તાઈવાનની આસપાસ ચીનની વધતી સૈન્ય ગતિવિધિઓએ ફરી એકવાર એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં તણાવ વધારી દીધો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં પોતાની આસપાસ ચીનના યુદ્ધજહાજો, લડાકુ વિમાનો અને સરકારી જહાજોની હાજરી નોંધાતા સમગ્ર વિશ્વનું ધ્યાન ફરી આ સંવેદનશીલ વિસ્તાર તરફ ખેંચાયું છે. ચીન તાઇવાનને પોતાનો ભાગ માને છે, જ્યારે તાઇવાન પોતાને સ્વતંત્ર અને લોકશાહી શાસન ધરાવતું ક્ષેત્ર ગણાવે છે. આ જ મુદ્દો બંને વચ્ચેના લાંબા સમયથી ચાલતા વિવાદનું મૂળ છે.
તાઈવાનના સંરક્ષણ મંત્રાલય (MND) દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર રવિવારે સવારે 6 વાગ્યા સુધીમાં તાઇવાનની આસપાસ ચીનના બે સૈન્ય વિમાનો, આઠ નૌકાદળના યુદ્ધજહાજો અને ચાર સરકારી જહાજોની હાજરી નોંધવામાં આવી હતી. તાઇવાનની સશસ્ત્ર દળોએ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી અને જરૂરી પ્રતિસાદી પગલાં પણ લીધા હતા.
આ ઘટના કોઈ એક દિવસ પૂરતી મર્યાદિત નથી. તેના એક દિવસ અગાઉ પણ તાઇવાને ચીનના પાંચ લડાકુ વિમાનો, નવ યુદ્ધજહાજો અને પાંચ સરકારી જહાજોની ગતિવિધિઓ નોંધેલી હતી. તેમાંનો એક ચીની વિમાન તાઇવાન સ્ટ્રેટની મધ્યરેખા પાર કરીને તાઇવાનના એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોન (ADIZ)માં પ્રવેશી ગયો હતો, જેના કારણે તણાવ વધુ વધ્યો હતો.
આ પણ વાંચો: આજે 22 જૂન : વિશ્વ વર્ષાવન દિવસ, જાણો આજના દિવસનો ઈતિહાસ
શું છે ચીન અને તાઇવાન વચ્ચેનો મુખ્ય વિવાદ?
ચીન અને તાઇવાન વચ્ચેનો વિવાદ આજનો નથી પરંતુ લગભગ 75 વર્ષથી વધુ જૂનો છે. ચીનની સરકાર તાઇવાનને પોતાના દેશનો અભિન્ન ભાગ માને છે અને ભવિષ્યમાં તેના એકીકરણની વાત કરે છે. બીજી તરફ તાઇવાનની પોતાની ચૂંટાયેલી સરકાર, સંસદ, સૈન્ય અને આર્થિક વ્યવસ્થા છે, જેના આધારે તે પોતાને અલગ રાજકીય એકમ તરીકે ચલાવે છે.
ચીનની "વન ચાઇના પોલિસી" અનુસાર વિશ્વમાં માત્ર એક જ ચીન છે અને તાઇવાન તેનો હિસ્સો છે. જ્યારે તાઇવાનના ઘણા રાજકીય નેતાઓ અને નાગરિકો પોતાની અલગ ઓળખ અને સ્વાયત્તતાને જાળવી રાખવા માંગે છે. આ વિરોધાભાસ જ બંને વચ્ચેના સતત તણાવનું મુખ્ય કારણ છે. ચીન વારંવાર તાઇવાનની આસપાસ સૈન્ય અભ્યાસ અને પેટ્રોલિંગ કરીને પોતાના દાવાને મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ તાઇવાન પોતાની સુરક્ષા મજબૂત કરવા માટે સૈન્ય ક્ષમતાઓ વધારવામાં વ્યસ્ત છે.
કેવી રીતે થયો તાઈવાનનો જન્મ?
તાઈવાનની હાલની રાજકીય સ્થિતિ પાછળનો ઈતિહાસ બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થાય છે. વર્ષ 1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યારે જાપાનની હાર થઈ હતી. જોકે, ત્યારબાદ ચીનમાં રાષ્ટ્રવાદી પાર્ટી કુઓમિનતાંગ અને કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચેનું ગૃહયુદ્ધ ફરી શરૂ થયું.
કુઓમિનતાંગના નેતા ચિયાંગ કાઇ-શેક અને કમ્યુનિસ્ટ નેતા માઓ ઝેડોંગ વચ્ચે સત્તા માટે જંગ ચાલી રહ્યો હતો. અંતે માઓ ઝેડોંગના નેતૃત્વ હેઠળની કમ્યુનિસ્ટ સેનાએ જીત મેળવી અને 1 ઓક્ટોબર 1949ના રોજ બેઇજિંગમાં "પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના"ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી. આ પરાજય બાદ ચિયાંગ કાઇ-શેક પોતાના લાખો સમર્થકો સાથે તાઇવાન દ્વીપ પર ગયા અને ત્યાં "રિપબ્લિક ઓફ ચાઇના" નામની સરકારની સ્થાપના કરી. ત્યારથી ચીન અને તાઇવાન અલગ-અલગ રાજકીય પ્રણાલીઓ હેઠળ કાર્યરત છે.
આ પણ વાંચો: આ કારમાં 100 કે 200 નહીં... મળે છે 3112 હોર્સપાવર! : ફ્યુચરિસ્ટિક ડિઝાઇન સાથે આવી નવી EV હાઇપરકાર
વધતી સૈન્ય હરીફાઈ અને સુરક્ષા ચિંતાઓ
તાજેતરના વર્ષોમાં ચીને તાઇવાનની આસપાસ સૈન્ય દબાણ નોંધપાત્ર રીતે વધાર્યું છે. ચીનના લડાકુ વિમાનો અને યુદ્ધજહાજો નિયમિત રીતે તાઇવાનની નજીક દેખાવા લાગ્યા છે. નિષ્ણાતો માને છે કે આ પ્રવૃત્તિઓનો હેતુ તાઇવાન પર માનસિક અને વ્યૂહાત્મક દબાણ બનાવવાનો છે.
બીજી તરફ તાઇવાન પણ પોતાની સુરક્ષા મજબૂત કરવા માટે નવા સંરક્ષણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. તાજેતરમાં તાઇવાનની પ્રથમ સ્વદેશી પનડુબ્બીએ વધુ એક સફળ દરિયાઈ પરીક્ષણ પૂર્ણ કર્યું હતું. આ પનડુબ્બી તાઈવાનની સમુદ્રી સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
તાઈવાન માટે અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશોનું સમર્થન પણ મહત્વપૂર્ણ છે. અમેરિકા તાઈવાનને રક્ષણાત્મક હથિયારો પૂરા પાડે છે, જ્યારે ચીન આને પોતાના આંતરિક મામલામાં હસ્તક્ષેપ તરીકે જુએ છે. જેના કારણે ચીન-અમેરિકા સંબંધોમાં પણ આ મુદ્દો સતત ચર્ચાનો વિષય રહે છે.
આ પણ વાંચો: OMG! : મહિલાના હાથની ગાંઠમાંથી નીકળ્યો 10 સેમી લાંબો જીવતો કીડો, ઓપરેશન દરમિયાન ડોક્ટરો પણ ચોંકી ગયા
સમગ્ર વિશ્વની નજર તાઇવાન સ્ટ્રેટ પર
તાઈવાન સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક માનવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારનો સૈન્ય સંઘર્ષ વૈશ્વિક વેપાર, ટેક્નોલોજી ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પર મોટી અસર પાડી શકે છે. ખાસ કરીને તાઇવાન વિશ્વની અગ્રણી સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તેથી તાઇવાનને લઈને ઊભી થતી કોઈપણ અસ્થિરતા માત્ર એશિયા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની જાય છે.
હાલ ચીન અને તાઈવાન વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ નથી, પરંતુ ચીનની વધતી સૈન્ય ગતિવિધિઓ અને તાઇવાનની રક્ષણાત્મક તૈયારીઓએ સમગ્ર વિસ્તારમાં તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. આવનારા સમયમાં આ મુદ્દો વૈશ્વિક રાજનીતિ અને સુરક્ષાના સૌથી મહત્વપૂર્ણ વિષયોમાંનો એક બની રહેવાની શક્યતા છે.





