિટર પ્રતિદિન સુધી પહોંચી ગયું છે. બીજી તરફ XP100નું વેચાણ પણ આશરે 100 લિટરથી વધીને 500 લિટર પ્રતિદિન સુધી પહોંચ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: 'એક નહીં, 6 વાહન માલિકો રજૂ કરીશું' : E20 ફ્યુઅલ મુદ્દે નીતિન ગડકરીની વાતને પડકારતા પ્રદર્શનકારીઓનું મોટું નિવેદન

પ્રીમિયમ પેટ્રોલ મોંઘું હોવા છતાં લોકો કરી રહ્યા છે પસંદગી

પ્રીમિયમ પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં વધુ કિંમતે મળે છે. તેમ છતાં ઘણા ગ્રાહકો માનતા હોય છે કે તે એન્જિનને વધુ સારી સુરક્ષા આપે છે અથવા તેમાં ઇથેનોલનું પ્રમાણ ઓછું હોય છે. જોકે તમામ પ્રીમિયમ પેટ્રોલ માટે આ વાત સાચી નથી. આ વધતી માંગ દર્શાવે છે કે, E20 અંગે લોકોમાં હજુ પણ પૂરતી સ્પષ્ટતા નથી અને તેઓ વધારાનો ખર્ચ કરીને પણ વિકલ્પ શોધી રહ્યા છે.

સરકારનું શું કહેવું છે?

કેન્દ્ર સરકારે E20 પેટ્રોલને લઈને લોકોમાં ફેલાતી ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. સરકારના જણાવ્યા મુજબ, કેટલાક વાહનોમાં E20 ઈંધણ ઉપયોગ બાદ માઇલેજમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે, પરંતુ તે સમગ્ર કામગીરીનું એકમાત્ર માપદંડ નથી. સરકારનો દાવો છે કે, E20 પેટ્રોલમાં વધુ સારી ઓક્ટેન રેટિંગ, એન્ટી-નોકિંગ ક્ષમતા, સ્મૂથ એક્સેલરેશન, ઝડપી દહન પ્રક્રિયા અને સ્વચ્છ એન્જિન ઓપરેશન જેવા અનેક ફાયદા મળે છે. ઉપરાંત તે પર્યાવરણ માટે પણ વધુ અનુકૂળ માનવામાં આવે છે.

E10 અથવા શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ કેમ નથી?

સોશિયલ મીડિયા પર ઘણા લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો તેઓ E20નો ઉપયોગ ન કરવા માંગતા હોય તો તેમને E10 અથવા શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ કેમ આપવામાં આવતો નથી. સરકારના જણાવ્યા અનુસાર, ભારતમાં એક લાખથી વધુ પેટ્રોલ પંપ કાર્યરત છે. દરેક પંપ પર અલગ-અલગ ગ્રેડનું પેટ્રોલ ઉપલબ્ધ કરાવવું લોજિસ્ટિક્સની દૃષ્ટિએ અત્યંત પડકારજનક છે. તેનાથી પરિવહન ખર્ચ, સ્ટોરેજ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને ઓપરેશનલ ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: ''જો એક પણ વાહન ખરાબ થયું હોય તો નામ આપો'' : E20 પેટ્રોલ પર વધતા વિવાદ વચ્ચે નિતિન ગડકરીની ખુલ્લી ચેલેન્જ

શું તમામ પ્રીમિયમ પેટ્રોલ ઇથેનોલ-મુક્ત હોય છે?

ઘણા ગ્રાહકો એવું માની રહ્યા છે કે તમામ પ્રીમિયમ પેટ્રોલમાં ઇથેનોલ હોતું નથી, પરંતુ હકીકત એવી નથી. ઉપલબ્ધ માહિતી મુજબ, સામાન્ય રીતે માત્ર 100 ઓક્ટેન પેટ્રોલને જ ઇથેનોલ-મુક્ત માનવામાં આવે છે. જેમ કે XP100 જેવા કેટલાક ફ્યુઅલમાં ઇથેનોલ મિશ્રણ ન હોય શકે, પરંતુ XP95 અથવા અન્ય પ્રીમિયમ પેટ્રોલમાં ઇથેનોલ હોઈ શકે છે. તેથી માત્ર "પ્રીમિયમ" શબ્દ જોઈને તેને ઇથેનોલ-ફ્રી માનવું યોગ્ય નથી. ઉપરાંત XP100 જેવા ઇંધણ તમામ શહેરો અથવા દરેક પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ પણ નથી.

ગ્રાહકોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?

જો તમારું વાહન ઉત્પાદક કંપની દ્વારા E20-સંગત (E20 Compatible) તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું હોય, તો સામાન્ય રીતે E20 પેટ્રોલનો ઉપયોગ સુરક્ષિત માનવામાં આવે છે. જો વાહન જૂનું હોય અથવા તેના માટે ઉત્પાદકની અલગ ભલામણ હોય, તો વાહનના યુઝર મેન્યુઅલ અથવા અધિકૃત સર્વિસ સેન્ટરની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. હાલમાં E20ને લઈને ચર્ચા વચ્ચે પ્રીમિયમ પેટ્રોલની માંગમાં વધારો ચોક્કસ જોવા મળી રહ્યો છે, પરંતુ માત્ર સોશિયલ મીડિયા પરની માહિતીના આધારે નિર્ણય લેવાને બદલે વાહન ઉત્પાદક અને અધિકૃત માર્ગદર્શનને પ્રાથમિકતા આપવી વધુ યોગ્ય રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now