SBI Profit Update: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ શુક્રવારે તેના ચોથા ત્રિમાસિક ગાળાના (Q4) પરિણામો જાહેર કર્યા છે. બેંકના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 24 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે વધીને રૂ.20,698 કરોડ પર પહોંચ્યો છે. જોકે, બેંકના શાનદાર પ્રદર્શન છતાં શેરબજારમાં તેની નકારાત્મક અસર જોવા મળી હતી. SBI ના પરિણામો જાહેર થયા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં અચાનક ઘટાડો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થયું છે. બજારના વિશ્લેષકો આ ઘટાડા પાછળ પ્રોફિટ બુકિંગ અને બેંકના ભવિષ્યના માર્જિન અંગેની ચિંતાઓને જવાબદાર ગણી રહ્યા છે.
SBI નો ચોખ્ખો નફો રૂ.20,698 કરોડે પહોંચ્યો
નાણાકીય વર્ષ 2024 ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં SBI એ રૂ.20,698.35 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ.16,694.51 કરોડ હતો. બેંકની વ્યાજની આવકમાં પણ વધારો થયો છે. SBI ના બોર્ડે નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રતિ શેર રૂ.13.70 ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. બેંકની લોન બુકમાં મજબૂત વૃદ્ધિ અને એસેટ ક્વોલિટીમાં થયેલા સુધારાને કારણે નફામાં આ મોટો ઉછાળો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: આ IPOએ લિસ્ટિંગમાં જ રોકાણકારોના નાણાં ડબલ કર્યા : જાણો કેટલા રૂપિયાનો થયો નફો
પરિણામો બાદ શેરબજારમાં કેમ મચ્યો હાહાકાર?
સામાન્ય રીતે સારા પરિણામો બાદ શેરમાં તેજી આવતી હોય છે, પરંતુ SBI ના કિસ્સામાં ઉલટું જોવા મળ્યું. પરિણામો જાહેર થતાની સાથે જ SBI નો શેર 2 ટકાથી વધુ તૂટ્યો હતો. આની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર પડી અને બીએસઈ સેન્સેક્સ (Sensex) 550 પોઈન્ટથી વધુ ગગડીને 72,000 ની નીચે સરકી ગયો હતો. નિફ્ટીમાં પણ 150 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. રોકાણકારોમાં અચાનક આવેલી આ વેચવાલીને કારણે બજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું હતું.
રોકાણકારો કેમ ચિંતામાં મુકાયા?
બજારના નિષ્ણાતોના મતે, SBI ના નફાના આંકડા અપેક્ષા મુજબના હતા, પરંતુ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) માં જોવા મળેલો દબાણ રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે. બેંકિંગ સેક્ટરમાં વધતી જતી સ્પર્ધા અને ડિપોઝિટના દરમાં થયેલા વધારાને કારણે ભવિષ્યમાં નફાકારકતા પર અસર પડી શકે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. આ ઉપરાંત, શેરબજાર છેલ્લા કેટલાક સમયથી ઓલ-ટાઇમ હાઈ પર ટ્રેડ કરી રહ્યું હોવાથી, મોટા રોકાણકારોએ પ્રોફિટ બુક કરવાનું મુનાસિબ માન્યું હતું.
આ પણ વાંચો: ખિસ્સામાં રાખેલા 1 લાખ ક્યારે 14 કરોડ થઈ ગયા ખબર પણ ના પડી! : આ શેરના જાદુએ રોકાણકારોની પેઢીઓ તરી ગઈ
બેંકની એસેટ ક્વોલિટીમાં સુધારો
પોઝિટિવ પાસાની વાત કરીએ તો, SBI ની ગ્રોસ એનપીએ (GNPA) માં ઘટાડો થયો છે. માર્ચ 2024 ના અંતે બેંકની ગ્રોસ એનપીએ ઘટીને 2.24 ટકા પર આવી ગઈ છે, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 2.42 ટકા હતી. નેટ એનપીએ પણ ઘટીને 0.57 ટકા થઈ છે. આમ, બેંકનું બેલેન્સ શીટ મજબૂત જણાઈ રહ્યું છે, પરંતુ બજારની અસ્થિરતા અને વૈશ્વિક સંકેતોને કારણે ટૂંકા ગાળા માટે રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.





