Jammu Kashmir Terrorist Arrest: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા સાંપડી છે. લશ્કર-એ-તૈયબા (LeT) ના ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરતા પોલીસે બે પાકિસ્તાની આતંકવાદીઓ સહિત કુલ 5 શખ્સોની ધરપકડ કરી છે. આ ઓપરેશનની સૌથી મોટી વાત એ છે કે પકડાયેલા આતંકીઓ પૈકીનો એક અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરેરા છેલ્લા 16 વર્ષથી સુરક્ષા એજન્સીઓને થાપ આપીને ફરાર હતો. જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓના સંયુક્ત ઓપરેશનમાં આ આતંકીઓ ઉપરાંત તેમને આશ્રય અને આર્થિક મદદ પૂરી પાડતા ત્રણ મદદગારોને પણ દબોચી લેવામાં આવ્યા છે. આ ધરપકડ સાથે જ સરહદ પારથી ચાલતા લશ્કરના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે.
19 સ્થળોએ સર્ચ ઓપરેશન અને મોટું નેટવર્ક ઝડપાયું
આ સફળતા કોઈ એકાદ ઓપરેશનનું પરિણામ નથી, પરંતુ જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને હરિયાણા સહિત દેશના 19 જેટલા વિવિધ સ્થળોએ હાથ ધરવામાં આવેલા વ્યાપક સર્ચ ઓપરેશનનું પરિણામ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ મોડ્યુલ માત્ર કાશ્મીર પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હતું. પકડાયેલા બીજા પાકિસ્તાની આતંકવાદીની ઓળખ ઉસ્માન ઉર્ફે ખુબૈબ તરીકે થઈ છે. આ આતંકીઓ પાસેથી લોજિસ્ટિક્સ અને નાણાકીય વ્યવહારના મહત્વના પુરાવાઓ તેમજ કેટલાક વાંધાજનક સામાન પણ જપ્ત કરવામાં આવ્યા છે, જે આતંકવાદી નેટવર્કની ઊંડી તપાસમાં મદદરૂપ થશે.
આ પણ વાંચો: મુસાફરોને મોટો ફટકો! : Air India સાથે ઉડવું હવે વધુ મોંઘું! ઇંધણ સરચાર્જમાં મોટા ફેરફાર, જાણો કેટલો વધારો
સરહદ પારના હેન્ડલર્સ સાથે જોડાયેલા હતા 3 મદદગારો
ધરપકડ કરાયેલા પાંચ લોકોમાં શ્રીનગરના ત્રણ સ્થાનિક મદદગારોનો પણ સમાવેશ થાય છે. મોહમ્મદ નકીબ ભટ, આદિલ રાશિદ ભટ અને ગુલામ મોહમ્મદ મીર ઉર્ફે મામા નામના આ શખ્સો પાકિસ્તાની આતંકવાદીઓને રહેવા માટે આશ્રય, ભોજન અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે લોજિસ્ટિક મદદ પૂરી પાડતા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ત્રણેય મદદગારો સરહદ પાર બેઠેલા આતંકી હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતા અને તેમના ઈશારે જ આતંકીઓને સુરક્ષિત ઠેકાણાઓ પૂરા પાડતા હતા.
16 વર્ષથી ભારતમાં સક્રિય હતા આતંકીઓ: 40 થી વધુને આપી ટ્રેનિંગ
તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ પાકિસ્તાની આતંકવાદીઓએ વર્ષ 2010ની આસપાસ ભારતમાં ઘૂસણખોરી કરી હતી. છેલ્લા 16 વર્ષથી તેઓ કાશ્મીર ખીણના અલગ-અલગ જિલ્લાઓમાં છુપાઈને સક્રિય રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે લગભગ 40 જેટલા સ્થાનિક આતંકવાદીઓને કમાન્ડ કર્યા હતા અને તેમને તાલીમ આપી હતી. જોકે, આ 40 પૈકીના મોટાભાગના આતંકીઓને સુરક્ષા દળોએ અલગ-અલગ એન્કાઉન્ટરમાં પહેલેથી જ ઠાર કરી દીધા છે. એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ આતંકીઓએ નકલી દસ્તાવેજોના આધારે અન્ય કયા કયા રાજ્યોમાં પોતાના સંપર્કો કેળવ્યા હતા.





