ભારત સામે અમેરિકાનું ટેરિફ યુદ્ધ હાલમાં સમાપ્ત થવાની શક્યતા નથી. અહેવાલ છે કે હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઘણા દેશોને ભારત સામે વધુ ટેરિફ લાદવા માટે ઉશ્કેરી રહ્યા છે. જોકે અમેરિકન સરકાર દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. આ સંદર્ભમાં G7 દેશોના નેતાઓ સાથે બેઠક યોજાઈ શકે તેવી શક્યતા છે. ફાઇનાન્સિયલના અહેવાલ મુજબ, અમેરિકા G7 દેશોને ભારત અને ચીન પર વધુ ટેરિફ લાદવા માટે અપીલ કરવાની તૈયારી કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ટેરિફ દર 50 થી 100 ટકાની વચ્ચે હોઈ શકે છે. શુક્રવારે, કેનેડા, ફ્રાન્સ, અમેરિકા, જાપાન, ઇટાલી, બ્રિટન અને જર્મનીના નાણામંત્રીઓ શુક્રવારે વીડિયો કોલ દ્વારા મળવાના છે.
ટ્રમ્પે EU સાથે વાત કરી
થોડા દિવસો પહેલા રોઇટર્સના એક અહેવાલમાં અમેરિકન અને EU અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પે EU અધિકારીઓને ચીન પર 100 ટકા ટેરિફ લાદવાની અપીલ કરી છે, જેથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર દબાણ લાવી શકાય. એક અધિકારીએ એજન્સીને જણાવ્યું હતું કે ટ્રમ્પે EU ને ભારત પર સમાન ટેરિફ લાદવા કહ્યું છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સ સાથે વાત કરતા, યુએસ અધિકારીએ કહ્યું, 'ચીન અને ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાથી પુતિનના યુદ્ધ મશીનને મદદ મળી રહી છે અને યુક્રેનિયન લોકોની બિનજરૂરી હત્યામાં વધારો થઈ રહ્યો છે. આ અઠવાડિયે અમે અમારા EU સાથીઓને કહ્યું છે કે જો તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે ગંભીર છે, તો તેમણે ટેરિફ લાદવામાં અમારી સાથે જોડાવું પડશે, જે યુદ્ધ સમાપ્ત થતાં જ પાછું ખેંચી લેવામાં આવશે.'
ટ્રમ્પનો ભારત પર ટેરિફ હુમલો
ટ્રમ્પે શરૂઆતમાં રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર 25 ટકા ડ્યુટી અને દંડ લાદ્યો હતો. આ પછી, તેમણે વધારાના 25 ટકા ટેરિફની જાહેરાત કરી. જ્યારે ભારત તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે યુએસ અને યુરોપિયન યુનિયન બંને રશિયા સાથે વેપાર પણ કરે છે. ખાસ વાત એ છે કે ચીન પણ રશિયન તેલના સૌથી મોટા ખરીદદારોમાંનું એક છે, પરંતુ યુએસે તેના પર 30 ટકા ટેરિફ લાદ્યો છે. જ્યારે, દંડ ઉપરાંત, ભારત પર 50 ટકા ડ્યુટી લાદવામાં આવી છે અને પ્રતિબંધોની ધમકીઓ આપવામાં આવી રહી છે.